નવી દિલ્હીઃ CBI દ્વારા અત્યારે મોટી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં થયેલા રૂપિયા 661 કરોડના સરકારી ફંડ કૌભાંડ મામલે સખત કાર્યવાહી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સીબીઆઈએ દિલ્હી-NCR, ચંદીગઢ અને પંચકુલા સહિત કુલ 6 મહત્વપૂર્ણ લોકેશન પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા IDFC ફર્સ્ટ બેંક અને AU Finance Bankના માધ્યમથી સરકારી નાણાંની કથિત ઉથલપાથલ અને હેરાફેરીના કેસમાં કરવામાં આવ્યા છે.
કયા વિભાગોના સરકારી નાણાંમાં થઈ ગેરરીતિ?
CBIની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હરિયાણા સરકારના 8 મહત્વના વિભાગો અને ચંદીગઢ પ્રશાસનના 2 વિભાગોના બજેટ અને ફંડમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (Chandigarh Municipal Corporation) અને ક્રેસ્ટ ચંદીગઢ (CREST Chandigarh) ના બેંક ખાતાઓ રાડારમાં આવ્યાં છે.
તપાસ દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.
આ ઉપરાંત, અગાઉ દાખલ કરાયેલી ચાર્જશીટમાં હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડ અને હરિયાણા સ્કૂલ શિક્ષા પરિયોજના પરિષદના અધિકારીઓની સંડોવણી પણ જાહેર થઈ ચૂકી છે. CBIએ આ ઓપરેશન દરમિયાન હરિયાણા કેડરના વરિષ્ઠ સરકારી બાબુઓના સત્તાવાર અને ખાનગી આવાસ પર દરોડા પાડ્યા હતા. આ સાથે જ, કૌભાંડના નાણાંના ટ્રાન્ઝેક્શન માટે વપરાયેલી ખાનગી પેઢી વિપમ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ (Vipam Consultancy Pvt. Ltd.) અને તેના ડાયરેક્ટરના પરિસરોને પણ ફંગોળવામાં આવ્યા હતા.
બેંક અધિકારીઓ સાથે મળીને આચર્યું કૌભાંડ
તપાસની વાત કરવામાં આવે તો, CBIને આશંકા છે કે સરકારી તિજોરીમાંથી લૂંટવામાં આવેલી રકમ પહેલા વિપમ કન્સલ્ટન્સીના કોર્પોરેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારબાદ આ નાણાં ડાયરેક્ટરના પર્સનલ બેંક ખાતામાં ડાયવર્ટ કરાયા હતા. દરોડા દરમિયાન CBIની ટીમને અનેક ડિજિટલ ડિવાઇસ, પ્રોપર્ટીના કાગળો, કરોડોના ટ્રાન્ઝેક્શનની વિગતો આપતા વાંધાજનક દસ્તાવેજો અને અન્ય મહત્વના પુરાવા મળ્યા છે, જેને જપ્ત કરી લેવાયા છે.
ટૂંક સમયમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ થશે
આ સમગ્ર મામલો હરિયાણા વિજિલન્સ-એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અને ચંદીગઢ પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) માં નોંધાયેલા કેસ પરથી CBIને સોંપવામાં આવ્યો હતો. CBIના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કૌભાંડની કડીઓ ખૂબ લાંબી છે અને આગામી દિવસોમાં અન્ય સહ-આરોપીઓ વિરુદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરીને ધરપકડની પ્રક્રિયા તેજ કરવામાં આવશે.