Sun Jun 07 2026

Logo

ક્લોઝ અપ: સિકવલ પછી સિકવલ... તુ રુપ કી રાની મૈં ચોરો કા રાજા!

2026-06-07 10:56:00
Author: Bharat Ghelani
Article Image

 

 

 

બે સેક્સી અભિનેત્રી અને એક આશિક અપરાધી વચ્ચે તિહાર જેલ અને જાહેરમાં આકાર લેતી આ ફિલ્મી સ્ટાઈલની ક્રાઈમ-કથામાં નીત નવી નવી એવી ઘટનાઓ ઉમેરાતી જાય છે કે એ કોઈ ફિલ્મની સિકવલ કરતાં  જરાય ઓછી રોમાંચક નથી...

 

- ભરત ઘેલાણી

 

જેકલિન ફર્નાન્ડિસ-સુકેશ ચન્દ્રશેખર-નોરા ફતેહી: એક અપરાધી આશિક, બે સેકસી અભિનેત્રી 

 

તમે આ લેખનું  શીર્ષક વાચ્યુંને ? 

 

કોઈ પણ હિન્દી ફિલ્મ માટે દર્શકોને બોકસ ઑફિસ સુધી ખેંચી લાવે એવું આ લોભાવનારું ટાઈટલ છે. વાત ખરેખર ગંભીર છે, ક ારણ કે અહીં જે બે ‘રાની‘ની વાત છે એ મદહોશ કરી નાખે એવી બોલિવૂડની બે એકટ્રેસ છે. આ બન્ને સેકસી અભિનેત્રી સાથે જેનું નામ ગાજે છે વો ભી કુછ કમ નહીં... રૂપિયા 200 કરોડના મની લોન્ડ્રિંગના અપરાધમાં અટવાઈને એ ‘ચોરો કા રાજા’ અત્યારે દિલ્હીની તિહાર જેલમાં ખરા અર્થમાં આરામ ફરમાવી રહ્યો છે. (વચ્ચે એને કામચલાઉ જામીન મળ્યાં હતા ) પેલી બે ફૂટડીમાંથી એક છે મૂળ શ્રીલંકાની જેકલિન ફર્નાન્ડિસ અને બીજી છે કુશળ ડાન્સર-અભિનેત્રી એવી મૂળ કેનેડાની નોરા ફતેહી, જ્યારે એ બન્નેને પોતાના  પ્રેમમાં પાડનારો છે એક અઠંગ અપરાધી સુકેશ ચન્દ્રશેખર...

 

આ કેસમાં રોજ કેવી કેવી અવનવી ટ્વિસ્ટ આવી રહી છે એ જાણતા પહેલાં આપણે થોડા ફિલ્મી સ્ટાઈલમાં  ફ્લેશબેકમાં જવું પડશે...  

 

સુકેશ ચન્દ્રશેખરની ક્રાઈમ કૂંડળી બડી જમાવટવાળી છે. એની ગુનાખોરીની મોડસ ઑપરેન્ડી (કાર્ય પદ્ધતિ)  જાણવી હોય તો પોલીસ ચોપડે નોંધાયેલી એની અપરાધકથા જાણી લેવા જેવી છે...

 

આમ તો સુકેશ દેખાવે ખાસ કંઈ પહેલી નજરે ધ્યાન ખેંચે એવો નથી. રાબેતા મુજબ એ કોઈ સાઉથ ઈન્ડિયન લાગે. દક્ષિણ ભારતીય જેવો જ ઘટ્ટ ઘંઉવર્ણો વાન. હા, બાહ્ય દેખાવને તમે જતો કરો તો એની જબાનમાં એવો જાદુ છે કે વાત શરૂ થાય તે ત્યાંથી લઈને વાત પૂરી થાય ત્યાં સુધી એ તમને એની વાતથી જકડી રાખે-  એવા વાક્ચાતુર્યમાં એ એક્કો છે. એ ભલભલાને આંજી શકતો, કારણ કે પૂરતું હોમવર્ક કરીને સામેવાળાને મળવા જતો.

 

કાળાં નાણાંની હેરાફેરી કરી એને કોઈ રીતે પણ કાયદેસર બનાવવાની પ્રક્રિયા ‘મની લોન્ડરિંગ’ તરીકે  ઓળખાય છે. આવા ગેરકાયદે સોદામાં તમારે પહેલી વારમાં જ શિકારને લપેટમાં લઈ લેવો પડે. સુકેશ ચન્દ્રશેખર આવા 90 જેટલા કેસમાં સંડોવાયો હતો. જેટલા પણ એણે શિકાર કર્યા એમાં એની મીઠી જબાને જ કામ તમામ કરી આપ્યું હતું.

 

મૂળ બેંગ્લુરુનો આ 37 વર્ષીય સુકેશ પોતાની આઈડેન્ટિટી- ઓળખ બદલવામાં પાવરધો છે. જેવો શિકાર એ મુજબનો એ સ્વાંગ સજે. મોટેભાગે પોતાની ઓળખ એક સફળ બિઝનેસમેન તરીકે આપતો. પોતે મોટા રાજકારણીઓથી માંડીને જાણીતા ફિલ્મ કલાકારો તેમજ સમાજના નામી લોકો સાથે અચ્છો ઘરોબો ધરાવે છે એવી વાતથી સામાવાળાને પ્રભાવિત કરી લેતો. એ જરૂર પડે ત્યારે પોતાની ઓળખ તમિળનાડુ આન્ધ્રના પૂર્વ મુખ્ય મંત્રીના પુત્ર કે એમના ભાણેજ -ભત્રીજા સુધી બિન્ધાસ્ત આપતો!. એની કેરિયરનો સર્વપ્રથમ તગડો શિકાર તમિળનાડુના એક  વરિષ્ઠ નેતા હતા. ‘પોતે ચૂંટણી કમિશ્નર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે, જે તમારા પક્ષને આગામી ચૂંટણી જીતાડવામાં મદદરૂપ બનશે.’ એવું પેલા નેતાના દિમાગમાં ઠસાવીને સુકેશે ‘ખર્ચ’ પેઠે બે-ત્રણ ટુકડામાં રૂપિયા 50 કરોડની જંગી રકમ સરકાવી લીધી હતી! પાછળથી ચૂંટણી કમિશ્નરની ફરિયાદને લીધે એ ઝડપાયો ને તિહાર જેલમાં ધકેલાઈ ગયો. ત્યાં પણ સુકેશે એવી જમાવટ કરી હતી કે જેલમાંથી એ જાતભાતના ચક્કર ચલાવીને તગડી ખંડણી વસૂલ કરતો!

 

આ દરમિયાન જેની કિંમત આજે આશરે રૂપિયા 30-32 કરોડની ગણાય એવી કુલ નવેક વૈભવી કારનો કાફલો ધરાવતો સુકેશ આડેધડ ખર્ચ કરવાનો વિલાસી શોખિન હતો. તિહાર જેલમાં હતો ત્યારથી એ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસના પ્રેમમાં પડી ગયો હતો. જેલમાંથી એણે વાયા વાયા જેકલિનનો પરિચય કેળવ્યો, જે સમય જતાં વધુ ઘનિષ્ઠ થયો હતો. જેકલિન પણ સુકેશની મોહજાળમાં આવી ગઈ. 

 

ટૂંક સમયમાં  જેકલિન અને સુકેશના આવા નિકટના ‘સંબંધ’ અને સુકેશ જેલમાંથી એના પર કેવી કેવી લાખો-કરોડોની મોંઘી ભેટ-સોગાદ ન્યોછાવર કરતો હતો એની વાત પણ જાહેરમાં જોરશોરથી ચર્ચાવાની શરૂ થઈ ગઈ હતી.

 

અહીં આ ‘કહાની મેં ટ્વિસ્ટ’ એ આવ્યો કે જેકલિન - સુકેશના કહેવાતા હૂંફાળાં સંબંધમાં અચાનક સેક્સી  ડાન્સર-અભિનેત્રી નોરા ફતેહીનું નામ ઉછળ્યું. એ અભિનેત્રી કરતાં પણ સેકસી ડાન્સર અને પરફોર્મર તરીકે વધુ જાણીતી છે. એનાં ‘સાકી સાકી’,  ‘દિલબર’ (રીમિક્સ) અને ‘નાચ મેરી રાની’ સુપરહિટ ગણા્ય છે. દિલફેંક સુકેશએ ડાન્સર નોરાને પણ અનેક મોંઘી ભેટ પહોંચાડી ત્યાર પછી નોરા સાથે પણ સુકેશ હૂંફાળાં સંબંધ ધરાવે છે એવી વાતો પણ વહેતી થઈ ગઈ...

 

જોકે નોરા કહે છે : ‘હું સુકેશને કયારેય રૂબરૂ મળી નથી. મારી અને એની પત્ની લીના મારિયા પોલની ઓળખાણ એક પાર્ટીમાં થયેલી. એના એક ચેરિટી શોમાં મેં એક ડાન્સ કર્યો હતો. લીનાને લીધે હું એના કારાવાસમાં રહેલા પતિ સુકેશના પરિચયમાં આવી અને બે ચાર વાર ‘વોટ્સ ઍપ’ કોલ પર અમારે વાત થઈ હતી. ધેટ્સ ઓલ..!

’ 

 આવું જાહેર કરનારી નોરા એનો ફોડ નથી પાડતી કે સુકેશ એના પર શા માટે એવો ફિદા થઈ ગયો કે એણે મોરોક્કોમાં બંગલો લેવા માટેથી લઈને ‘બીએમડબ્લ્યુ’ જેવી વૈભવી કાર સહિત નોરાને કરોડો રૂપિયાની ભેટ આપી, જેને નોરાએ હોંશે હોંશે સ્વીકારી પણ હતી! 

 

આવી રીતે વારાફરતી જેકલિન અને નોરા સાથેનાં હૂંફાળાં સંબંધ (લફરાં વાચો!)ની ‘ખાનગી’ વાત ખુલ્લેઆમ જાહેરમાં ચર્ચાતી રહી છે. એ બન્નેને આ આશિક અપરાધીએ લાખો રૂપિયાની કિંમતી ભેટ તેમ જ કડકડતી કરન્સીમાં રોકડ રકમ આપી હોવાની વાત પણ કોઈથી છાની નહોતી એની સીધી અસર રૂપે નોરા અને જેકલિનને કાળાં નાણાંની હેરાફેરી -આર્થિક ભ્રષ્ટાચાર, ઈત્યાદિની તપાસ કરતી એજન્સી ‘ઈડી’ (ઍન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ )ના હાજર થવાનાં નોતરાં મળ્યાં. કેટલાંય દિવસો સુધી કલાકોના કલાકો સુધી એ બન્ને લલનાઓની સીધી-ઊલટી તપાસ થઈ. શરૂઆતમાં ‘પ્રશંસક’ ને પાછળથી ‘સારા મિત્રો’ અને પછી એકેમેક પ્રત્યે ‘કૂણી’ લાગણી સુધીની કબૂલાત થઈ. મોંઘી ભેટની વાત પણ બન્નેએ સ્વીકારી, પણ આવી ક્બૂલાતને લીધે કોઈ ગુનો સાબિત નહોતો થતો. 

 

એ જે ગાળામાં આશિક અપરાધી સુકેશ ચન્દ્રશેખરે જ જાતે જબરો ધડાકો કરતાં સ્વીકારી લીધું કે એ અને જેકલિન બન્ને ખરેખર પ્રેમમાં હતા, પણ એની બીજી ફ્રેન્ડ નોરાને પણ વૈભવી કાર વત્તા મોંઘી પર્સની ભેટ (પર્સની  કિંમત બે કરોડ રૂપિયા હતી!) ઉપરાંત અઢળક રોકડ પણ અવારનવાર માગતી રહેતી તેથી નોરાની પણ આ બધી જ પ્રેમભરી ડિમાન્ડ પોતે પૂરી પણ કરી છે એવી કબૂલાત ખુદ સુકેશુએ પોતાના વકીલ સાથે મોકલેલા એક પત્ર દ્વારા કરી હતી...!      

     

બીજી તરફ, સુકેશ જેવા અપરાધી સાથે પોતાનું નામ ખોટી રીતે ઉછાળવા માટે નોરાએ હમણાં જેકલિન પર રૂપિયા 200 કરોડનો બદનક્ષી દાવો ફટકાર્યો છે. આમ આ બન્ને બૈરાં જાહેરમાં બાધી રહ્યાં છે..!   

 

 આ બધી સ્ફોટક માહિતી પરથી ‘તું રુપ કી રાની’ની મૂળ કથા પછી એની સિકવલ બની શકે. જોકે આ સિકવલની પણ સિકવલ (પાર્ટ થ્રી!) સર્જાઈ શકે એવી ચોંકાવનારી માહિતી તો હવે બહાર આવી રહી છે. 

 

કટ ટુ ટુ-ડે-પ્રેઝન્ટ  

 

આ બધી કાયદાકીય ગડમથલ વચ્ચે મહાઠગ સુકેશ ચન્દ્રશખરે એક નવો ખેલ પાડ્યો છે. એણે જેક્લિનના ચાહકો માટે જાહેર કર્યું છે કે જેકલિનના નવા ગીત-વીડિયો (‘દમ દમ ’)  પર જે 10 ચાહક  શ્રેષ્ઠ કમેન્ટ કરશે એમને 1-1 કરોડ રૂપિયાના 10 ફલેટ ઈનામરૂપે પોતે ભેટ આપશે !  

 

(આ પહેલાં ન્યૂયોર્કમાં જેક્લિન માટે એણે એક વૈભવી ફ્લેટ ‘લવ નેસ્ટ’ ખરીદીને ભેટ આપવા તૈયાર રાખ્યો છે એવો જાહેર દાવો પણ એણે કર્યો હતો ! ) 

 

આ અગાઉ સુકેશના ગાઢ પરિચયમાં હતી ત્યારે જેક્લિને જાહેરમાં કહ્યું છે કે ‘મને મારા સપનાનો રાજકુમાર મળી ગયો!’ પણ હવે પોતાના પ્રેમી હોવાનો છાશવારે તોતિંગ દાવા કરતાં સુકેશ ચન્દ્રશખરને જબરો આંચકો લાગે એવી જાહેરાત ખુદ જેક્લિને કરી છે. દિલ્હી કોર્ટમાં એણે કહ્યું છે કે એ ખુદ સુકેશ વિરુદ્ધ તાજની સાક્ષી બનવા તૈયાર છે !   

 

જોકે ગયા અઠવાડિયે જ સરકારી તપાસ એજન્સી ED (એન્ફોર્સમેટ ડિપાર્ટમેન્ટ )એ  જેકલિનની રાજના સાક્ષી બનવાની ઓફર નકારી કાઢતા કહ્યું છે કે પોતાના પ્રેમી સુકેશના બધા જ કાળા ધંધાની જેકલિનને પહેલેથી જાણ હતી, છતાં એણે પેલા સાથે સુવાળા સંબંધ ચાલુ રાખ્યા. એટલું નહીં, સરકારી તપાસ એજન્સીઓને સહકાર સુધ્ધાં પણ નહોતો આપ્યો ! 

 

સરકારી તપાસ એજન્સીના વિરોધ પછી કોર્ટે હવે  મહાઠગ સુકેશ, અભિનેત્રી જેકલિન અને અન્ય લાગતાવળગતા  વિરુદ્ધ આરોપો ઘડીને 3 જૂનથી  કેસ ચલાવવાનો આદેશ આપી દીધો છે અને એની સુનાવણી શરૂ પણ થઈ ગઈ છે...  

 

છે ને આ બધી ‘તુ રુપ કી રાની મૈં ચોરો કા રાજા!’ની સિકવલ થ્રી નો ભરપૂર મસાલો ?!  

 

ટૂંકમાં એક આશિક અપરાધી અને બે ધનભૂખી લલનાની આ ભેદભરમવાળી ‘વાર્તા’ દિન પ્રતિ દિન વધુ  રોમાંચક આકાર લેતી જાય છે. જોઈએ, આખરે હવે એમાં વેમ્પ કે વિલન કોણ પુરવાર થાય છે...