નવી દિલ્હીઃ FIFA વર્લ્ડ કપ પહેલા અમેરિકામાં નવો વિવાદ ઊભો થયો છે. અમેરિકા પહોંચેલા ઇરાકના સ્ટાર સ્ટ્રાઇકર આયમેન હુસૈનને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને એરપોર્ટ પર તેમની લગભગ સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
હુસૈન, જેઓ ઇરાકના સૌથી મહત્વના ખેલાડીઓમાંથી એક છે અને જેમના ગોલના કારણે દેશે વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું, તેમને શનિવારે વહેલી સવારે શિકાગોના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. જોકે, આખરે તેમને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.
બીજી તરફ, ઇરાકની નેશનલ ટીમના ફોટોગ્રાફર તલાલ સલાહને 10 કલાકથી પણ વધુ સમય સુધી અટકાયતમાં રાખ્યા બાદ દેશમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
ઇરાકી ઓલિમ્પિક સમિતિ સાથે કામ કરતા અને નેશનલ ફૂટબોલ ટીમ સાથે નજીકનો સંપર્ક ધરાવતા એક અધિકારીએ જણાવ્યું કે, લાંબી પૂછપરછ દરમિયાન હુસૈનના ફોનની પણ તપાસ કરવામાં આવી હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, 'નેશનલ ટીમના ફોટોગ્રાફર તલાલ સલાહને 10 કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવ્યા, તેમના ફોનની પણ આવી જ રીતે તપાસ કરવામાં આવી અને આખરે તેમને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં ન આવી.'
આ ઘટના અંગે ઇરાકી ફૂટબોલ એસોસિએશન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા નથી આવી, જ્યારે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ અટકાયતના અહેવાલો પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. મહત્વનું છે કે FIFA વર્લ્ડ કંપની સંયુક્ત મેજબાની અમેરિકા, કેનેડા અને મેક્સિકો કરી રહ્યા છે.
ઇરાક ચાર દાયકામાં (40 વર્ષમાં) પહેલીવાર વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહ્યું છે. ટીમની કમાન 30 વર્ષના હુસૈન સંભાળશે, આ સાથે જ ઇપ્સવિચ ટાઉનના ફોરવર્ડ અલી અલ-હમાદી અને યુવા ખેલાડીઓ અલી જસીમ તેમજ યુસુફ અમીન પણ ટીમનો હિસ્સો રહેશે.
ટીમને ગ્રુપ 1 માં ફ્રાન્સ, સેનેગલ અને નોર્વેની સાથે રાખવામાં આવી છે.