- હેન્રી શાસ્ત્રી
પ્રાણશંકર નામનો એક ગરીબ બ્રાહ્મણ હતો. ગામડાના બ્રાહ્મણોની રીત પ્રમાણે છોકરાને જનોઈ દેવાનાં હોય કે દીકરીને પરણાવવાની હોય ત્યારે બાહ્મણ ટહેલ લઈને નીકળે છે ને ટીપ કરે છે. પ્રાણશંકરની એક દીકરી પરણાવવા જેવડી થઈ હોવાથી તેણે પણ એ જ માર્ગ અપનાવ્યો. એક હજાર રૂપિયાની ટહેલ નાખતો એ ગામમાં ફરવા માંડ્યો. એણે વ્રત લીધુ ‘મારી ટહેલ અનુસાર મને એક હજાર રૂપિયા પૂરા મળશે ત્યારે જ હું અન્ન લઈશ, ત્યાં સુધી ફરાળ ઉપર રહીશ.’
દિવસો વીતવા લાગ્યા. પ્રાણિયો શિવજીનો ભક્ત હતો. રોજ મંદિરે જઈ મહાદેવની પૂજા કરી પ્રાર્થના કરતો કે હે દીનદયાળુ! મારી ટહેલ પૂરી કરજો. પ્રાણિયાની પીડા જોઈ મહાદેવને દયા આવી. પુત્ર ગણપતિને કહ્યું કે ‘આ પ્રાણિયાનું દુ:ખ જોવાતું નથી. એને હજાર રૂપિયા અપાવી દે એટલે એને પીડામાંથી મુક્તિ મળે.’ આજ્ઞાંકિત ગણેશજીએ કહ્યું કે ‘તમારી વાત સાચી, પણ એને રૂપિયા અપાવવા કયાંથી? શિવજી હસીને બોલ્યા કે ‘રૂપિયા તે વળી કયાંથી આવતા હશે ? એક પાસેથી લઈ બીજાને અપાય.’ ગણપતિ સમજી ગયા. એમણે નિર્ધાર કર્યો કે આવતી કાલે કોઈની પાસેથી રૂપિયા કઢાવીને બ્રાહ્મણની ઝોળી ભરી દઈશ.
આ વાતચીત ત્યાંથી પસાર થતો એક વાણિયો સાંભળી ગયો. એણે વિચાર કર્યો કે ઝોળીમાં કાલે હજાર રૂપિયા આવવાના છે એ વાત પ્રાણિયો તો નથી જાણતો. એ પૈસામાં થોડો ભાગ પડાવું તો હું ખરો વાણિયો. આટલું વિચારી પ્રાણશંકરને ઘરે જઈ કહ્યું કે ‘ભાઈ, તારી મુસીબતમાં તને મદદ કરવાનો મેં વિચાર કર્યો છે. આવતી કાલે તારી ઝોળીમાં જે આવે એ મને આપી દેજે. એના બદલામાં હું તને પાંચસો! રૂપિયા આપીશ.’ બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયો. વાત પૈસાની હતી એટલે બ્રાહ્મણ ફરી ન જાય એ માટે વાણિયાએ ચાર માણસની હાજરીમાં પાકું લખાણ કરાવી લીધું. બીજે દિવસે સવારે બ્રાહ્મણ ઝોળી લઈ નીકળ્યો, પણ આખા દિવસમાં માંડ પાંચ શેર દાણા મળ્યા. કરાર અનુસાર સાંજ પડી એટલે પેલા વાણિયાએે ત્યાં જઈ ઝોળી ખાલી કરી રૂપિયા માગ્યા. વાણિયાએ ગલ્લાંતલ્લાં કર્યાં પણ જાતે જ કામ એવું પાકું કર્યું હતું કે રૂપિયા આપવા જ પડે એમ હતા. રૂપિયા જવાથી ક્રોધિત થયેલો વાણિયો મંદિરે જઈ ગણેશજીની મૂર્તિ આગળ હૈયાવરાળ ઠાલવવા લાગ્યો કે તમારા કારણે મેં પાંચસો રૂપિયા ગુમાવ્યા.’ ગુસ્સામાં ન કરવાનું કરી બેઠો ને એનો પગ બહાર નીકળતી વખતે ખૂંપી ગયો. એ જ સમયે મહાદેવજીએ ગણપતિને પૂછ્યું કે ‘પ્રાણિયાને રૂપિયા અપાવવાની વાત તમે કરી હતી, પણ આજે રાત પડવા આવી તોય એની ટહેલ પૂરી નથી થઈ.
ગણપતિએ ખુલાસો કર્યો કે ‘આપની આજ્ઞા અનુસાર જ બધું થશે. આ લોભી વાણિયા પાસેથી પ્રાણિયાને પાંચસો રૂપિયા તો અપાવી દીધા છે. બીજા પાંચસો પણ એની પાસેથી અપાવવા એનો પગ અટકાવી દીધો છે.’ મંદિરમાં ભેગા થયેલા લોકોએ વાણિયાને સાચી વાત જણાવવા દબાણ કર્યું ત્યારે તેણે લોભની વાત કબૂલ કરી લીધી. પ્રાણિયાને બીજા પાંચસો આપીશ તો પગ છૂટો થશે એની જાણ થતા એ પૈસા પ્રાણિયાને પહેાંચતા કર્યા ત્યારે વાણિયાનો પગ છૂટયો.
રાજીના રેડ થઈ ગયેલા પ્રાણિયાએ રાતે ઘરે કંસાર રાંધ્યો. બ્રાહ્મણના વ્રતથી વાકેફ પાડોશીએ બ્રાહ્મણને લાગલો સવાલ કર્યો કે ‘ભાઈ, ટહેલ પૂરી થઈ ગઈ?’ પ્રાણિયાએ લાગલું કહ્યું કે ‘હા, ટહેલ પૂરી થઈ ગઈ. રૂપિયા આવી ગયા તો હવે કેમ ભૂખ્યો રહું?’ પાડોશીને નવાઈ લાગતા કુતૂહલવશ પૂછ્યું કે ‘ક્યાંથી આવ્યા? કોણે આપ્યા?’ પ્રાણશંકર હસીને બોલ્યો કે ‘આપ્યું વાણિયાએ ને ખાધું પ્રાણિયાએ!’
કહેવતોનો વિસ્તાર
દરેક ભાષામાં સૈકાઓથી રૂઢ થયેલી અને ચલણી નાણાં જેવી અતિ મૂલ્યવાન કહેવતોનો ભંડાર ધરબાયેલો પડ્યો છે. લોકો પોતાની આવડત અને ક્ષમતા અનુસાર એમાંથી ઉલેચી શકાય એટલું ઉલેચતા હોય છે. મનુષ્ય માત્રને વિવિધ સમયે વિવિધ પરિસ્થિતિઓમાં થયેલા અનુભવનો એ અર્ક હોય છે. એમાં અવલોકન હોય છે, ડહાપણ હોય છે અને જ્ઞાન સુધ્ધાં હોય છે. આ કહેવતો આમજનતાના હોઠ પર રમતી હોવાથી તેમજ તેમના જીવનને સ્પર્શતી હોવાથી જીવનને રસપ્રદ અને સમૃદ્ધ બનાવે છે. એ કહેવતોમાં પ્રજાનો ઈતિહાસ અને જે તે સમયના સમાજનું પ્રતિબિંબ નજરે પડે છે. બાર ગાઉએ બોલી બદલાતી હોવાથી જમીન ભોંય બની જાય છે, પૂરણપોળી વેડમી તરીકે ઓળખાય છે અને દીકરાને ગગો કહેવામાં આવે છે. આવું જ કંઈક ચિત્ર કહેવતોમાં પણ જોવા મળે છે. એક સરખો ભાવાર્થ ધરાવતી કહેવતો અલગ અલગ પ્રદેશમાં જુદા જુદા સ્વરૂપમાં હાજર હોય છે. નરસિંહ મહેતાની પંક્તિ જેવું ‘નામરૂપ જૂજવા, અંતે તો બધું હેમનું હેમ જ હોય.’ એક જ ભાવાર્થવાળી જુદી જુદી કહેવતો ઉદાહરણ સાથે જાણી એનાથી વાકેફ થઈએ. પેટ ચોળીને શૂળ પેદા કર્યું કહેવતથી તમે પરિચિત હશો. જાતે મુસીબત ઊભી કરવી કે હેરાનગતિ વહોરી લેવી એ એનો ભાવાર્થ છે. શૂલ અથવા શૂળ એટલે પેટનો દુખાવો એવો શાબ્દિક અર્થ છે. આ જ કહેવત હાથે કરીને હોળી રમ્યાં એ સ્વરૂપમાં પણ જાણીતી છે. મુસીબતને નોતરું આપવું એ એનો ભાવાર્થ છે. આ જ ભાવાર્થની અન્ય બે કહેવત છે હાથના કર્યા હૈયે વાગ્યા - દરેક માણસે કર્મના ફળ ભોગવવા પડે છે એ એનો ભાવાર્થ છે. ઢીંચણ મારીને આંખ ફોડી તેમ જ દીવો લઈ કૂવામાં પડ્યા કહેવતોમાં પણ આ જ ભાવાર્થ છે. માત્ર કહેવતોનું સ્વરૂપ વેગળું છે. મોટાભાગની કહેવતોમાં શરીરના અવયવો સાંકળી લેવાયા છે. ગુજરાતી ભાષા એટલી સમૃદ્ધ છે કે અસ્સલ આવો જ ભાવાર્થ ધરાવતી અન્ય કહેવતો પણ છે. ઊઠ પ્હાણા પગ ઉપર પડ. મુસીબતને સીધું આમંત્રણ અને આવકાર. દેખતે ડોળે છેતરાયા અને કોણે કહ્યું હતું કે બેટા બાવળિયે ચડજો કહેવતોમાં પણ સમાન ભાવ હાજર છે. બાવળના વૃક્ષમાં કાંટા હોય છે એ બધા જાણે છે. એક મૂર્ખ છોકરો અણસમજમાં બાવળિયે ચડ્યો અને પછી કાંટા વાગ્યા ત્યારે ‘બાપા બાપા’ એમ કહી બૂમ પાડી ત્યારે બાપાએ કોણે કહ્યું હતું કે બેટા બાવળિયે ચડજો એમ જણાવ્યું હતું. ઉ