કમનસીબે આ ‘ખેલા હોબે’ વખતે ભારતે માત્ર મૂક પ્રેક્ષક બની રહેવું પડશે!
- જ્વલંત નાયક
પોતાના વિપક્ષીઓને ‘ખેલા હોબે ’ એવો પડકાર આપનારાં મમતા દીદીના બંગાળની રાજકીય ગરમી તો ઠરી ગઈ, પણ આમ છતાં અન્ય એક ‘ખેલા’ના આવનારા દિવસોમાં બંગાળીઓ અન્ય એક ઇવેન્ટમાં બીઝી બીઝી થઈ જશે, કારણ કે બંગાળીઓને પ્રિય એવો એક ખેલ મહાઉત્સવ - ઋઈંઋઅ વર્લ્ડકપ 2026 આવતી 11 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે.
બંગાળ સહિતનાં પૂર્વોત્તર રાજ્યોમાં પરિસ્થિતિ જરા જુદી છે. આ પ્રજા ક્રિકેટ કરતાંય ફૂટબૉલ પાછળ વધુ ઘેલી છે અને એટલે જ આવનારા દિવસો આ લોકો માટે ખેલ મહાકુંભસમા બની રહેશે.
ફૂટબૉલની આ ઇવેન્ટ અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી અનોખા વર્લ્ડ કપ તરીકે ઇતિહાસમાં નોંધાશે. જે લોકોને સ્પોટર્સમાં ખાસ રસ નથી એ લોકો પણ આ ટુર્નામેન્ટને એક મોટા સાંસ્કૃતિક મેળાવડા તરીકે જોઈ રહ્યા છે. છેલ્લા અઢી દાયકા દરમિયાન ‘ફીફા વર્લ્ડકપ’નું જે ફૉર્મેટ હતું એ મુજબ કુલ 64 મૅચ રમાતી, પણ આ વખતે સર્વાધિક 48 દેશોની ટીમ ભાગ લેવા જઈ રહી હોવાથી કુલ મૅચની સંખ્યા વધીને 100નો આંકડો પાર ગઈ છે. 1934માં ખેલાયેલા પ્રથમ ફૂટબૉલ ટુર્નામેન્ટમાં માત્ર 17 મૅચ થઈ હતી. એની સરખામણીએ આ વર્ષે અધધ 104 મૅચ રમાશે!
જોકે આ બધી સ્પોટર્સને લગતી માહિતીઓ વચ્ચે રાજકારણનાં તરોતાજા સમીકરણો પણ રસપ્રદ રહેવાનાં છે, જેમકે ...
રાજકારણ પર સ્પોટર્સ હાવી...
મજેદાર મુદ્દો એ છે કે આ તમામ મૅચ જૂના મિત્રો અને હવે એકબીજા સાથે તરોતાજા દુશ્મની વહોરી લેનાર દેશોમાં રમાવાની છે. વાત એમ છે કે ઋઈંઋઅ વર્લ્ડકપ 2026ના યજમાન તરીકે પહેલી વખત ત્રણ-ત્રણ દેશ નિમાયા છે.
એકબીજાના પડોશી એવા આ ત્રણ દેશ એટલે મેક્સિકો, કૅનેડા અને આપણા લોકલાડીલા ડોનલ્ડ કાકાનું અમેરિકા. આમ તો આવી વૈશ્વિક સ્પર્ધાઓના યજમાન વર્ષો પહેલાં નક્કી થતા હોય છે. એ વખતના જિયોપૉલિટિકલ સમીકરણ કંઈક જુદા હશે. જોકે હાલની પરિસ્થિતિ અલગ છે. મેક્સિકો સરહદેથી અમેરિકામાં ઘૂસી આવનારા લોકો મોટી ડ્રગ કાર્ટેલ્સ ચલાવે છે અને અમેરિકાના અન્ડરવર્લ્ડમાં એમનો મોટો ફાળો છે. એ કારણોસર મેક્સિકો-યુએસએ સંબંધો પહેલેથી જ તણાવભરેલા છે. એમાંય મેક્સિકો સરહદે દીવાલ ચણવાની વાત કરનાર આખાબોલા ટ્રમ્પે આ સંબંધો વધુ વકરાવવાનું કામ કર્યું છે. બીજી તરફ કૅનેડા પહેલેથી અમેરિકાનું સારું મિત્ર હતું, પણ ટ્રમ્પે ગાદી પર બેસતાવેંત કૅનેડાને યુએસએના એકાવનમાં રાજ્ય તરીકે ઓળખાવાનું શરૂ કર્યું, ત્યારથી યુએસએ-કૅનેેડા સંબંધો પણ સાવ વણસી ગયા છે. હવે આવા માહોલમાં આ ત્રણેય યજમાન દેશ જિયોપોલિટિકલ બબાલને બાજુએ રાખીને આખું આયોજન કઈ રીતે સુપેરે પાર પાડે છે એ જોવું કૌતુકભર્યું થઈ રહેશે.
અન્ય એક મહત્ત્વનો મુદ્દો આ વાતાવરણને લગતોય છે. જ્યાં મૅચ રમાવાની હોય એ શહેરમાં લાખો પર્યટકો ઊમટી પડે અને મેદાન હજારો પ્રેક્ષકોની ખીચોખીચ હાજરીથી ઊભરાઈ જાય એ સ્વાભાવિક છે. આવા સમયે જે-તે શહેરનું વાતાવરણ પડકારજનક બની શકે. કૅનેડા આમ ઠંડો પ્રદેશ ગણાય, પણ આ વર્ષે જૂન-જુલાઈમાં તાપમાન થોડું ઊંચું રહેવાની ધારણા ખરી. સામાન્ય રીતે અહીંનું તાપમાન 20-22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે, પણ મોસમ વિશેષજ્ઞોનાં અનુમાન મુજબ આ વર્ષે તાપમાન એટલું ઊંચું રહેશે કે આયોજકોએ દર્શકોને ઠંડક મળે એ માટે ખાસ આયોજનો કરવાની નોબત આવશે. દરિયાકિનારે વસેલા મિયામીમાં તો આ પ્રશ્ન વધુ ગંભીર બને એમ છે, કારણ કે મિયામી આમેય ગરમ અને ભેજવાળી હવા માટે જાણીતું છે.
સામાન્યત: અહીં 32 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી રહેતી હોય છે, પણ આ વર્ષે ગરમીનો પારો ઊંચો જશે. આ પરિસ્થિતિમાં ‘ફીફા’એ ખેલાડીઓ અને પ્રેક્ષકોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે ત્રણ મિનિટ્સના હાઇડ્રેશન બ્રેક્સ આપવાનો નિયમ રાખ્યો છે.
વિશ્વભરમાંથી આવનારી 48 ફૂટબૉલ ટીમ અને એમના લાખો ચાહકો માટેની વ્યવસ્થા ઊભી કરવાનું કામ ત્રણેય દેશો માટે અઘરું સાબિત થવાનું છે.
આ બધામાં ભારત ક્યાં?
એક ભારતીય તરીકે આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. વિશ્વની સૌથી લોકપ્રિય રમત ગણાતા ફૂટબૉલમાં ભારતની સ્થિતિ અપાર સંભાવનાઓ અને કટુ વાસ્તવિકતાની વચ્ચે ક્યાંક ઝોલા ખાય છે. ક્રિકેટ પ્રત્યેની ઘેલછાને કારણે પૂર્વોત્તર રાજ્યો સિવાયના ભારતે ભલે ફૂટબૉલ તરફ દુર્લક્ષ સેવ્યું, પણ હવે અઢળક સ્પોર્ટ્સ ચૅનલ્સ અને સોશ્યલ મીડિયાના જમાનામાં ભારતનો યુવા વર્ગ આ રમત તરફ આકર્ષાવાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે ફૂટબૉલ પ્રત્યેની ચાહત હજી માત્ર પ્રેક્ષક બનવા સુધી જ સીમિત રહી છે. ‘ફીફા’ રેન્કિંગમાં ભારતની ટીમ ઠેઠ 136મા ક્રમે છે! છેલ્લા ત્રણ-ચાર દાયકા દરમિયાન ભારત નેવુંમા ક્રમ સુધી માંડ પહોંચી શક્યું હતું. પણ એ પછી આપણે પડતી જ જોઈ. આમ તો ભારતની ટીમ ઠેઠ એકસો સિત્તેરમા ક્રમ સુધી સરકી પડી હોય એવો કપરો સમયગાળોય આપણે એકથી વધુ વખત વેઠવો પડ્યો છે!
જોકે પહેલેથી ફૂટબૉલ ક્ષેત્રે આપણે આટલા નબળા નહોતા. 1950-’60નો દશક ભારતીય ફૂટબૉલ માટે સુવર્ણકાળ ગણાય છે. એ પછીય સુનીલ છેત્રી જેવા એકલવીર યોદ્ધાઓએ વૈશ્વિક સ્તરે સરાહના મેળવી છે...
મગર વો દાસ્તાં ફિર કભી...!