Sun Jun 07 2026

Logo

દિલ્હી-NCR અને UP સહિત આ રાજ્યોમાં વરસાદ આગાહી, હવામાન વિભાગે આપી વિગતો

2026-06-07 11:56:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગો હાલમાં ભીષણ ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા છે, જ્યાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે હવે દેશવાસીઓ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપતા ચોમાસાની પ્રગતિ અંગે તાજી અપડેટ જાહેર કરવામાં આવી છે. કેરળમાં દસ્તક દીધા બાદ હવે ચોમાસું આગળના રાજ્યો તરફ ઝડપથી વધી રહ્યું છે.

દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં ક્યારે આવશે ચોમાસું?

IMD ની આગાહી પ્રમાણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી સમયમાં ગરમીથી મોટી રાહત મળશે. રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 25 થી 30 જૂન ની વચ્ચે ચોમાસું પહોંચવાની પ્રબળ સંભાવના છે. યુપીની વાત કરવામાં આવે તો, ચોમાસાનું આગમન થોડું વહેલું એટલે કે 20 થી 25 જૂન ની વચ્ચે થઈ શકે છે. નોઇડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના કારણે દિલ્હીની સાથે જ નોઇડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદ જેવા NCR ના પ્રમુખ શહેરોમાં પણ 25 થી 30 જૂનની વચ્ચે મુશળધાર વરસાદ પડશે, જેનાથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે. ચોમાસું ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી, દિલ્હીની સાથે જ અન્ય પડોશી રાજ્યોમાં પણ તે જ સમયે સક્રિય થશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં જૂનના અંતિમ સપ્તાહમાં મોટાભાગના વિસ્તારો ચોમાસા હેઠળ કવર થઈ જશે.

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ દિલ્હી-NCR ની સાથે જ આઇસોલેટેડ વિસ્તારોમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડવાનું અનુમાન છે. જો સરખામણી કરીએ તો, ગયા વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 29 જૂને દિલ્હી પહોંચ્યું હતું, જે તેના કરતાં બે દિવસ મોડું હતું. જો કે, આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમયે જ દિલ્હી-NCR માં પહોંચે તેવા સાનુકૂળ સંકેતો મળી રહ્યા છે.

આ વર્ષે ચોમાસાની શરૂઆત થોડી મોડી થઈ હતી, પરંતુ બાદમાં તેણે જોરદાર ગતિ પકડી છે. ચોમાસાએ વત વર્ષ કરતા 3 દિવસ મોડું કેરળમાં આગમન કર્યું છે. આ વખતે, ચોમાસુ 4 જૂને કેરળમાં પહોંચ્યું હતું. 1 જૂનની તેની સામાન્ય શરૂઆતની તારીખ કરતાં ત્રણ દિવસ મોડું અને IMD ની 26 મેની અગાઉની આગાહી કરતાં લગભગ એક અઠવાડિયા પાછળ છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા બાદ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે, જેના કારણે મધ્ય અને ઉત્તર ભારતમાં આ વર્ષે સમયસર અને સારો વરસાદ થવાની આશા છે.