(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગોરેગામ-મુુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અંતર્ગત સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન નીચેથી સાડા પાંચ કિલોમીટર લંબાઈની ટ્વિન ટનલ તૈયાર કરવામાં આવવાની છે. આ ટનલના પ્રસ્તાવને મંજૂરી આપવા માટે મૂકવામાં આવેલી શરત મુજબ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન પ્રશાસનને પ્રોજેક્ટના કુલ ખર્ચની એક ટકા રકમ આપવી પડવાની છે. એટલે કે પાલિકા પ્રશાસનને ૨૦ કરોડ રૂપિયા તેમને ચૂકવવા પડશે.
પાલિકાએ ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું હોઈ આ રોડમાં ફિલ્મસિટીમાં ગોરેગામથી અમરનગર મુલુંડ દરમ્યાન આવતા સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન નીચેથી ૫.૩૦ કિલોમીટર લંબાઈની ટ્વિન ટનલ તૈયાર કરવામાં આવવાની છે. તો ફિલ્મસીટી પરિસરમાં ૧.૩૨ કિલોમીટર લંબાઈની પેટી ટનલ અને તેનો અપ્રોચ રોડનો સમાવેશ થાય છે.
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનું કામ ૨૦૨૩થી શરૂ થયું હોઈ ઑક્ટોબર ૨૦૨૮માં કામ પૂર્ણ થવાનું અપેક્ષિત છે. ટનલના પ્રસ્તાવને મંજૂરી આપતા સમયે નેશનલ વાઈલ્ડલાઈફ ફેડરેશને અમુક શરત રાખી હતી, જેમાં પ્રોજેક્ટના એક ટકા રકમ સંજય ગાંધી ઉદ્યાનને આપવી પડવાની છે. પ્રોજેક્ટનો ૨૦૧૭માં ખર્ચ ૧,૯૯૭ હતો, તેમાં એક ટકા રકમ એટલે કે ૨૦ કરોડ રૂપિયા પાલિકાને આપવા પડવાના છે.