Sun Jun 07 2026

Logo

તમિલનાડુમાંમાં વિજયની સરકાર તોડી પાડવાનું એલાન, એમ.કે. સ્ટાલિને આપી ચેતવણી

2026-06-07 12:46:00
Author: Vimal Prajapati
Article Image

ચેન્નાઈઃ તમિલનાડુના રાજકારણમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પણ હલચલ શાંત થવાનું નામ નથી લઈ રહી. DMK અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને રાજ્યની વર્તમાન શાસક પાર્ટી TVK સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સ્ટાલિને દાવો કર્યો છે કે, અભિનેતામાંથી નેતા બનેલા જોસેફ વિજયની સરકાર એવા પક્ષોના ટેકાથી ચાલી રહી છે જેઓ અગાઉ DMK ગઠબંધનનો હિસ્સો હતા. આ સાથે જ તેમણે ટૂંક સમયમાં આ સરકારનો અંત લાવી DMKની વાપસીનો હુંકાર કર્યો છે.

પૂર્વ સાથીઓ વિશે શું બોલ્યાં સ્ટાલિન?

પક્ષના એક વિશેષ કાર્યક્રમમાં, જ્યાં AIADMK ના કેટલાક મોટા નેતાઓ DMK માં સામેલ થયા હતા, ત્યાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા એમ.કે. સ્ટાલિને સત્તાધારી પક્ષ પર નિશાન સાધ્યું હતું. એમ.કે. સ્ટાલિને કહ્યું કે, વર્તમાન TVK સરકાર અમારા પૂર્વ ગઠબંધન સહયોગીઓના કારણે ટકેલી છે. આ એવા પક્ષો છે જેઓ DMK ના કારણે વિધાનસભા સુધી પહોંચ્યા હતા. તે સમયે આ નેતાઓએ મને TVK સાથે જવા અંગે વાત કરી હતી અને મેં તેને લોકશાહી અધિકાર ગણાવ્યો હતો, કારણ કે હું રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કે ભાજપનું શાસન ઈચ્છતો ન હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને આ સરકાર લાંબો સમય નહીં ટકે!’

સ્ટાલિને વધુમાં જણાવ્યું કે, તેમની પાર્ટીએ અત્યાર સુધી તમિલનાડુમાં રાજકીય અસ્થિરતા ટાળવા માટે સરકારને નબળી પાડવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો, પરંતુ હવે કાર્યકર્તાઓએ કમર કસી લેવી પડશે. એટલે કે AIADMK અને DMK વિજયની સરકારને પડાવા માટે પ્રયત્ન કરી શકે છે. જો કે, હજી તેના વિશે કોઈ પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સ્ટાલિનના આ નિવેદન પરથી એવું લાગી રહ્યું છે. 

વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળી?

તમિલનાડુમાં આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો અત્યંત રોમાંચક અને ઐતિહાસિક રહ્યા હતા, જેમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી. આ ચૂંટણીમાં TVKને 108 બેઠકો મળી હતી. DMK ગઠબંધનને 73 બેઠકો અને AIADMK ગઠબંધનને 53 બેઠકો મળી છે. DMK ગઠબંધનમાં કોંગ્રેસને 5 બેઠક, CPIને ૨ બેઠક, CPI(M)ને 2 બેઠક અને VCKને પણ બે બેઠકો મળી હતી.  AIADMK ગઠબંધનની વાત કરવામાં આવે તો, AIADMKને 47 બેઠકો, PMKને ચાર બેઠકો, BJPને એક બેઠક, અને AMMKને એક બેઠક મળી હતી. જો કે, સરકાર તો વિજયની બની છે.  બહુમતી માટે જરૂરી 118 બેઠકો કોઈપણ પક્ષને મળી ન હતી. જેથી અન્ય પક્ષોના સમર્થનથી ટીવીકે સરકારની રચના કરવામાં આવી અને સી. જોસેફ વિજયએ તમિલનાડુના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં.