Sun Jun 07 2026

Logo

પીએફ - પેન્શનની જેમ પગારમાંથી બચત માટે કપાશે રકમ...

2026-06-07 09:27:00
Author: Jayesh Chitaliya
Article Image

 

 

 

લિસ્ટેડ કંપનીઓ સેલેરીમાંથી કરી શકશે મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણ

 

જયેશ ચિતલિયા

 

તમને યાદ હશે જ આ અગાઉ આપણે નેશનલ પેન્શન સિસ્ટમની વાત કરી હતી. આ વખતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આવનારાં નવાં પગલાંની વાત કરીએ, જે મ્યુ.ફંડ ઉદ્યોગને અને બચતકારોને નવી તક આપશે. આના માટે ‘સેબી’ કેટલાંક ઉદાર નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું છે. 

 

‘સેબી’ના એ નવા નિયમો જાહેર થયા બાદ નિર્ધારિત ધોરણોને આધારે કંપનીઓ એમ્પલોયર્સ તરીકે પોતાના સ્ટાફને પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનની જેમ સ્ટાફના પગારમાંથી ચોકકસ ટકા રકમ કાપીને તેનું મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણ કરી શકશે, જે કર્મચારીઓ માટે સોશ્યલ સિકયુરિટી સમાન નિવૃત્તિ ફંડ બની રહેશે. 

 

અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડમાં થર્ડ પાર્ટી રોકાણ કે વ્યવહાર થઈ શકતા નહોતા, હવે પછી એ સંભવ બનવા જઈ રહ્યું છે, નિષ્ણાંતોની દૃષ્ટિએ આની અસર એવી વ્યાપક થશે કે આગામી એક દાયકામાં મ્યુચ્યુઅલ ફંડનું કદ અનેકગણું મોટું થશે અને તેના નવા રોકાણકારોની સંખ્યા વધવા સાથે દેશમાં એક નવું સેવિંગ-ઈન્વેસ્ટમેન્ટ કલ્ચર વિસ્તરશે. આ ઉપરાંત સોશ્યલ ડોનેશન માટે પણ મ્યુચ્યુઅલ ફંડસની યોજનાઓનો ઉપયોગ કરી શકાશે એવો સમય બહુ દૂર નથી. મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપી સમાન પ્લાન કે યુનિટસ ગિફટ પણ આપી શકશે.

 

મલ્ટિપલ પોઝિટિવ અસર 

 

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને બચતકારોને નવી નકકર સુવિધા મળે એવો ઉદ્ેશ આની પાછળ હોવાનું જણાવતા એમએફ ડિસ્ટ્રિબ્યૂટર એજન્ટ વર્ગ કહે છે, આની મલ્ટિપલ પોઝિટિવ અસરો જોવા મળશે. આને વધુ એક સોશ્યલ સિક્યુરિટી સ્કિમ પણ કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો આ માર્ગે નવી કેટેગરી ઊભી થઈ શકે. ઘણાં કર્મચારીઓ પોતે કયાં બચત કે રોકાણ કરવા તેની યોગ્ય અથવા પર્યાપ્ત સમજણ ધરાવતા હોતા નથી,

 

કંપની તેમના વતી આવી સુવિધા ઓફર કરીને યોગ્ય રોકાણ કરી શકે, જેનો લાભ લાંબે ગાળે કર્મચારીઓને મળે. આ નિમિત્તે કર્મચારીઓનું ઓટો સેવિંગ થતું રહે, જેમ હાલમાં પીએફ માર્ગે થાય છે. અલબત્ત, આની સફળતાનો આધાર તેના અમલની કાર્યપદ્ધતિ-વિધિ કે પ્રક્રિયા પર રહેશે.  

 

આમ કરતી વખતે કમ્પલાયન્સના ધોરણોનું યોગ્ય પાલન થાય અને તેનો કોઈપણ રીતે મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિ માટે દુરુપયોગ ન થાય તેની કાળજી લેવાશે એવી ખાતરીનું આયોજન પણ ‘સેબી’ તરફથી થઈ રહ્યું છે. 

 

આ સુવિધા યા છૂટ કોને મળશે?

 

આનો સરળ અર્થ એ થશે કે માલિક તેના કર્મચારીઓ વતી મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણ કરી શકશે, જે માટેના નાણાં માલિક કર્મચારીઓના પગારમાંથી કાપી લેશે. જોકે આ સુવિધા હાલ માત્ર લિસ્ટેડ કંપનીઓ, ઈપીએફઓ (એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન)માં નોંધાયેલી કંપનીઓ-પેઢીઓ,એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી)ને ઉપલબ્ધ થશે. આ માટે કર્મચારીઓની તે વિકલ્પ કે વ્યવસ્થાને સ્વીકારવાની તૈયારી જોઈશે, અલબત્ત, આ રોકાણ કર્મચારીના પોતાના નામે જમા થશે. સ્કિમની પસંદગી કરવાનો વિકલ્પ પણ કર્મચારી પાસે રહેશે. 

 

સામાજિક ઉદ્દેશ માટે ફંડનો ઉપયોગ

 

અહીં એક રસપ્રદ પ્રસ્તાવ એ પણ છે કે રોકાણકાર સામાજિક હેતુસર કોઈ ડોનેશન કે ફાળો આપવા માગતા હશે તો પણ તેના એમએફ સ્કિમના વળતર અથવા ભરણાની આંશિક રકમ મારફત કરી શકશે. અહીં નોંધપાત્ર એ છે કે રોકાણકાર આ માધ્યમથી સુપાત્ર સંસ્થાઓને પોતાનું દાન પહોંચાડી શકશે. 

 

આ ઉપરાંત ‘સેબી’ એ એક સવલત એવી પણ વિચારી છે કે સોશ્યલ સ્ટોક એકસચેંજ પર લિસ્ટેડ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં ઝીરો કુપન ઝીરો પ્રિન્સિપાલ સાધન મારફત ફાળો આપી શકાશે. આનાથી રોકાણકારોને પારદર્શક અને મજબૂત ઓર્ગેનાઈઝેશન મળશે અને સોશ્યલ સ્ટોક એકસચેંજને પણ પ્રોત્સાહન મળશે. જો આ પ્રસ્તાવનો અમલ સફળ રહ્યો અને નવા નિયમ હેઠળ ફંડના એસઆઈપી સેલેરી કલ્ચરનો ભાગ બન્યા તો ભારતના ઈન્વેસ્ટમેન્ટ કલ્ચરમાં આગામી બે થી ત્રણ દાયકામાં ધરખમ પરિવર્તન જોવા મળશે. 

 

આને પગલે જે મલ્ટીપલ સકારાત્મક અસરો થવાની શકયતા છે તેમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને નવી યોજનાઓ લાવવાનો અવસર મળશે. એજન્ટોની સંખ્યા અને બિઝનેસ પણ વધી શકે. 

 

હરીફાઈ વધશે, બહેતર કામ કરીને સારું વળતર આપવાની સ્પર્ધાને પગલે રોકાણકાર વર્ગને લાભ થશે અને ઓવરઓલ ફંડ ઉદ્યોગ નવી ઊંચાઈ તરફ આગળ વધી શકશે.