Sun Jun 07 2026

Logo

આર યુ ઓકે?

2026-06-07 09:46:00
Author: Jui Parth
Article Image

 

 

 

જૂઈ પાર્થ

 

‘આઇ લવ યુ’ આ એવા ત્રણ જાદુઈ શબ્દો છે કે જે દુનિયા બદલી નાખે છે, જે બોલે એની પણ અને જેને કહ્યું હોય એની પણ. એ ત્રણ જાદુઈ શબ્દોના જેવા અન્ય ત્રણ એટલા જ પ્રબળ શબ્દો છે જેને આપણે જાણતા હોવા છતાં ઓછા આંકીએ છીએ અને આ ત્રણ જાદુઈ શબ્દો એટલે ‘આર યુ ઓકે?’ તમે ઠીક છો?

 

ગમતી વ્યક્તિને ફક્ત ‘હું તને પ્રેમ કરું છું’ કહેવાથી દુનિયા નથી ચાલતી. આપણે સૌ જાણીએ છીએ કે ખરી જવાબદારી પ્રેમના એકરાર પછી જ શરૂ થાય છે. જોકે વાતે વાતે આઇ લવ યુ કહેનારા પણ ઘણા હોય છે પણ તેની પાછળની ભાવનાનું ઊંડાણ જે તે વ્યક્તિનાં વાણી, વર્તન પરથી ખ્યાલ આવે છે.

 

પત્નીની તબિયત સારી ના હોય ત્યારે ‘આઇ લવ યુ’ કહ્યા કરતાં  ‘આર યુ ઓકે’ પૂછેલું વધારે અસરકારક લાગે છે. બાળક પડી જાય ત્યારે માબાપ ઠપકો આપ્યા કરતાં ‘તું ઠીક છેને?’ પૂછી લે તો બાળકને આપોઆપ ઠીક લાગે છે. ફોન પર મિત્રનો ચિંતિત અવાજ સાંભળી  ‘આર યુ ઓકે? જેવો પ્રશ્ર્નાર્થ કરીએ તો તેને મનની વાત કરવાની મોકળાશ મળે છે. સાસરેથી દીકરી એકવાર મા-બાપને પૂછી લે ‘તમે બધા ઠીક છોને?’ તો મા-બાપની લાગણીઓ જાતે જ સચવાઈ જાય છે. અરે, વિદેશની ધરતી પર ભણવા ગયેલા વિદ્યાર્થીઓને કોઈ સાવ અજાણી વ્યક્તિ પણ ‘આર યુ ઓકે?’ પૂછી લે તો એ વિદ્યાર્થીની આંખ ભીની થયા વગર નથી રહેતી.

 

‘આર યુ ઓકે?’ પૂછવા માટે સૌથી પહેલાં તો મનમાં કરુણા રાખી અહંકાર બાજુ પર મૂકવો પડે છે. જો આપણે એમ માનીએ કે મને જરૂર હતી ત્યારે ક્યાં કોઈ મારી મદદે આવ્યું હતું કે હું લોકોને એમનાં હાલચાલ પૂછ્યા કરું. વળી પાછું એમને થાય કે મને એમની પંચાત કરવી છે. એના કરતાં તો સૌને પોતપોતાના હાલ પર છોડવા જ સારા. આ એ પ્રકારના લોકો છે જે પોતાને નથી મળ્યું તો બીજાને શું કામ આપે એવું માને છે, પરંતુ આ જ લોકો થોડો અભિગમ બદલે કે ‘મને જે નથી મળ્યું એ મારે બીજાને આપવું છે’ તો દુનિયા વધુ સારી દેખાય. 

 

આ વાક્ય પરદેશમાં લોકો વધુ સ્વાભાવિક રીતે પૂછી શકતા હોય તેમ લાગે છે. ગુજરાતીઓમાં જોકે  ‘કેમ છો?’  કે પછી તેનું વધારે સકારાત્મક રૂપ ‘મજામાં?’ પૂછવાનો વહેવાર છે, પણ જ્યારે  ‘તમે ઠીક છો?’ પૂછવામાં આવે ત્યારે તેનું ભાવનાત્મક સ્વરૂપ બદલાઈ જતું હોય છે.

 

‘આર યુ ઓકે?’ પૂછનાર અને જેને પૂછીએ છીએ તેની માનસિક તેમજ ભાવનાત્મક પરિસ્થિતિમાં ઘણો ફેર હોય છે. જે પૂછે છે તે સારાઈ બતાવે છે અને જેને પૂછવામાં આવ્યું છે તેને દિલ ખોલીને વાત કરવાની જગ્યા મળે છે. સાથે પોતે કોઈના માટે એ ક્ષણ પૂરતી પણ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે તેવી અનુભૂતિ થાય છે. કોના મનમાં ક્યારે શું ચાલતું હોય છે તેની કોઈને ખબર નથી હોતી. શક્ય છે કે આમ પૂછવાથી મુંઝાયેલ વ્યક્તિને પોતાની તકલીફોનું સમાધાન જાતે જ મળી જાય. 

 

‘આર યુ ઓકે?’ આ ત્રણ મેજિકલ વડર્સ યોગ્ય સમયે પૂછાવાના કારણે કેટલાય લોકોની નબળી પળ સચવાઈ હશે તો કેટલાકે આ સાંભળી બે આંસુ પણ સાર્યાં હશે. આમેય ભલમનસાઈની નથી સીમા હોતી કે ના તો કોઈ માપદંડ.

 

આપણા બોલથી કોઈને સારું લાગે, મન હળવું થાય તો આપણને પણ તેમને જાણતાં અજાણતાં મદદ કરવાથી સંતોષની લાગણી થાય છે અને દિવસ સાર્થક થયો લાગે છે. શું તમેય ક્યારેય કોઈને પૂછ્યું છે : ‘આર યુ ઓકે? 

 

બોલો, તમે શું કહો છો?