Wed Aug 19 2026

Logo

માંજલપુર બેઠક ભાજપે જાળવી પણ લીડ એક લાખથી ઘટીને 30 હજાર પર આવી ગઈ

2026-08-03 14:47:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર સતીષ પટેલ બેઠક તો જાળવી રાખી હતી પરંતુ લીડ એક લાખથી ઘટીને 30 હજાર પર આવી ગઈ હતી.

20 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતીષ પટેલને 55 હજારથી વધુ મત અને કૉંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24 હજારથી વધુ મત મળ્યા હતા. જ્યારે નોટાને 2200થી વધુ મત મળ્યા હતા. ભાજપના સતિષ પટેલનો 30 હજારથી વધુ મતથી જીત થઈ હતી. જીત સાથે તેમણે બેઠક જાળવી રાખી હતી પણ મતની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો. 30 જુલાઈએ યોજાયેલા મતદાન દરમિયાન આશરે 37.05 ટકા જેટલું જ મતદાન થયું હતું.

હાર બાદ કૉંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ શું કહ્યું?

પરિણામો જાહેર થયા બાદ ભાજપના ઉમેદવાર સતિષ પટેલે કહ્યું હતું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભાજપ અને સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, પ્રચાર દરમિયાન કૉંગ્રેસને મળતા સારા પ્રતિસાદથી ડરીને ભાજપે આખા સરકારી પ્રશાસનનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના ધારાસભ્યોએ અહીં જામવડો કર્યો હતો. ભાજપે જીતવા માટે પાણીની જેમ પૈસા અને દારૂ વહેવડાવ્યા હતા. તેમજ કૉંગ્રેસના કાર્યકરો પર હુમલા કરાવ્યા અને મતદારોને ધમકાવ્યા હતા, જેના કારણે ઘણા લોકો મતદાન કરવા જઈ શક્યા નહોતા. આ ઉપરાંત તેમણે કહ્યું, પરિણામ ગમે તે આવ્યું હોય, તેઓ જનતાના નિર્ણયને માન આપે છે અને ભવિષ્યમાં પણ લોકોની સેવામાં સતત હાજર રહેશે.

2022માં શું હતી સ્થિતિ

2022ની વિધાનસભા ચૂંટણીમાં માંજલપુર બેઠક પરથી ભાજપના યોગેશ પટેલનો ભવ્ય વિજય થયો હતો. તેમણે કૉંગ્રેસના ઉમેદવારને એક તરફી હાર આપી હતી. કૉંગ્રેસ સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. 2022ની ચૂંટણીમાં કુલ 2,63,602 નોંધાયેલા મતદારોમાંથી માત્ર 1,58,548 લોકોએ જ મતદાન કર્યું હતું, જેના કારણે મતદાનની ટકાવારી ઘટીને 60.15% પર આવી ગઈ હતી.

યોગેશ પટેલે કુલ મતના 77.43% એટલે કે  1,20, 133 મત મેળવીને રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી. કૉંગ્રેસના ડૉ. તશ્વીન સિંહને માત્ર 19,379 મત (12.49%) મળ્યા હતા, જે કૉંગ્રેસનો અત્યાર સુધીનો સૌથી ઓછો મતહિસ્સો હતો. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની હાર-જીતનું અંતર  64.94 ટકાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી AAPના વિનય સુભાષ ચૌહાણને 11,021 મત મેળવીને ત્રીજા સ્થાને રહ્યા હતા. 2022માં ભાજપ સિવાયના તમામ 7 ઉમેદવારો નિયમ મુજબ કુલ મતના છઠ્ઠા ભાગ જેટલા મત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે તે તમામની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.