- કે.પી. સિંહ
કોઈપણ દેશની જૈવ-વિવિધતા માત્ર વૃક્ષ-છોડ જ નથી હોતાં, પરંતુ ત્યાંના વન્યજીવો પણ હોય છે અને જો ભારતનાં જંગલોની વાત કરીએ તો તે માત્ર વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને ઉપયોગી ફળ આપતાં વૃક્ષોના સમૂહ માત્ર નથી, પરંતુ આપણી વન્યજીવ વિવિધતા અને પર્યાવરણીય સંતુલન પણ આ જ વનો પર નિર્ભર છે.
તાજેતરનાં કેટલાંક વર્ષોમાં દેશમાં વાઇલ્ડલાઇફ ટૂરિઝમ કંઈક એવા સ્તરે લોકપ્રિય થયું છે કે જંગલોમાં પ્રવાસીઓની બેફામ ભીડ વધી ગઈ છે. પછી ભલે તે મધ્ય પ્રદેશનું કાન્હા અને બાંધવગઢ રિઝર્વ હોય, રાજસ્થાનનું રણથંભોર હોય અથવા ઉત્તરાખંડનો જિમ કોર્બેટ પાર્ક હોય. આ તમામ સ્થળોએ જંગલ સફારીનો રોમાંચ, ફોટોગ્રાફી અને નેચર એક્સપિરિયન્સ મેળવવાની વધતી લાલસાએ સાચા અર્થમાં વન્ય પ્રાણીઓને પરેશાન કરી મૂક્યા છે. આ જ કારણ છે કે આજે દેશ અને દુનિયામાં એવા કેટલાય વાઇલ્ડલાઇફ નિષ્ણાતો છે, જેઓ વાઇલ્ડલાઇફ ટૂરિઝમને પ્રોત્સાહન આપવાની ટીકા કરી રહ્યા છે, કારણ કે આ ઉદ્યોગ રાજ્ય સરકારો માટે તો કમાણીનું સાધન બની ચૂક્યો છે, પરંતુ વન્ય પ્રાણીઓ માટે આફત બનતો જઈ રહ્યો છે. તેવામાં સવાલ એ ઊભો થાય છે કે શું વાસ્તવમાં વાઇલ્ડલાઇફ ટૂરિઝમ જૈવ સંરક્ષણને વેગ આપી રહ્યું છે કે પછી તે તેમને માત્ર વેપારનો એક હિસ્સો બનાવી રહ્યું છે?
એમાં કોઈ બે મત નથી કે વધતું વાઇલ્ડલાઇફ ટૂરિઝમ, જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે ભંડોળ એકત્રિત કરવામાં મદદરૂપ રહ્યું છે, પરંતુ આજે 2026માં આ માત્ર સંસાધનો એકત્રિત કરવાનું માધ્યમ જ નથી રહ્યું, પરંતુ એક મોટા ઉદ્યોગમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને ટાઇગર રિઝર્વમાં તો આવતા પ્રવાસીઓ પાસેથી મળતી આવક વન વિભાગોને સંરક્ષણ કાર્યોમાં મદદ કરવાથી આગળ વધીને, તેમની નવી પરિયોજનાઓ માટે પણ ભંડોળ પૂરુંં પાડી રહી છે. વિશેષ કરીને જો ભારતમાં પ્રોજેક્ટ ટાઇગરની સફળતાને જોઈએ તો એવું માનવામાં આવે છે કે તેનું એક મોટું કારણ વિવિધ ટાઇગર રિઝર્વનું પર્યટનના એક મોટા કેન્દ્ર તરીકે ઊભરી આવવું છે. આ કારણે સ્થાનિક લોકોને પણ સારો એવો રોજગાર મળ્યો છે. સફારી ગાઇડ, રિસોર્ટ કર્મચારીઓ, ડ્રાઇવરો, લોકકલાકારો અને નાના દુકાનદારો - આ તમામની આવક વધી છે. મધ્ય પ્રદેશ જેને ‘ટાઇગર સ્ટેટ’ કહેવામાં આવે છે, અહીંનાં તમામ ગામડાંઓની અર્થવ્યવસ્થા હવે જંગલ પર્યટન પર પણ નિર્ભર થઈ ચૂકી છે. આવી જ રીતે ગુજરાતમાં એશિયાટિક સિંહોના કારણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ હજારો લોકો માટે આજીવિકાનાં સાધનો વિકસિત થયાં છે.
પરંતુ આના કારણે જંગલી પ્રાણીઓ શાંતિ અને બેફિકરાઈ અનુભવી શકતાં નથી, તેઓ હંમેશાં તણાવમાં રહે છે. ખાસ કરીને જ્યારથી સોશ્યલ મીડિયાએ વાઇલ્ડલાઇફ ટૂરિઝમનો ભરપૂર લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે. સોશ્યલ મીડિયાના કારણે, વિશેષ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વાયરલ ટાઇગર સાઇટ્સના લીધે, માત્ર વાઇલ્ડલાઇફ ટૂરિઝમની સંખ્યા જ નથી વધી, પરંતુ લોકો જંગલોમાં શોધી-શોધીને વિવિધ પ્રાણીઓનું ફોટો સેશન કરવા માગે છે. વાઘ કે દીપડાની તસવીર લેવા માટે લોકો દિવસ-રાત સફારી વાહનો લઈને આ રિઝર્વ વિસ્તારોમાં ધમાચકડી મચાવે છે. આનાથી પ્રાણીઓમાં તણાવ વધ્યો છે. ઘણી વખત સોશ્યલ મીડિયામાં તમે પોતે જોયું હશે કે કોઈ એક પ્રાણીની પાછળ ડઝનબંધ જીપ્સીઓ લાગેલી હોય છે. આનાથી તેમના કુદરતી વર્તન પર અસર પડે છે. નિષ્ણાતોનું માનવું છે કે જંગલોને મનોરંજનના સ્થળમાં ફેરવવાની આ પ્રવૃત્તિ ખૂબ જ ખતરનાક છે, કારણ કે આના લીધે વન્યજીવો માટે જરૂરી શાંત વાતાવરણ હવે રહ્યું નથી. લોકોના અતિશય ધસારાના કારણે જંગલી પ્રાણીઓ હવે યોગ્ય રીતે ખોરાક અને પાણી પણ ગ્રહણ કરી શકતા નથી. વાઇલ્ડલાઇફ ટૂરિઝમ ઝડપથી વધ્યું હોવાને કારણે, જંગલોની આસપાસ મોટા પાયે રિસોર્ટ સંસ્કૃતિનો વિકાસ થયો છે.
આના કારણે કેટલાય ટાઇગર રિઝર્વના બફર ઝોન ભયંકર રીતે પ્રભાવિત થયા છે અથવા તો કહેવું જોઈએ કે અહીં અતિક્રમણ થયું છે અને લક્ઝરી રિસોર્ટ્સની લાઇન લાગી ગઈ છે. આનાથી ભૂગર્ભ જળનું શોષણ, પ્લાસ્ટિક કચરો, ધ્વનિ પ્રદૂષણ અને રાત્રે પણ જંગલોમાં કૃત્રિમ પ્રકાશ ચાલુ રહેવાના કારણે નિશાચર જીવોને ભારે મશ્કેલી પડી રહી છે. તેથી, અનેક પર્યાવરણવિદોનું માનવું છે કે જો જંગલોમાં પ્રવાસીઓની મર્યાદા નક્કી કરવામાં નહીં આવે તો જંગલો ઇકો-ફ્રેન્ડ્લી નહીં, પરંતુ કૉમર્શિયલ ઝોન બની જશે. વાઇલ્ડલાઇફ ટૂરિઝમનું વધવું એ ખતરનાક છે, આનાથી જંગલી પ્રાણીઓની બેફિકરાઈ અને તેમનું સ્વાભાવિક જીવન ખોરવાઈ રહ્યું છે. દુનિયાના કેટલાય દેશોમાં આ સમસ્યાને ઉકેલવા માટે ‘સસ્ટેનેબલ વાઇલ્ડલાઇફ ટૂરિઝમ મોડલ’ વિકસાવવામાં આવ્યું છે, જેમાં પ્રવાસીઓની સંખ્યા અત્યંત મર્યાદિત રાખવામાં આવે છે અને ઇકોલૉજી પર ભાર મૂકવામાં આવે છે.
ભારતે પણ આ દિશામાં વિચારવું પડશે જેથી કરીને લોકોને એ વાત સમજાઈ શકે કે જંગલ એ પર્યટન કે પિકનિક સ્પૉટ નથી તેમજ જંગલોને માત્ર રોમાંચ અનુભવવાની કે રજાઓ વિતાવવાની જગ્યા ન સમજવી જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે જંગલ લાખો જીવોનું ઘર છે અને ત્યાં લોકોના અતિશય ધસારાના કારણે તેમનું જીવન પ્રભાવિત થાય છે. આજે ટૂરિઝમ એક એવા વળાંક પર ઊભું છે, જ્યાં તેણે નક્કી કરવાનું છે કે તે પ્રકૃતિને અનુકૂળ રહેશે કે પછી વધુમાં વધુ કમાણીની લાલચમાં પ્રકૃતિને બંધક બનાવશે.
નિષ્ણાતોનું માનવું છે કે જો વહેલી તકે જંગલોને ટૂરિસ્ટ સ્પૉટ તરીકે જોવાની પ્રવૃત્તિ પર લગામ નહીં લગાવવામાં આવે, તો કદાચ વન્યજીવોનું સંરક્ષણ તો પ્રભાવિત થશે જ, સાથે જ કુદરતી જીવન અને એ શાંતિ પણ નહીં બચે, જે વાસ્તવમાં જંગલોમાં મળતી હોય છે. આવા સમયમાં આપણે વિચારવું જોઈએ કે આપણી સામે રહેલી દરેક વસ્તુના માત્ર ઉપભોક્તા બનવું જ જરૂરી નથી.
વધતા વાઇલ્ડલાઇફ ટૂરિઝમના ગેરફાયદા
*આનાથી, ખાસ કરીને સફારીના કારણે, પ્રાણીઓ પર તણાવ વધે છે.
*રિસોર્ટ સંસ્કૃતિને લીધે પર્યાવરણીય દબાણ વધે છે.
*ધ્વનિ અને પ્લાસ્ટિક પ્રદૂષણ જંગલોને પ્રભાવિત કરે છે.
*સોશ્યલ મીડિયાનો ઘોંઘાટ જંગલોની શાંતિ ખતમ કરી રહ્યો છે.
આનો ઉપાય એ જ છે કે મર્યાદિત સંખ્યામાં સફારી પરમિટ બહાર પાડવામાં આવે અને ઇકો-ફ્રેન્ડ્લી પર્યટન નીતિ બનાવવામાં આવે. આ બધામાં સ્થાનિક સમુદાયોની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવે તથા રિસૉર્ટ પર કડક પર્યાવરણીય નિયમો લાગુ કરવામાં આવે. જો કડકાઈથી આ ઉપાયો લાગુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વાઇલ્ડલાઇફ ટૂરિઝમ જ જંગલી પ્રાણીઓ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની જશે.