અમદાવાદઃ ગુજરાતમાં ફરી રોડ અકસ્માતની ઘટના બની હતી, જેમાં ત્રણ જમે જીવ ખોયા હતા. મળતી વિગતો અનુસાર આ અક્સમાત ભરૂચના નબીપુર-ઝનોર માર્ગ પર મોપેડ એક્ટિવા અને બાઈક વચ્ચે થયો હતો. બે ટુ-વ્હીલર અથડાતા ત્રણ જણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
નબીપુર-ઝનોર રોડ પર પુરઝડપે જઈ રહેલાં વાહનો વચ્ચે મોટો ધડાકો થયો હતો, જેમાં ઝનોર ગામનાં સતીશ વસાવા અને તેમના પત્ની જ્યોત્સનાબેન વસાવાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, સામેના વાહનના ચાલક ઝઘડિયાના રાહુલ વસાવાનું પણ ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું.
અકસ્માતની જાણ થતાં જ નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે બંને ગામમાં તહેવારોના દિવસોમાં ગમગીની છવાઈ ગઈ હતી.