પાલિકાની સામાન્ય સભામાં અભય યોજનાને મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ૨૫,૦૦૦ જેટલા ગેરકાયદે રહેણાક મિલકતમાં રહેલા ૧૨ લાખથી પણ મુંબઈગરાને મુંબઈ મહાનગરપાલિકાએ રાહત આપી છે. ઓક્યુપેશન સર્ટિફિકેટ નહીં ધરાવતી રહેણાંક બિલ્ડિંગ, સ્કૂલ અને હૉસ્પિટલને ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) આપવા માટેની અભય યોજનાના પ્રસ્તાવને મુંબઈ મહાનગરપાલિકા સભાગૃહમાં મંગળવારે બહુમતીએ મંજૂરી આપવામાં આવી છે. જોકે ઓસી ફક્ત ૧૭ નવેમ્બર, ૨૦૧૬ના રોજ અથવા તેના પહેલાની મિલકતોને જ આપવાની મંજૂરી આપવામાં આવી છે.
જુલાઈમાં પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાયેલ ઓસી એમ્નેસ્ટી સ્કીમને મંગળવારે સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવી હતી, જેને મોડી રાત્રે સામાન્ય સભાએ ઓસી મંજૂર કર્યો હતો. સત્તાધારીએ દાવો કર્યો હતો કે આ સ્કીમનો હેતુ ફ્લેટ માલિકો દ્વારા કબજામાં લેવાયેલી પરંતુ ઓસી નહીં ધરાવતી ઇમારતોને નિયમિત કરવાનો છે. જોકે વિરોધ પક્ષે આ પ્રસ્તાવને લઈને ચેતવણી આપી હતી કે આ પગલાંથી ઓસી મેળવવામાં નિષ્ફળ રહેલા ડેવલપર્સને ફાયદો થઈ શકે છે.
આ પૉલિસી બાબતે સત્તાધારીના નગરસેવકે પણ સવાલ કર્યો હતો કે ઓસી મેળવ્યા વિના પહેલાથી જ ગાયબ થઈ ગયેલા ડેવલપર્સ પાસેથી ફ્લેટ માલિકો ઓસી કેવી રીતે મેળવશે? શિવસેના (યુબીટી)ના નગરસેવકે કહ્યું હતું કે આ જે બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમ બેસાડેલી નથી તેવી ઈમારતોને પણ ઓસી આપવામાં આવશે એ બાબતે પૉલિસીમાં કોઈ ચોખવટ કરવામાં આવી નથી. મનસેના નગરસેવકે નિયમના ઉલ્લંઘન માટે જવાબદાર ડેવલપર્સ અને આર્કિટેક્ટ્સ પર લાદવામાં આવનાર દંડ અંગે સ્પષ્ટતા માંગી હતી.
શિવસેના યુબીટીના નગરસેવિકા વિશાખા રાઉતે આરોપ લગાવ્યો હતો કે આ નીતિ મુખ્યત્વે બિલ્ડરોને લાભ આપવા માટે બનાવવામાં આવી છે, નહીં કે મુશ્કેલીમાં મુકાયેલા ફ્લેટ માલિકો માટે. ગૃહના નેતા ગણેશ ખાનકરે વિરોધપક્ષનો ભય દૂર કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે ઓસી આપતી વખતે ફાયર સેફટીના નિયમોનું અને અનધિકૃત બાંધકામ સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કમર્શિયલ ઇમારતોને માફી યોજનામાં સમાવવા માટે એક પૉલિસી બનાવવામાં આવી રહી છે. આ વર્ષે એપ્રિલમાં માફી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. તે પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગે રાજ્યની તમામ રહેણાક ઇમારતોને ઓસી આપવાની પૉલિસી મંજૂર કરી હતી. આ એમેન્ટી સ્કીમનો વિચાર સૌપ્રથમ ૨૦૧૮માં રજૂ કરવામાં આવ્યો હતો. આગામી થોડા અઠવાડિયામાં વોર્ડ ઑફિસો દ્વારા આ પ્રસ્તાવને ઔપચારિક રીતે અમલમાં મૂકવામાં આવશે.
પ્રસ્તાવમાં શું છે
પાલિકાના આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે ઓસીનો લાભ ૮૦ ચોરસ ફૂટના કાર્પેટ એરિયા ધરાવતી મિલકતોને પણ આપવામાં આવશે. મુંબઈમાં ૨૫,૦૦૦ જેટલી મિલકતો આ દાયરામાં આવશે. મુંબઈ ગેરકાયદેસર ઘરો માફી યોજનાથી ૧૨ લાખ મુંબઈકરોને ફાયદો થશે આ યોજનામાં રેગ્યુલેશન ફી, પેનલ્ટી અને ઍપ્લિકેશન કોસ્ટ સહિત વિવિધ ચાર્જ પર ૫૦ ટકા છૂટનો પણ પ્રસ્તાવ છે. હાલમાં રહેણાક ઈમારતો, હૉસ્પિટલો અને સ્કૂલ ઈમારતોને આ યોજનામાં સમાવી લેવામાં આવશે.
ઓસી વગરની બિલ્ડિંગની સમસ્યા
ઉલ્લેખનીય છે કે ઓસી નહીં ધરાવતી બિલ્ડિંગના રહેવાસીઓ ગેરકાયદે અતિક્રમણ કરનારા તરીકે ઓળખાઈ શકે છે. વધુમાં ઓસી વગરની બિલ્ડિંગનું રજિસ્ટ્રેશન કરી શકાતું નથી અને જ્યારે માલિક પોતાનું ઘર વેચવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. ઓસી વગરની ઈમારતોને બૅન્કો લોન આપવા જલદી તૈયાર થતી નથી, તેમ જ આવી ઈમારતોને પાણી અને સ્યુએજ સર્વિસ માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. મુંબઈ મહાનગરપાલિકા આવી ઈમારતો પાસેથી પાણી અને અન્ય સેવાઓ માટે વધુ ચાર્જ કરે છે, તેમ જ આવી મિલકત પર પ્રોપર્ટી ટૅક્સ પણ સામાન્ય દર કરતાં વધુ હોય છે.