Sat Sep 05 2026

Logo

ભાવનગર જિલ્લો બન્યો સિંહનું નવું સરનામું : એક દાયકામાં સાવજની વસ્તી ૩૭થી વધીને ૧૧૬ થઈ

2026-08-10 19:11:48
Author: Pooja Shah
ભાવનગર જિલ્લો બન્યો સિંહનું નવું સરનામું : એક દાયકામાં સાવજની વસ્તી ૩૭થી વધીને ૧૧૬ થઈ

ભાવનગરઃ ગુજરાતમાં એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગીર વિસ્તાર છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોએ ગીરની બહારના વિસ્તારોમાં પણ પોતાનું કાયમી રહેઠાણ ઊભું કર્યું છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં સિંહોની સતત વધતી હાજરીના કારણે જિલ્લો સાવજ માટે નવા રહેઠાણ તરીકે વિકસ્યો છે.ભાવનગર જિલ્લામાં સિંહોના આગમનનો ઇતિહાસ જોઈએ તો વર્ષ ૧૯૯૮માં જેસરના રાણીગાળા વિસ્તારમાંથી જિલ્લામાં સિંહના પ્રવેશની શરૂઆત થઈ હોવાનું જાણવા મળે છે.

છેલ્લા ૨૭ વર્ષ દરમિયાન ભાવનગર જિલ્લામાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. એક દશકા અગાઉ જિલ્લામાં સિંહોની સંખ્યા માત્ર ૩૭ જેટલી હતી, જે હવે વધીને ૧૧૬ સુધી પહોંચી ગઈ છે. આમ, માત્ર એક દશકામાં સિંહોની સંખ્યામાં ત્રણ ગણાથી પણ વધુ વધારો નોંધાતા ભાવનગર જિલ્લો સિંહોના નવા રહેઠાણ તરીકે મહત્વપૂર્ણ બની રહ્યો છે.૧૬મી સિંહ ગણતરીના આંકડા મુજબ ભાવનગર જિલ્લામાં કુલ ૧૧૬ સિંહ નોંધાયા છે.

જેમાં ૩૦ પુખ્ત નર સિંહ, ૪૪ પુખ્ત સિંહણ, ૯ કિશોર સિંહ, ૧૦ કિશોર સિંહણ તથા ૨૩ સિંહ બાળનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે ભાવનગર જિલ્લામાં માત્ર પુખ્ત સિંહોની જ હાજરી નથી, પરંતુ સિંહણો દ્વારા બચ્ચાંને જન્મ આપવામાં આવી રહ્યો હોવાથી અહીં સિંહોની વસ્તીનું કુદરતી રીતે વિસ્તરણ થઈ રહ્યું છે.  ગુજરાતના ગીર વિસ્તારમાં વર્ષ ૨૦૨૬ની ગણતરી મુજબ ૮૯૧ સિંહ છે. જોકે સિંહોની વસ્તી વધતા માનવ-વન્યજીવો વચ્ચેના સંઘર્ષના કિસ્સા બનતા રહે છે. સિંહો અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષ ન સર્જાય તથા સિંહોના રહેઠાણ અને કુદરતી જીવનચક્રને નુકસાન ન થાય તે માટે સહિયારા પ્રયાસોની જરૂર છે, તેમ નિષ્ણાતો જણાવે છે.