- પ્રફુલ શાહ
કોક્રોચની શક્તિ કથા આગળ જાણીએ. કદમાં નાના હોવા છતાં કોક્રોચ ખાસ તો અમેરિકન- પોતાના શરીરના વજન કરતાં લગભગ 50 ગણો વધુ બાઇટ ફોર્સ પેદા કરી શકે છે. આ રીતે તેમની જડબાની શક્તિ માનવીની તુલનામાં લગભગ અનેક ગણી વધુ શક્તિશાળી હોય છે. આના પ્રતાપે તેઓ લાકડાં જેવી અત્યંત કઠોર અને રેશેદાર વસ્તુઓને પણ ચાવી શકે છે. એક અભ્યાસ મુજબ કોક્રોચ ધીમા સંકોચનવાળા સ્નાયુ તંતુઓને લાકડાં જેવી કઠોર સામગ્રી ચાવતી વખતે ઉપયોગમાં લે છે. આમાં વારંવાર અને જોરદાર કાપ મારવાની જરૂર પડે છે જેથી તેઓ પોતાના શરીરના વજન કરતાં 50 ગણો વધુ બાઇટ ફોર્સ પેદા કરી શકે. આ છે વંદાની હાડકાં તોડી નાખે તેવી કાપવાની અગાધ શક્તિ. આની કલ્પના સુધ્ધાં આપણામાંથી મોટાભાગનાને નહિ હોય.
વંદાનું બાહ્ય કંકાલ કલ્પી ન શકાય એટલું લવચીક હોય છે. આ લવચીકતા એટલે ફલેક્સિબિલિટી. કોઈપણ વસ્તુનો કે પરિસ્થિતિનો એવો ગુણધર્મ, જે સહેલાઈથી તૂટ્યા વિના વળી શકે, બદલાઈ શકે અથવા અનુકૂલન સાધી શકે. તે વ્યક્તિ કે પદાર્થને બદલાતા સંજોગોમાં સહેલાઈથી ઢળવાની ક્ષમતા આપે છે. લવચીક કંકાલ હોવા સાથે તે એકબીજા પર ચઢેલી પ્લેટોથી બનેલું હોય છે.
આ વિશિષ્ટતા તેમને પોતાના શરીરને દબાવીને પોતાની ઊંચાઈના ચોથા ભાગ જેટલી નાની તિરાડમાં ઘૂસવાની ક્ષમતા આપે છે. તે સાથે જ તેમને અદ્ભુત દબાણ સહન કરવાની શક્તિ પણ આપે છે. માનવું મુશ્કેલ છે પણ એના કારણે તેઓ શરીરના વજન કરતાં 900 ( હા, નવસો) ગણો ભાર સહન કરે છે અને તેમ છતાં ઇજા થતી નથી. કેવું અવિનાશી બાહ્ય કંકાલ છે ને?
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ઝૂલોજી વિભાગના ટોમ વાઇહમેન આ બાબત સમજાવે છે. જંતુઓ ઘણા પર્યાવરણોમાં પ્રભુત્વ ધરાવે છે, તેથી આ જંતુઓ તેમના મેન્ડિબલ્સ (મુખ્યત્વે નીચલા જડબાના હાડકાં અથવા જીવજંતુઓના મુખના ભાગો. વંદા, કીડી, મધમાખી અને અન્ય જંતુઓમાં મેન્ડિબલ્સ એ મોંની બંને બાજુએ આવેલા સખત, ચીપિયા જેવા બે નાના અંગો છે, જેનો ઉપયોગ ખોરાક પકડવા, કાપવા કે ચાવવા માટે થાય છે) દ્વારા કેટલી શક્તિ લગાવી શકે છે તે સમજવું વર્તન અને પર્યાવરણીય પ્રક્રિયાઓને વધુ સારી રીતે સમજવા તથા બાયોઇન્સ્પાયર્ડ એન્જિનિયરિંગને સક્ષમ બનાવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
વાઇહમેન આગળ નોંધે છે, ઘણા ભૂસ્થળીય પર્યાવરણોમાં જંતુઓનો મહત્ત્વપૂર્ણ ખોરાકનો સ્રોત છે અને છોડ તથા પ્રાણીઓના વિઘટનમાં પણ મહત્ત્વપૂર્ણ છે. આ રીતે તેઓ પદાર્થચક્ર અને પર્યાવરણીય સંતુલન માટે વંદા જેવા જીવો અગત્યના છે.
કોક્રોચ જેવા જંતુઓના મોઢાના ભાગો અલગ હોય છે. તેમની પાસે મજબૂત, આડાં ગોઠવાયેલા છરી જેવા જડબા અથવા મેન્ડિબલ્સ હોય છે. મેન્ડિબલ્સ જંતુઓના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે: ખોરાક ચીરવા ઉપરાંત ખોદકામ, વહન, રક્ષણ અને સંતાનોને ખવડાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
આ તો થઈ જૈવિક અને ટેક્નિકલ વિગતો. પણ ભારતમાં કોક્રોચની 191 પ્રજાતિઓ છે. તાજેતરના ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પ્રકાશન મુજબ ભારતમાં દેખાતી કોક્રોેચની 191 પ્રજાતિઓમાંથી 119 પ્રજાતિઓ (કુલ પ્રજાતિઓમાંથી 60%થી વધુ) તો ભારત માટે સ્થાનિક ગણાય છે.
ભારતની છુપાયેલી કોક્રોચ વૈવિધ્યતા અગાઉની માન્યતા કરતાં ઘણી વધારે વિશ્વભરમાં કોક્રોચની અંદાજે 5000 પ્રજાતિઓ છે અને ભારતનો વિશ્વના કુલ કોક્રોચ વૈવિધ્યમાં આશરે 3.8% હિસ્સો છે.
નિષ્ણાતોના આભિપ્રાય મુજબ ‘પૃથ્વીના સૌથી જૂના અને સૌથી વૈવિધ્યસભર જીવાત જૂથોમાંના એક તરીકે, કોક્રોચ કુદરતી પર્યાવરણ જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ સજીવ પદાર્થોના વિઘટન અને જંગલના ખોરાક જાળને સમર્થન
આપે છે.
ઉપરાંત, આ જંગલી પ્રજાતિઓ પર્યાવરણીય અવરોધો પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોવાથી, પર્યાવરણની તંદુરસ્તીના મહત્ત્વપૂર્ણ સૂચક તરીકે કાર્ય કરે છે’.
કેટલાકને ભલે વંદાનો ડર લાગે કે એને જોઈને ચિતરી ચડે. એમને એક હકીકત સમજીને ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે ગંદા હૈ પર વંદા હૈ.
હા, વંદાઓ પરના અભ્યાસ પરથી દુનિયાના અતીતના ઘણા પડળ ખુલશે. એટલું જ નહિ, કદાચ સૃષ્ટિના સર્વનાશ બાદ પણ ટકી રહેનારા વંદા માનવ ઉત્ક્રાંતિના સાક્ષી બની રહેશે.
(સંપૂર્ણ)