Sun Jun 07 2026

Logo

મિજાજ મસ્તી: યુદ્ધસ્ય કથા રમ્યા: સહુ ચલો જીતવા જંગ!

2026-06-07 09:25:00
Author: Sanjay Chhel
Article Image

 

 

 

- સંજય છેલ

 

ટાઈટલ્સ:

 

 ‘યુદ્ધ’ અને ‘બુદ્ધ’ ખરેખર તો બહુ ઓછાને સમજાયા છે. (છેલવાણી)

 

વિયેતનામ યુદ્ધમાં એક સૈનિક ઘૂંટણ નીચેનો પગ ગુમાવી ચૂકેલો પણ છતાંયે જે ભાગ કપાઈ ગયેલો ત્યાં અંગૂઠા પર, પિંડી પર વરસો સુધી સતત ખંજવાળ આવતી. બહુ દવાઓ કરાવી, છેવટે એક મનોચિકિત્સક ડોક્ટરે કહ્યું: ‘જે યુદ્ધ છાવણીમાં ડોક્ટરે તારો પગ કાપેલો ત્યાં જઈએ.’ પેલો સૈનિક, ડો.ને વિયેટનામનાં જંગલમાં લઈ ગયો. બહુ તપાસ કરીને એ જગ્યા શોધી જ્યાં સૈનિકનો કપાયેલો પગ દટાયેલો. ડોક્ટરે, કપાયેલા પગના હાડકાં જેવા અવશેષોની સ્હેજ દિશા બદલી બરોબર ગોઠવ્યા ને ફરી દાટી દીધાં. બસ, એ દિવસ પછી સૈનિકની વરસોની ખંજવાળ ખતમ! કમાલ છેને?

 

વરસો અગાઉ દટાયેલા હાડકાઓની દિશા બદલી કે અનુભૂતિ સાવ ખતમ! આવી અનુભૂતિને ‘ફેંટમ લિંબ હેલ્યુસીનેશન’ (‘કપાયેલા અંગના પ્રેત’નો ભ્રમ) કહેવાય. જેમાં, અંગ હોય નહીં તોયે એના હોવાની લાગણી લબકારા મારે રાખે જૂના પ્રેમનાં પ્રેતની જેમ!

 

યુદ્ધનું પણ એવું જ છે, એ ખતમ થઈ જાય પણ એનો અજંપો, એનું ખુન્નસ અને ખંજવાળ, એની વેદના વરસો સુધી રહે છે. સમાજને ને દેશને સતત પીડે રાખે છે. વેર અને વસૂલાતનાં વધતાં રહેતા વ્યાજની જેમ. યુદ્ધ શરૂ કરવું સહેલું છે, રોકવું અઘરું ને હંમેશ માટે અટકાવવું-ભૂલવું અસંભવ.

 

 કહેવાય છે કે વિશ્વનું પહેલું યુદ્ધ ઇ.સ. પૂર્વે 2700માં મેસોપોટેમિયાના સુમેર અને એલામ વચ્ચે થયેલું. બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાના આર્મી ઓફસરે કહેલું- તમે શાંતિ ઇચ્છતા હોવ તો લડાઈની તૈયારી કરો. તમને શસ્ત્રોથી સજ્જજોઈને જ દુશ્મન યુદ્ધની હિંમત નહીં કરે.

 

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન સૈનિક પોલ બોમર આર્મીમાં જોડાયો. પોલે યુદ્ધમાં મિત્રોની મોત, ભૂખ ને સતત ભય જેવી ભયંકરતાનો સામનો કર્યો. પછી પોલને યુદ્ધની અર્થહીનતા અને જિંદગીની કિંમત સમજાણી કે ‘યુદ્ધ માણસની નિર્દોષતા છીનવી લે છે.’ યુદ્ધ પૂરું થતાં પહેલાં પોલનું મૃત્યુ થાય છે જેનાં અંતિમ શબ્દો હતા: 

 

આજનો દિવસ કેવો શાંત છેને?

 

જંગ અને શાંતિના વિરોધાભાસવાળી એરિખમારિયા રેમાર્કની આ નવલકથા ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ અદ્ભુત યદ્ધગાથા છે.

 

ઇન્ટરવલ:

 

પ્યાર કી ધરતી અગર બંદૂક સે બાંટી ગઇ

એક મુર્દા શહેર અપને દરમિયાં રહ જાયેગા. 

(નીરજ)

 

બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝી સેનાએ રશિયાનાં લેનિનગ્રાડ શહેરને 872 દિવસ સુધી બંધક બનાવેલું. લાખો નાગરિકો અને સૈનિકોએ ભૂખમરો, બોમ્બમારો ને હાડ થીજવતી ઠંડીનો સામનો કર્યો. ખોરાક ને ઈંધણની ભારે તંગી છતાં, રશિયનોએ હાર ન માની. લેનિનગ્રાડના લોકો કહેતા: અમારી પાસે ખાવાનું ભલે નથી, પણ અમારું આત્મસન્માન અમર છે. ઘેરાબંધીમાં 10 લાખથી વધુ લોકોને હણાયા, છતાં લેનિનગ્રાડે આત્મસમર્પણ કર્યું નહીં. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોએ મળીને શહેરની રક્ષા કરી ને સૈનિકોએ છેલ્લા શ્વાસ સુધી લડત આપેલી. ‘લેનિનગ્રાડની ઘેરાબંધી’(1941-1944) સત્યઘટનાત્મક કથા દુ:ખદ છે છતાંયે અતૂટ ઈચ્છાશક્તિ અને બલિદાનનું ઉદાહરણ છે.

 

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે નિષ્ઠાવાન લહના સિંહ અને એનો સાથી સૂબેદાર હજારા સિંહ બ્રિટિશ ફોજમાં હતા. જાંબાઝ લહના સિંહ માટે કર્તવ્ય અને વચન સર્વોપરી હતું. સૂબેદાર હજારા સિંહનો એકનો એક દીકરો બોધા પણ ફોજમાં જોડાયો. બોધા હજી તો સાવ જુવાન હતો ને એને યુદ્ધના મોરચે જવાનો ઓર્ડર આવ્યો. હજારા સિંહ ચિંતામાં પડ્યો કે કૂમળો દીકરો ખતરનાક યુદ્ધમોરચે જશે?. એ જ મોરચામાં લહના સિંહ પણ હતો. લહના સિંહને ભીની આંખે હજારા સિંહે કહ્યું : 

 

‘લહના, મારો બોધા નાનો છે. વચન આપ કે તું એનું ધ્યાન રાખીશ અને એને જીવતો પાછો લાવીશ.’

 

લહનાએ કહ્યું, ‘હજારાજી, ચિંતા ન કરો. હું બોધાને જીવની જેમ સાચવીશ.’ 

 

યુદ્ધમાં દુશ્મનની સેના આગળ વધી રહી હતી. બોધા ડરેલો હતો. લહના એને સતત હિંમત આપતો- બોધા, ડરીશ નહીં, હું તારી સાથે છું.

 

દુશ્મન તરફથી ગોળી બોંબનો હુમલો તીવ્ર થયો. બોધાને પાછળ રાખીને - સંતાડીને લહના દુશ્મનનો સામનો કરતો.

 

એકવાર લહનાએ જોયું કે દુશ્મનની ગોળીઓ બોધા તરફ આવી રહી છે. એણે બોધાને ધક્કો મારીને પોતે ગોળીઓને છાતી પર ઝીલી લીધી. લહના સિંહ લોહીલુહાણ થઈને ઢળી પડ્યો. ધીમા અવાજે લહનાએ કહ્યું,

 

‘બોધા...મેં તારા બાપને વચન આપેલું કે હું તને સલામત પાછો લાવીશ કયુંકિ ઉસને કહા થા.’

 

ચંદ્રધર શર્માની 1915માં સરસ્વતી મેગેઝિનમાં પ્રકાશિત આ વાર્તા ઉસને કહા થાને હિંદીની પ્રથમ આધુનિક મૌલિક વાર્તા મનાય છે. ત્યારબાદ જ પ્રેમચંદ વગેરે લેખકોએ નવી નવલિકાઓનો યુગ આરંભ્યો.

 

કારગિલ વોર વખતે આપણા સૈનિકો એકબીજાને ખેંચી ખેંચીને પર્વત પર ચઢતાં હતાં. એક નીચેના સૈનિકને અચાનક ગોળી વાગી, જે સૈનિક ઉપર હતો એણે એને ખેંચવાનો પ્રયત્ન કર્યોં. નીચેના સૈનિકે કહ્યું, ‘મને છોડ, તું બીજાને બચાવ.’ બેઉ વચ્ચે દલીલો થઇ. ઉપરનો સૈનિક હાથ છોડવા ન જ માન્યો. આખરે નીચેના જખ્મી સૈનિકે ખિસ્સામાંથી ખૂર્પી (ખંજર) કાઢી પોતાનો હાથ કાપી નાખ્યો ને ખીણમાં પડી ગયો, જેથી બીજાં સૈનિકો બચી જાય! એની ઉપરવાળા સૈનિકના હાથમાં એનાં સાથીનો લોહી નીકળતો માત્ર હાથ બચ્યો હતો. આને કહેવાય એક શૌર્યવંતાની ગુમનામ શહીદી, જે સોફા પર બેસી પડદા ટીવી ન્યૂઝનાં તમાશામાં દર્જ થતી નથી.

 

લોહિયાળ યુદ્ધકથાઓ બાદ ફિલોસોફર ટોલ્સટોયે કહેલું: ‘માણસ યુદ્ધમાંથી પાછો ફરી શકે પણ યુદ્ધનાં સમયમાંથી ક્યારેય પાછો આવી શકતો નથી.’

 

હમણાં અમેરિકા-ઈરાન વચ્ચે પાછું યુદ્ધ શરૂ થયું ત્યારે યુદ્ધનાં સમાચારો, પ્રજાનો આક્રોશ સાથે ઉન્માદ, રાજકારણીઓની રમતો અને શહીદોનાં મૂંગા બલિદાનો વચ્ચે, આ હતી થોડી રક્તરંજિત યુદ્ધકથાઓ... જય હિંદ.

 

એન્ડ ટાઇટલ્સ:

 

આદમ: વિશ્વશાંતિની અપીલ કરું?

 

ઇવ: પહેલાં ઘરમાં શાંતિ રાખ.