Sun Jun 07 2026

Logo

ઇઝરાયેલ-લેબનોન યુદ્ધવિરામ સંકટમાં! ઇઝરાયેલી હુમલામાં લેબનીઝ આર્મીના બ્રિગેડિયર જનરલ સહિત 12 લોકોના મોત

Lebanon   2026-06-07 08:35:00
Author: Mumbai Samachar Team
Article Image

લેબનોન: ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનમાં લગભગ 150 હિઝબુલ્લાહ ઠેકાણાઓ પર ભારે હુમલા શરૂ કર્યા છે. અમેરિકાની મધ્યસ્થી હેઠળની વાટાઘાટો દરમિયાન બંને દેશો શરતી યુદ્ધવિરામ પર સંમત થયાના થોડા દિવસો પછી, દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે. આ મૃતકોમાં સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લેબનોનની સેનાએ આ હુમલા અંગે વિગતો આપી છે. ખારદાલી-નબાતીહ રોડ પર લશ્કરી વાહન પર ઇઝરાયલી હુમલામાં એક બ્રિગેડિયર જનરલ, એક કેપ્ટન અને એક સૈનિક માર્યા ગયા હતા. દરમિયાન, ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે શનિવારનો હુમલો સક્રિય લડાઇ ક્ષેત્રમાં થયો હતો.

લેબનીઝ સેનાએ જણાવ્યું કે, ઇરાદાપૂર્વક અને પુનરાવર્તિત ક્રૂર ઇઝરાયેલ આક્રમણનો હેતુ કોઈપણ ઉકેલ સુધી પહોંચવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો છે. લેબનીઝના રાષ્ટ્રપતિ જોસેફ ઓઉને હુમલાની નિંદા કરી અને તેને લેબનીઝ સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ધોરણોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું. તેમજ લેબનીસ વડાપ્રધાન નવાફ સલામે આ હુમલાની નિંદા કરી છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પીએમ નવાફ સલામે બ્રિગેડિયર જનરલ વિસમ સાબ્રા, કેપ્ટન એલી ખૌરી અને સૈનિક હુસૈન ગોઝલના પરિવારો અને સાથીદારો તેમજ લેબનીઝ સેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલી વાયુસેનાએ તાજેતરમાં લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલા સ્થળોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા, જેમાં પૂર્વીય બેકા ખીણનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનીઝ આતંકવાદી જૂથો પર હુમલા વધુ તીવ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.