- વિરલ રાઠોડ
સ્માર્ટ ફોન આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયા છે. દિવસની શરૂઆતથી લઈને રાત્રીની ઊંઘ સુધી મોટાભાગનું કામ આજે સ્માર્ટ ફોન પર કરવું શક્ય બની ગયું છે. ઓફિસ ડોક્યુમેન્ટથી લઈને ડિજિટલ ગેમ્સ સુધી, પેમેન્ટ થઈને પિક્ચર ક્લિક કરવા સુધીની પ્રોસેસ ફોન પર થઈ જાય છે. બેંકિંગ અને સોશ્યલ મીડિયાથી લઈને ઓનલાઈન શિક્ષણ અને મનોરંજન સુધી, આપણે લગભગ દરેક કાર્ય માટે ફોન પર આધાર રાખીએ છીએ. તારથી શરૂ થયેલી સંદેશા વહનના માધ્યમની સફર આજે અઈં સુધી પહોંચી છે, આ યાત્રામાં વાયરવાળા ટેલિફોનથી લઈને આજના સ્માર્ટ ફોનનો સમાવેશ થાય છે. એ દરેક ડિવાઇસનો એક યુગ હતો એમ કહેવામાં પણ ખોટું નથી. ગૂગલ જેવી જાયન્ટ કંપની AI પર સ્વીચ થતા એના દરેક યુઝર્સને પણ AI સાથે જોડી દીધા. પહેલા તો ગૂગલ સર્ચ સાથે AI મોડ આવ્યું, પછી વોટ્સએપની સ્વામિત્વ કંપની મેટાએ ચેટના સ્વરૂપમાં AI આપ્યું. આમ એક નાના-નાના પરિવર્તનથી ફોન AIથી જોડાઈ ગયો.
ચેટ જીપીટી અને ગૂગલ જેમિની જેવી એપ્સએ નાના- મોટા સર્ચ માટે ગૂગલ સુધી જવાની કે બ્રાઉઝર ખોલવાની તસ્દીમાંથી મુક્તિ આપી, પણ સમગ્ર ફોન જ એઆઈ હોય તો? સ્માર્ટ ફોનમાં એક પાર્ટ તરીકે આવતું એઆઈ ફીચર એક ડિવાઇસ તરીકે આવે તો ઘણું બધું નિયંત્રણ રાખવું પડે, પહેલા તો એ કે, સમજી શકાય એવી અંગ્રેજી ભાષા સાથે તાલમેલ બેસી જતા હવે ભાષાનું વિઘ્ન નથી. સરળતા એ રહેશે કે, ઓટોમેટિક મોડને યુઝર્સ કસ્ટમાઈઝ કરી શકશે, જેમ કે ફોનની રીંગ આખી વાગી જશે તો શું મેસેજ ફોન કરનારને મોકલવો છે એ ફિક્સ કરી શકાશે. રીમાઇન્ડર ફીચર અત્યારે પણ કામ કરે છે પણ કોલ ટુ એક્શન લઈ શકાશે, જેમ કે 11 વાગ્યાની મીટિંગ પહેલા કોઈને ફોન કરવાનો હશે તો એ ઓટોમેટિક થશે.
ફોન હેંગ થવાની વાત ભૂતકાળ બને તો નવાઈ નથી, કારણ કે આઇફોન જેવા મોટા અને મોંઘા ફોનમાં ડાયરેક્ટ ક્લાઉડ સ્ટોરેજ આવતા હવે હરીફ કંપનીઓ ક્લાઉડ માર્કેટમાં એન્ટ્રી લેશે, ફાયદો એ થશે કે મધ્યમ બજેટની મર્યાદામાં હવે આઇફોનના ફીચર સરળતાથી એન્જોય કરી શકાશે. પણ એક વાત એ નક્કી છે કે, સ્માર્ટ ફોનની જગ્યા એઆઇ ફોન ક્યારેક નહીં લઈ શકે, આ પાછળનું કારણ એ છે કે, એઆઈ જાતે કંઈ કરી શકતું નથી. આ એક કમાન્ડ આધારિત ટુલ્સ છે. આને બનાવવામાં પણ માણસનો દિમાગ છે અને વાપરનાર પણ માણસ છે. સ્માર્ટ ફોનમાં ઓટોમેશન શક્ય છે પણ બધું જ ઓટોમેશન પર શક્ય પણ નથી. દાખલા તરીકે આપણને ફોન પાસેથી કેવું પરફોર્મન્સ જોઈએ છે એ ફોન નક્કી ન કરી શકે. હા, એઆઈ એક મોડ તરીકે આવી શકે છે, જેમાં નક્કી કરેલા ટાસ્ક માટે એક ફોર્મેટ ફિક્સ કરી શકાય છે.
એક એવો પણ સમય હતો કે સ્માર્ટ ફોનના લુક અને કલર્સ માટે થોડા વધુ પૈસા ખર્ચવા પડતા હતા. પણ હવે એવું શક્ય બને એવું તો ઓછું છે. હવે એઆઈના ટૂલ માટે વધુ પૈસા ખર્ચવા પડશે. ઘણા ફોનમાં હવે ચેટ જીપીટી અને ગૂગલ જેમિની જેવા ટૂલ હવે ઈનબિલ્ટ આવી રહ્યા છે. આનાથી ફાયદો એ થશે કે ક્યારેક મલ્ટીમીડિયાને સાચવવા સરળ બનશે, વારંવાર કોઈ કમાન્ડ કે પ્રોમ્પ્ટ નાખવા નહીં પડે. એઆઈ એક ફોન હિસ્ટ્રી પણ બનાવી શકે એટલે યાદ રાખવાની વાત ઓછી થતી જાય છે. શક્યતા એ પણ વ્યક્ત થઈ રહી છે કે, ફુલ્લી ઓટોમેશન ફોન સ્પેસ અને બેટરીનો દાટ વાળી દેશે. ટેક એક્સપર્ટ ત્યાં સુધી કહે છે કે આ એઆઇમાં પણ કંપની કે સરકાર કોઈ મર્યાદા મૂકી શકે છે. આ પાછળનું કારણ એ છે કે, વાત ડેટાની સુરક્ષા પર આવીને અટકે છે.
ખૂબ નજીકના ભવિષ્યમાં પ્રો, પ્રો મેક્સ, પ્લસ જેવા નામ જે ફોનના ફીચર અનુસાર આવતા એ એઆઈના કોઈ ફીચર સાથે આવે તો નવાઈ નહીં, હાલ આવો પ્રયોગ સેમસંગ અને વિવોએ કરેલો અને સફળ પણ થયો, જેમ કે સેમસંગ વિથ જેમિની ફીચર. ફોન રિસોર્સ મોનિટરીંગના એક રિપોર્ટના આધારે, એઆઈ સ્માર્ટ ફોનની એપ્સ અને સોફ્ટવેર માર્કેટમાં અસાધારણ ફેરફાર લાવશે પણ ડિવાઇસ ડેવલોપમેન્ટમાં નહીં પડે, કારણ કે ટેક જાયન્ટ કંપનીઓએ એઆઇ પર કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. એટલે પોતાની પ્રોડક્ટ સિવાય એ માત્ર પ્લેટફોર્મ જ ધ્યાને લેશે. આવનારી નવી ને તૈયાર થતી એપ માર્કેટ એઆઈ આધારિત હશે પણ સંપૂર્ણ પેઇડ હશે.
આઉટ ઓફ બોક્સ
AIના બેઝિક પ્રોમ્પ્ટથી ફોટો વીડિયો ફ્રીમાં બનાવવા હોય તો ડિઝાઇન એરેના સાઈટ બેસ્ટ છે...