નવી દિલ્હીઃ ઘરેલુ રાંધણ ગેસ (LPG) ફરી મોંઘો થયો છે. LPGના ભાવમાં સિલિન્ડર દીઠ ₹29નો વધારો કરવામાં આવ્યો છે, જે 7 જૂન એટલે કે રવિવારથી લાગુ થશે. છેલ્લા ત્રણ મહિનામાં LPGમાં આ બીજી વખત ભાવવધારો થયો છે. રાંધણ ગેસના ભાવમાં થયેલો આ વધારો સમગ્ર દેશમાં લાગુ પડશે.
આ ભાવવધારા પાછળ ઈરાન સંકટ જવાબદાર હોવાનું કહેવાય છે. જાણવા મળ્યું છે કે સરકારી ઓઈલ કંપનીઓ વૈશ્વિક સ્તરે ઊર્જા (ક્રૂડ ઓઈલ અને ગેસ)ની વધતી કિંમતોનો સામનો કરી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, 7 જૂનથી દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરની કિંમત ₹913થી વધીને ₹942 થઈ જશે.
આ પહેલા 7 માર્ચે સિલિન્ડર દીઠ ₹60નો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાયમાં અવરોધ આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવ વધી ગયા હતા.
ઉદ્યોગ જગતના સૂત્રોનું કહેવું છે કે અગાઉના ભાવવધારાથી ઘરગથ્થુ LPGના વેચાણમાં થયેલા નુકસાનની માત્ર થોડી જ ભરપાઈ થઈ શકી હતી. તાજેતરના ભાવવધારા પહેલા, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વેચાતા દરેક LPG સિલિન્ડર પર આશરે ₹703નું નુકસાન થઈ રહ્યું હતું.
ચાલુ મહિને કોમર્શિયલ LPG સિલિન્ડર પણ મોંઘો
1 જૂનના રોજ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો થયો હતો. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ₹42 મોંઘો થઈને હવે ₹3113.50 થઈ ગયો છે. જ્યારે કોલકાતામાં તેની કિંમત ₹53.50 વધીને ₹3255.50 પર પહોંચી ગઈ છે.
પેટ્રોલ-ડીઝલ પહેલાથી જ 7 રૂપિયા સુધી મોંઘું
LPGની કિંમતોમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મે મહિનાથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને લિટર દીઠ ₹7.50નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં કિલોગ્રામ દીઠ આશરે ₹6નો વધારો થયો છે.