- નિધિ ભટ્ટ
ભારતમાં લગ્નને મોટા ભાગે ભાવનાઓ, પરંપરાઓ અને સામાજિક પ્રતિષ્ઠાની નજરથી જોવામાં આવે છે, પરંતુ એની પાછળ એક સખત અને સુવ્યવસ્થિત કાનૂની ઢાંચો પણ મોજૂદ છે જેને નજરઅંદાજ કરવું ભારી પડી શકે છે. એ ભલે હિંદુ મૅરેજ ઍક્ટ 1955 દ્વારા થતા પારંપરિક લગ્ન હોય કે પછી સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ 1954 દ્વારા થતા આંતર્ધાર્મિક લગ્ન હોય, દરેક સંબંધ સાથે કેટલાક સ્પષ્ટ અધિકાર અને જવાબદારીઓ જોડાયેલી છે. જેવા કે લગ્નની ઓછામાં ઓછી ઉંમર પ્રોહિબિશન ઑફ ચાઇલ્ડ મૅરેજ ઍક્ટ 2006 નક્કી કરે છે તેમ જ દહેજ જેવી કુપ્રથા પર ડૉવરી પ્રોહિબિશન ઍક્ટ 1961 લગાતાર સખત રોક લગાવી રહ્યું છે. આ ઉપરાંત ઘરેલુ હિંસાથી સુરક્ષા, તલાકનેે લઈને ભરણપોષણ જેવા મુદ્દા પણ કાનૂની માળખામાં આવે છે. એટલે એ સમજવું જરૂરી છે કે લગ્ન ફક્ત સામાજિક બંધન નહીં, પણ એક કાનૂની અનુબંધ પણ છે. આ વિશે આપણે અહીં વિસ્તારથી સમજીએ.
લગ્નની ન્યુનતમ ઉંમર ને માન્યતા
ભારતમાં લગ્ન માટે છોકરાની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને છોકરી માટે 18 વર્ષ છે. આ નિયમ પ્રોહિબિશન ઑફ ચાઇલ્ડ મૅરેજ ઍક્ટ 2006 દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. જો એનાથી નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવે તો એ ગેરકાનૂની માનવામાં આવે છે અને એ માટે સજા પણ થઈ શકે છે. માન્યતાની બાબતમાં લગ્ન માટે બન્ને પક્ષોની સ્વીકૃતિ અને સંમતિ જરૂરી છે. બન્ને પક્ષનાં પહેલાં લગ્ન થયેલાં ન હોવાં જોઈએ તેમ જ લગ્ન કરનાર વ્યક્તિ માનસિક રીતે અસક્ષમ ન હોવું જોઈએ. આ ઉપરાંત કેટલાક નજીકના સંબંધોમાં લગ્ન કરવાં આપણા દેશમાં પ્રતિબંધિત છે જેમ કે સગા ભાઈ-બહેનનાં લગ્ન. જો આ નિયમનો ભંગ કરવામાં આવે તો એ લગ્ન અવૈધ માનવામાં આવે છે. લગ્ન પછી એનું રજિસ્ટ્રેશન કરવાનું બહુ જરૂરી છે, કારણ કે લગ્નનું રજિસ્ટ્રેશન જ લગ્નનું કાનૂની પ્રમાણ છે તેમ જ પાસપોર્ટ, વિઝા તથા સંપત્તિની બાબતમાં આ દસ્તાવેજ વૈધ માનવામાં આવે છે, દેશનાં કેટલાંક રાજ્યોમાં એને અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે.
દહેજ - કાનૂન - ઘરેલું હિંસા
ભારતમાં દહેજ લેવું ગેરકાનૂની છે, એને ડૉવરી પ્રોહિબિશન ઍક્ટ 1961 દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. જો કોઈ પક્ષ દ્વારા દહેજ માગવામાં આવે કે એના માટે હેરાન કરવામાં આવે તો તેમની સામે આઇપીસી કાનૂની ધારા 498એ દ્વારા મામલો દર્જ કરવામાં આવે છે અથવા એના માટે જેલ તેમ જ જુર્માના અથવા બન્ને દંડ થઈ શકે છે. દહેજની સાથે-સાથે મહિલાઓને ઘરેલુ હિંસાથી સુરક્ષા આપવા માટે પ્રોટેક્શન ઑફ વુમન ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ 2005 લાગુ છે એના અનુસાર શારીરિક હિંસા, માનસિક ઉત્પીડન, આર્થિક શોષણ તેમ જ ભાવનાત્મક અત્યાચારને ઘરેલુ હિંસા માનવામાં આવે છે. ઘરેલુ હિંસાનો શિકાર થયેલી કોઈ પણ મહિલા મહિલા કોર્ટમાં પોતાની સુરક્ષા, નિવાસ અને ભરણપોષણની માગ કરી શકે છે.
તલાકના અધિકાર
જો લગ્ન સફળ નહીં થાય તો બન્ને પક્ષનેે તલાકનો અધિકાર છે. હિંદુ એને હિંદુ મૅરેજ ઍક્ટ 1955 અનુસાર એે હાંસલ કરી શકે છે જ્યારે બીજા ધર્મના લોકો માટે પોતપોતાના કાનૂન છે, પરંતુ તલાક માટે જે વાતો આધાર બને છે એ આ પ્રમાણે છે. ક્રૂરતા, વ્યભિચાર, પરિત્યાગ, ધર્મપરિવર્તન અને માનસિક બીમારી. તલાક કે અલગ રહેવાવાળી મહિલા માટે પોતાના પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. પત્ની, બાળકો કે કેટલાક કેસમાં પતિ પણ કોર્ટ પાસેથી આર્થિક સહાયતા માગી શકે છે. આ અધિકાર સીઆરપીસી 125 અને લગ્નના અલગ-અલગ કાયદા પ્રમાણે મળે છે.
સંપત્તિ ને ઉત્તરાધિકાર
લગ્ન પછી પત્નીને પતિની સંપત્તિમાં હિસ્સો મળે છે, જ્યારે બાળકોનોે માતા-પિતાની સંપત્તિમાં અધિકાર હોય છે. હિંદુઓ માટે આ નિયમ હિંદુ સેક્શન ઍક્ટ 1956 અનુસાર પ્રાપ્ત છે, પરંતુ લિવ ઇન રિલેશન હજુ પણ કાનૂનની નજરમાં સંપૂર્ણ રીતે વૈધ નથી, પરંતુ ગેરકાનૂની પણ નથી.
ભારતમાં અલગ-અલગ ધર્મો માટે લગ્નના કાયદાઓ
*હિંદુ, શીખ, જૈન અને બૌધ ધર્મના અનુયાયીઓ માટે હિંદુ મૅરેજ ઍક્ટ 1955 લાગુ છે.
*મુસ્લિમ સમુદાય માટે મુસ્લિમ પર્સનલ લૉ મોજૂદ છે.
*ભારતમાં રહેતા ઈસાઈઓ માટે ઇન્ડિયન ક્રિશ્ર્ચિયન ઍક્ટ 1872 છે, જ્યારે પારસી સમુદાય માટે પારસી મૅરેજ ઍન્ડ ડાયવૉર્સ ઍક્ટ 1936 છે.
*આ સિવાય બે અલગ-અલગ ધર્મનાં છોકરા-છોકરી લગ્ન કરવા ઇચ્છે તો તેમના માટે સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ 1954 છે.