Sun Jun 07 2026

Logo

અમેરિકાના ઓહાયોમાં ફાયરિંગ, ફેસ્ટિવલ દરમિયાન ગોળી વાગવાથી 12 ઘાયલ, 2 ગંભીર

Toledo   2026-06-07 08:34:00
Author: Mumbai Samachar Team
Article Image

ટોલેડોઃ અમેરિકાના ઓહાયો રાજ્યમાં ગોળીબારની ઘટના સામે આવી છે. અહીંના ટોલેડો શહેરમાં આયોજિત એક ફેસ્ટિવલ (ઉત્સવ) દરમિયાન નજીકમાં થયેલા ગોળીબારમાં કેટલાય લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે તેઓ આ ઘટનામાં સામેલ એક કે તેથી વધુ શંકાસ્પદ આરોપીઓની શોધ કરી રહ્યા છે. ટોલેડો પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે આશરે 5:37 વાગ્યે 'ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ' પાસે ગોળીબાર થયો હોવાની માહિતી મળી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને કેટલાય લોકો ગોળી વાગવાથી ઘાયલ થયેલા મળ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ટોલેડોના મેયર વેડ કેપ્સજુકિવિઝે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ આઠ લોકોને ગોળી વાગી છે. જોકે, તમામ ઘાયલો જોખમથી બહાર હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ગોળીબારના અવાજો વચ્ચે લોકોને જીવ બચાવવા ભાગતા અને ચીસો પાડતા જોવા મળ્યા હતા.

ટોલેડોના મેયરે જણાવ્યું કે, 'ઉનાળાની ઋતુમાં યોજાતા આવા ઉત્સવો પરિવારો માટે સુરક્ષિત જગ્યા હોવા જોઈએ, જ્યાં લોકો કોઈ પણ જાતના ડર વગર સમય વિતાવી શકે. હું અને મારી પત્ની ફ્રેન આ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ અને અમને પૂરો ભરોસો છે કે કાયદો વ્યવસ્થા જાળવતી એજન્સીઓ (પોલીસ) આ નકામી હિંસામાં સામેલ આરોપીઓને ટૂંક સમયમાં જ પકડી લેશે.' 'ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ' ઓહાયોના સૌથી મોટા ઉત્સવ તરીકે ઓળખાય છે.

આ ફેસ્ટિવલ બે દિવસ માટે આયોજિત કરવામાં આવે છે, જેમાં લાઈવ મ્યુઝિક, ફૂડ માર્કેટ, બીયર ગાર્ડન, ઐતિહાસિક ઘરોની મુલાકાત અને ખરીદી જેવી પ્રવૃત્તિઓ સામેલ હોય છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં તપાસ ડેલેવર એવન્યુ અને રોબિનવુડ એવન્યુની આસપાસ કેન્દ્રિત છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં બે લોકોને સ્ટ્રેચર પર લઈ જતા અને કેટલાય ઘાયલોને એક ટેન્ટ પાસે ઘાસ પર સુવડાવેલા જોઈ શકાય છે. ઓહાયોના ગવર્નર માઈક ડિવાઈને સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, 'હું આજે રાત્રે ટોલેડોની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છું.'