જૂઈ પાર્થ
કવિતાબહેન રોજ સવારે સોસાયટીના ગાર્ડનમાં ચાલવા જાય. આ એમનો છેલ્લાં દસ વર્ષનો નિયમ. દસ વર્ષ પહેલાં કવિતાબહેન આ સોસાયટીમાં નવા રહેવા આવ્યા હતા. કોઈને ઓળખતા નહોતા. તેમ છતાં સામે જે મળે એમની સાથે કંઈ જ વાત કર્યા વિના માત્ર સરસ મજાનું સ્મિત આપે. શરૂઆતમાં લોકોને થોડું અજુગતું લાગતું, પરંતુ ધીમે ધીમે લોકો પણ સામેથી કવિતાબહેનને સ્મિત આપવા લાગ્યા. આમ આ રીતે કવિતાબહેનની આખી સોસાયટીની સવાર સ્મિત સાથે પડતી. સોસાયટીમાં બધા કવિતાબહેનની વાત કરે કે કવિતાબહેનનો સ્વભાવ એટલે એકદમ સરસ, જ્યારે જુઓ ત્યારે મોઢા પર સ્માઇલ જ હોય! કવિતાબહેનના શુકન જોઈને બહાર નીકળીએ તો કામ થઈ જ જાય.
અરે એમની પાસે કોઈ સમસ્યા લઈને જઈએ તો એમનો હસતો ચહેરો જોઈ જાણે આપોઆપ ઉકેલ મળી જતો હોય એવું લાગે. કંઈક તો છે કવિતાબહેનમાં જે એમને સામાન્ય સ્ત્રીઓ કરતાં અલગ તારવે છે.
નાનપણથી કવિતાબહેનની મમ્મી એમને સુંદર સ્મિત સાથે જગાડતી. લગ્ન થયા પછી સાસરામાં પોતે જાતે ઉઠવાનું, તો સ્મિત ક્યાંથી લાવવું? માટે એમણે નિર્ણય કર્યો કે રોજ સવારે ઊઠીને અરીસામાં જોઈ પોતાની જાતને સ્મિત આપીને પછી જ રૂમની બહાર નીકળવાનું. અને પછી ઘરના બધા સભ્યોને સ્મિત સાથે ‘જય શ્રીકૃષ્ણ-ગુડ મૉર્નિંગ’ કહેવાનું. આ રીતે એમણે પોતે સવારની શરૂઆત સ્મિત સાથે કરવાની ચાલુ કરી ત્યારથી આજ સુધી એ જ નિયમથી ચાલે છે. અને કદાચ એમની સ્મિત આપવાની આદત જ એમને સામાન્ય સ્ત્રીઓથી જુદાં પાડે છે.
સ્મિત જેટલું નાજુક છે એટલું જ શક્તિશાળી પણ છે. એની કિંમત જરાય ઓછી અંકાય એવી નથી. સ્માઇલને નકારાત્મકતાને હરાવનારું શક્તિશાળી શસ્ત્ર પણ કહેવામાં આવ્યું છે. જીવન જીવવાનાં સોનેરી સૂત્રો આપનારા વિચારક લેખક ડેલ કાર્નેગી કહે છે કે સ્મિત તમારી સદ્ભાવનાનો સંદેશ છે... તમારુંં એક સ્મિત એને જોનારના જીવનમાં પણ ઉજાસ પાથરી શકે છે. સ્માઇલ કરતા ચહેરાની કિંમત કદાચ ત્યારે વધારે સમજાય જ્યારે આપણી આસપાસ ઉદાસ, ગુસ્સાવાળા, ફ્રસ્ટ્રેટેડ ચહેરા જ દેખાય. આધુનિક જીવનશૈલીમાં લોકો જે રીતે સતત ચિંતા, અસલામતી, ભવિષ્યનો ભય, નોકરીમાં હરીફાઈ, સંબંધોમાં સંઘર્ષ વગેરેની વચ્ચે અટવાયેલા રહે છે. આવા સમયમાં જો સામે એક વ્યક્તિ ઉદારતાથી સ્માઇલ કરતી જોવા મળે તો કદાચ એ ક્ષણે મનમાં ચાલતા બધા સંઘર્ષ ભૂલી જવાય.
જો બધાને સ્મિત ગમતું હોય તો કોઈ આપતું કેમ નથી? જે આપણે નથી કરતા એની બીજા પાસેથી અપેક્ષા રાખી શકાય ખરી? શું એવું નક્કી ના કરી શકાય કે સામેવાળી વ્યક્તિ મને સ્માઇલ આપે કે ના આપે, હું સ્માઇલ આપીશ? અજાણ્યા લોકોની સામે સ્માઇલ કરીએ તો શક્ય છે કે એમનો દિવસ વધુ સારો જાય. કોઈની દુભાયેલી લાગણીઓને સ્મિત જોઈ શાતા મળે. સ્માઇલ એટલે કે સ્મિત પર ઘણાં બધાં સંશોધનો થયાં છે. સંશોધન અનુસાર સ્મિત આપવાના માનસિક, શારીરિક અને સામાજિક ફાયદા ઘણા છે. માનસિક સ્તરે સ્મિત કરવાથી મૂડ સારો થાય છે. સ્માઇલથી મગજનાં સારાં રસાયણો જેવાં કે ડોપામાઇન, સિરોટોનિન અને એન્ડોર્ફિન ઉત્પન્ન થાય જે આનંદ સાથે સંકળાયેલાં છે. સાથે સ્માઇલ કરવાથી ચિંતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. હસતા લોકો કોઈ પણ પ્રકાની વેદના- મુશ્કેલીમાંથી પણ જલદી બહાર આવી શકે છે.
શારીરિક ફાયદા જોઈએ તો સ્માઇલના કારણે હાર્ટરેટ તથા બ્લડપ્રેશર સામાન્ય થવામાં મદદરૂપ થાય છે. સામાજિક દૃષ્ટિએ જોઈએ તો આપણા ચહેરા પર સ્મિત હોય તો લોકો સહેલાઈથી સામેથી વાત કરવા આવે છે. સંબંધો મજબૂત બનાવે છે, કારણકે સ્મિત થકી અરસપરસ વિશ્વાસ ઊભો થાય છે અને વાતચીત સરળ બને છે. જો એક વ્યક્તિ સ્માઇલ આપે તો સામેવાળી વ્યક્તિ આપોઆપ વળતું સ્મિત કરે છે જેનાથી સકારાત્મક સામાજિક વાતાવરણ ઊભું થાય છે. આ ઉપરાંત સ્મિતના કારણે કોઈ પણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ વધે છે, જેમકે ઑફિસમાં પ્રેઝન્ટેશન કે કોઈ ઇન્ટરવ્યુ. આમ સ્મિત કરવાના તેમ જ એનો ચેપ લગાડવાના ફાયદા અનેક છે. એક વાત - આ વાક્ય હંમેશાં યાદ રાખો : ‘બે વ્યક્તિ વચ્ચેનું સૌથી ટૂંકુ અંતર સ્મિત છે!’
બોલો, તમે શું કહો છો?