Sun Jun 07 2026

Logo

સૂર્યકુમારને શું કામ ડ્રોપ કર્યો, સિલેક્ટરોએ ખોટી પ્રથા પાડી: અશ્વિન

2026-06-07 11:45:00
Author: Ajay Motiwala
Article Image

મુંબઈ/ચેન્નઇ: નેશનલ સિલેકટરોએ ટી-20ના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસેથી ટી-20 ટીમની કેપ્ટન્સી પાછી લેવા ઉપરાંત તેને આગામી ચાર મહિના માટેની ટી-20 ટીમમાંથી પડતો મૂક્યો એ સામે સ્પિન-લેજન્ડ રવિશ્ચંદ્રન અશ્વિને ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.

અશ્વિને એક ખૂબ જાણીતી ક્રિકેટ વેબસાઈટના શૉ પર એવું કહ્યું છે કે ‘સૂર્યાને ટીમમાંથી સાવ પડતો મૂકવા કરતા તેને બૅટ્સમૅન તરીકે ફરી ફોર્મમાં આવવા માટેની તક આપવી જોઈતી હતી. ક્યારેય જોયું છે કે કોઈ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનને મહેતલ આપ્યા વગર સીધો ટીમમાંથી જ કાઢી મૂકવામાં આવ્યો હોય? ભલે કોઈક રીતે વાતચીત થઈ હશે, પરંતુ સિલેક્ટરોએ સૂર્યકુમાર (Suryakumar) વિશે આ રીતે પગલું ભરીને ખોટી પ્રથા તો પાડી જ છે.'
 

અશ્વિન એવું પણ જણાવ્યું છે કે ‘હજી ત્રણ મહિના પહેલા સૂર્યકુમારની કેપ્ટન્સીમાં ભારત ટી-20માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને હવે તેને ટીમમાંથી જ પડતો મૂકી દેવામાં આવ્યો! આપણે હવે માનવીની સંવેદનાઓને ભૂલી ગયા છીએ કે શું? ’

અશ્વિન (Ashwin)એ વેબસાઈટના શૉ પર એવું પણ જણાવ્યું કે ‘હું પોતાને સૂર્યકુમારની જગ્યાએ મૂકીને વિચારું છું તો ખૂબ નારાજગી અનુભવું છું. આના પરથી મને અંદાજ આવે છે કે સૂર્યકુમાર પણ કેટલો હતાશ હશે.'

સૂર્યકુમારે ત્રણ મહિના પહેલા ટી-20 વર્લ્ડ કપમાં 242 રન અને તાજેતરની આઈપીએલમાં મુંબઈ વતી 270 રન કર્યા હતા.

અશ્વિને વધુમાં જણાવ્યું છે કે ‘સૂર્યકુમાર 15થી 18 મહિના સારા ફોર્મમાં નથી એ વાત સાચી, પણ તેણે ભારતને ટી-20 વર્લ્ડ કપ પણ તો જિતાડ્યો છેને. ક્યારેક બનતું હોય છે કે ટીમના સારામાં સારા બૅટ્સમૅન, બોલર, વાઇસ કેપ્ટન કે પછી કોચ નિષ્ફળ જતા હોય છે, પરંતુ સૂર્યકૂમારે બેસ્ટ કેપ્ટન તરીકે તો પર્ફોર્મ કરી જ આપ્યું છે ને. તેને આ રીતે ટીમમાંથી ડ્રોપ ન જ કરાય.'