- અભિમન્યુ મોદી
જાપાનની ‘શિંકાન્સેન’ (જવશક્ષસફક્ષતયક્ષ) એટલે કે બુલેટ ટ્રેન દુનિયાભરમાં તેની સ્પીડ અને ટેક્નૉલૉજી માટે પ્રખ્યાત છે. નેવુંના દાયકામાં આ ટ્રેનના એન્જિનિયરો એક બહુ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ટ્રેન જ્યારે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ ટનલ (બોગદા)માં પ્રવેશે અને બહાર નીકળે ત્યારે હવાના દબાણને કારણે બૉમ્બ ફાટ્યો હોય એવો ભયંકર અવાજ (સોનિક બૂમ) આવતો હતો. આ અવાજના કારણે ટનલની આસપાસ રહેતા લોકોના ઘરોના કાચ તૂટી જતા અને લોકો ત્રાસી ગયા હતા. આના ઉપાય માટે જાપાનના શ્રેષ્ઠ દિમાગો કામે લાગ્યા, પણ કોઈ એન્જિનિયરિંગ ફૉર્મ્યુલા કામ નહોતી આવતી. ત્યારે આ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર ઇજી નાકાત્સુને એક વિચાર આવ્યો. નાકાત્સુ એક શોખીન ‘બર્ડ વૉચર’ હતા.
તેમણે જોયું કે કલકલીયો (કિંગફિશર) નામનું પક્ષી હવામાંથી ઉડતું ઉડતું આવે છે અને માછલી પકડવા માટે પાણીમાં ડૂબકી મારે છે ત્યારે પાણીનો એક છાંટો પણ ઉડતો નથી! હવાનું પાતળું માધ્યમ અને પાણીનું ઘન માધ્યમ આ બંને વચ્ચેની સરહદ કલકલીયો એની ચાંચના વિશિષ્ટ આકારને કારણે પાણીમાં ખાબકતી વખતે જરાય અવાજ કરતું નથી. નાકાત્સુએ પોતાની ટીમને કહ્યું, ‘આપણી ટ્રેનની ડિઝાઇન આ કલકલિયાની ચાંચ જેવી બનાવો. ‘અને જાદુ થઈ ગયો! નવી બુલેટ ટ્રેનની નોઝ (આગળનો ભાગ) કલકલીયાની ચાંચ જેવી અણીદાર અને લાંબી બનાવવામાં આવી. ને એ સાથે જ સોનિક બૂમનો અવાજ ગાયબ થઈ ગયો- ટ્રેનની સ્પીડ 10% વધી ગઈ અને વીજળીનો વપરાશ 15% ઘટી ગયો.!
માણસ પોતાને ભલે સર્જક કે સંશોધક સમજે, પણ વાસ્તવિકતા એ છે કે આપણી બેસ્ટ ટેક્નૉલૉજી એ પ્રકૃતિ દ્વારા અબજો વર્ષો પહેલાં કરી લેવાયેલા પ્રયોગોની ઉઠાંતરી (સારો શબ્દ ‘અનુકરણ’!) માત્ર છે. વિજ્ઞાનની ભાષામાં આને ‘બાયોમિમીક્રી’ કહે છે.
આપણે રોજબરોજના જીવનમાં જે ‘વેલક્રો’નો ઉપયોગ કરીએ છીએ તેની શોધ કેવી રીતે થઈ?
1941માં જ્યૉ‘ર્જ ડી મેસ્ટ્રલ નામનો એક સ્વિસ એન્જિનિયર પોતાના કૂતરાને લઈને જંગલમાં ફરવા ગયો. પાછા ફરતી વખતે તેણે જોયું કે કૂતરાના વાળમાં અમુક જંગલી બીજ ચોંટી ગયા હતા. તેણે માઇક્રોસ્કોપમાં એ બીજ જોયા તો તેમાં અસંખ્ય નાના હુક્સ હતા જે કૂતરાના વાળમાં ભરાઈ ગયા હતા. બસ, આ જ ક્ધસેપ્ટ પરથી તેણે બે પટ્ટીઓવાળું ’વેલક્રો’ બનાવ્યું જે આજે કપડાંથી લઈને અવકાશયાત્રીઓના સ્પેસ-સૂટ સુધી વપરાય છે.
આવાં તો અગણિત ઉદાહરણ છે. ઝિમ્બાબ્વેના હરારે શહેરમાં મિક પીયર્સ નામના આર્કિટેક્ટે ‘ઇસ્ટગેટ સેન્ટર’ નામનું આખું શૉપિંગ મૉલ અને ઑફિસ કૉમ્પ્લેક્સ એસી વિના બનાવ્યું છે. તેણે આ ડિઝાઈન ઉધઈના રાફડા પરથી પ્રેરણા લઈને બનાવી છે! બહારનું તાપમાન 40 ડિગ્રી હોય તો પણ ઉધઈનો રાફડો અંદરથી હંમેશા ઠંડો રહે છે, કારણ કે તેમાં હવાની અવરજવર માટે એક નેચરલ વેન્ટિલેશન સિસ્ટમ હોય છે. આપણે ગરમીથી બચવા માટે મુંબઈમાં કરોડો રૂપિયાના એસી લગાવીને ગ્લોબલ વૉર્મિંગ વધારી રહ્યા છીએ, જ્યારે એક નાનકડી ઉધઈ પાસે આપણા કરતાં વધુ સારી આર્કિટેક્ચરલ-સ્થાપત્ય સેન્સ છે.
શાર્ક માછલીની ચામડીની સંરચના જોઈને વૈજ્ઞાનિકોએ એવી સરફેસ (સપાટી) બનાવી છે જેના પર બેક્ટેરિયા ચોંટી જ ન શકે. આજે આધુનિક હૉસ્પિટલોમા ઇન્ફેક્શન રોકવા માટે આ ‘શાર્ક-સ્કીન’ પૅટર્નનો ઉપયોગ થાય છે. આપણે જ્યારે સોલાર પૅનલ બનાવીએ છીએ ત્યારે આપણે ખરેખર તો ઝાડનાં પાંદડાં પ્રકાશસંશ્ર્લેષણ દ્વારા સૂર્યપ્રકાશમાંથી જે ઊર્જા બનાવે છે, તેની જ યાંત્રિક અને અધૂરી નકલ કરીએ છીએ. આપણી સોલાર પૅનલની કાર્યક્ષમતા હજુ માંડ 20-25 ટકા છે, જ્યારે પ્રકૃતિ આ કામ અબજો વર્ષોથી 100% પરફેક્શન સાથે કરી રહી છે.
હમણાં જ બે દિવસ પહેલાં, 5 જૂને આપણે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઊજવ્યો. નેતાઓ, સેલેબ્સ અને સામાન્ય લોકોએ બે-ચાર રોપા વાવીને, સોશ્યલ મીડિયા પર ફોટા મૂકીને ‘સેવ ધી અર્થ’ના નારા લગાવ્યા હશે. આ ‘પૃથ્વીને બચાવો’ એ માનવજાતનો સૌથી મોટો અહંકારથી ભરેલો ડાયલૉગ છે. પૃથ્વીને કોઈના બચાવવાની જરૂર નથી. આ પૃથ્વી પર ડાયનાસોર આવ્યા અને એક જ ઉલ્કાપાતથી ખતમ થઈ ગયા. આ પૃથ્વીએ ભયંકર હિમયુગ અને જ્વાળામુખીઓના વિસ્ફોટો જોયા છે.
પૃથ્વી તો 4.5 અબજ વર્ષોથી ટકી જ છે અને આપણા ગયા પછી પણ ટકશે. ખરેખર તો પર્યાવરણ દિવસ ‘સેવ ધી હ્યુમન્સ’નો દિવસ હોવો જોઈએ. આપણે પૃથ્વીને નથી બચાવવાની, આપણે આપણા પોતાના અસ્તિત્વને બચાવવાનું છે.
બાયોમિમીક્રી આપણને એક બહુ મોટો ફિલસૂફી-તત્ત્વજ્ઞાનના પાઠ ભણાવે છે. આપણે અત્યાર સુધી પ્રકૃતિને એક ‘રિસોર્સ’-સંધન તરીકે જોઈ છે જેને આપણે ખોદીને, કાપીને, બાળીને ખતમ કરી શકીએ, પણ હવે સમય આવી ગયો છે કે આપણે પ્રકૃતિને એક પથદર્શક તરીકે જોઈએ. પૃથ્વી એક વિશાળ લૅબોરેટરી છે અને પ્રકૃતિ પાસે 3.8 અબજ વર્ષનો રિસર્ચ અને ડેવલપમેન્ટ (છ।ઉ)નો અનુભવ છે. જે જીવજંતુઓ કે વનસ્પતિઓ ડિઝાઇનમાં ખામીવાળા હતા તેમને ઉત્ક્રાંતિએ નિર્દયતાથી ભૂંસી નાખ્યા છે. આજે જે પ્રકૃતિ અસ્તિત્વમાં છે તે હજારો ફિલ્ટર્સમાંથી પાસ થયેલી બેસ્ટ-બેન મૂન ડિઝાઇન છે.
માણસ માત્ર છેલ્લી સેક્ધડે પૃથ્વીના ઇતિહાસના મંચ પર આવેલો એક ગૌરવશાળી કલાકાર છે. આપણે કુદરત સાથે લડવાનું બંધ કરીને, તેની પાસેથી શીખવાનું ચાલુ કરવું પડશે. જો આપણે આપણા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્થવ્યવસ્થા અને ટેક્નૉલૉજીને કુદરતના નિયમો (બાયોમિમીક્રી) સાથે સંતુલન નહિ સાધીએ તો પ્રકૃતિ પોતાની ડિઝાઇન ફરીથી બદલી નાખશે અને એ નવી ડિઝાઇનમાં હોમો સેપિયન્સ એટલે કે આપણે એટલે કે માનવ માટે કદાચ કોઈ જગ્યા નહીં હોય.