- રમેશ પુરોહિત
બશીર બદ્ર
કોઈ ફૂલ ધૂપ કી પત્તિયોં મેં
હરે રિબન સે બઁધા હુઆ
વો ગઝલ કા લહજા નયા-નયા
ન કહા હુઆ ન સુના હુઆ
ભારતની ઉર્દૂ શાયરીમાં જેનું નામ સર્વોત્તમ છે એવા બશીર બદ્રના ઉપરના શેરમાં એમણે પોતે જ પોતાની ગઝલની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે એ ગઝલનો લહેજો નવો છે જે તમે ક્યારેય સાંભળ્યો નથી કે કોઈએ હજુ સુધી કહ્યો પણ નથી. બશીરસાહેબના જવાથી ઉર્દૂ તહેઝીબ અને ઉર્દૂ ગઝલનો એક યુગ પૂરો થયો છે. તાજેતરમાં તેમનું 91 વર્ષની વયે ભોપાલ ખાતે અવસાન થયું અને ન પુરાય એવી ખોટ ઉર્દૂ સાહિત્યને પડી. એ છેલ્લે વિસ્મૃતિની અવસ્થામાં દોઢેક દાયકો રહ્યા જાણે કે મનમાં ને મનમાં ઈશ્કે-હકીકીની શાયરીઓ રચી રહ્યા હતા.
સમકાલીન ઉર્દૂ શાયરીમાં બશીર બદ્ર એક એવા ઝગમગતા નક્ષત્રનું નામ છે જેમણે ગઝલને આત્મસાત્ કરીને તેને એક નવી દીપ્તિ અને આભા આપી છે.
ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહેને દો
ન જાને કિસ ગલી મેં ઝિન્દગી કી શામ હો જાએ
જેવા અનેક અમર શેરના સર્જક બશીર બદ્ર પોતાની નિજી- આગવી- શૈલી અને જબાનની સાદગીને લીધે ઉર્દૂ- હિન્દી જગતમાં બેહદ લોકપ્રિય અને સમ્માનિત હતા.
પ્રેમ જેવા શાશ્ર્વત વિષયને પોતાની ગઝલનો પ્રાણ બનાવનાર બશીરસાહેબ પ્રેમ ઉપરાંત પોતાના જમાનાની સામાજિક, રાજનીતિક અને સાહિત્યિક ગતિવિધિઓ પ્રત્યે સજાગ હતા. સામાજિક વિરોધાભાસે જ્યારે જ્યારે એમને ઠેસ પહોંચાડી ત્યારે ત્યારે પ્રેમ સિવાયની બીજી અનુભૂતિઓને પોતાના શેરોમાં ગોઠવી દીધી છે અને તેને કાવ્યનું સ્વરૂપ આપ્યું છે જેમ કે:
લોગ ટૂટ જાતે હૈ એક ઘર બનાને મેં
તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં
બશીર બદ્ર એક એવી જ્યોતિનું સરનામું હતું કે ધિક્કારની આંધિમય વાતાવરણમાં પ્રેમ અને મોહબ્બતનો ચિરાગ જલાવીને બેઠા હતા. આ કાંઈ સહેલું કામ નથી. એમણે પ્રગટાવેલા ચિરાગે અંધેરી રાહમાં રોશની ફેલાવવાનું કામ કર્યું અને એવા ઘણાંયે માણસો છે જેને ખબર નથી કે આ તેજસ્વી મશાલનો માલિક બશીર બદ્ર છે. એકવાર એક પ્રશંસકે બશીરસાહેબને પૂછયું કે ‘ઉજાલે અપની યાદો કે... આ શેર કોનો છે? જવાબ બેજવાબ છે. ‘તમે પણ ક્યારેક આવા શેર કહો તો સારું લાગે.’
ઉર્દૂ ગઝલના ચાહકો ઘણાં છે, કોઈ એકને દશ શેર યાદ હોય તો તેમાંથી પાંચ શેર યકીનન બશીરસાહેબના જ હશે. આવી લોકપ્રિયતા સદીયોમાં ક્યારેય જ કોઈ કોઈને મળતી હોય છે. ભાષાની સાદગી અને રવાની જોવા જેવી છે. જુઓ આ શેર:
કુછ તો મજબૂરિયાં રહી હોગી
યૂં કોઈ બેવફા નહીં હોતા
કિસી કી રાહ મેં દહેલીજ પે દિયા ન રખો
કિવાડ સુખી હુઈ લકડિયોં કે હોતે હૈં
ઉર્દૂ ગઝલના મુશાયરાઓમાં જનારા અને સોશ્યલ મીડિયા પર સાંભળનારા શ્રોતાઓ અને વાચકોને બશીર બદ્રની ઓળખાણ આપવાની ન હોય પરંતુ સામાન્ય રીતે વાત કરવી હોય તો કહી શકાય કે તેઓ ઉર્દૂ ગઝલના અતિ લોકપ્રિય અને આધુનિક શાયર તરીકે જાણીતા છે. તેમની શાયરીમાં પ્રેમ, વિયોગ, માનવતા, એકાંત, યાદો અને જીવનની સૂક્ષ્મ લાગણીઓ અત્યંત સરળ ભાષામાં વ્યક્ત થાય છે. તેઓએ પરંપરાગત ઉર્દૂ ગઝલને આધુનિક સંવેદનાઓ સાથે જોડીને નવી ઓળખ આપી હતી.
બશીર બદ્રનો જન્મ 15 ફેબ્રુઆરી 1935ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક થયો હતો. તેમનું મૂળ નામ સૈયદ મહંમદ બશીર હતું. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિ.માંથી બી.એ., એમ.એ. અને પીએચડી કર્યું હતું. ત્યાર પછી તેઓ ત્યાં જ ઉર્દૂ ભાષાના પ્રાધ્યાપક તરીકે સેવા આપી અને પછી મેરઠ કૉલેજમાં ઉર્દૂ વિભાગના વડા તરીકે પણ કાર્ય કર્યું હતું.
ઈ.સ. 1987ના મેરઠ રમખાણોમાં તેમનું ઘર અને ઘણી હસ્તપ્રતો આગમાં નાશ પામી હતી. આ દુ:ખદ ઘટનાએ તેમના જીવન અને કાવ્ય પર ઊંડો પ્રભાવ પાડ્યો. બાદમાં તેઓ ઉત્તર પ્રદેશ છોડીને ભોપાલમાં સ્થાયી થયા હતા.
એમના સાહિત્યિક પ્રદાનની વાત કરીએ તો અનેક ગઝલસંગ્રહો અને વિવેવચનાત્મક પુસ્તકો મળ્યાં છે. તેમની રચનાઓમાં સરળતા સાથે ઊંડાણ બંને જોવા મળે છે. મુખ્ય કૃત્તિઓ આ પ્રમાણે છે:
1 આહત
2 આમદ
3 ઈકાઈ
4 ઉજાલે અપની યાદોં કે
5 મુસાફિર
6 કુલ્લિયાત-એ-બશીર બદ્ર
7 ઉજાલોં કી પરિયાં
આ ઉપરાંત વિવેચનના ઘણાં પુસ્તકો છે. એમની શાયરીની વિશેષતાઓ જોઈએ તો એની ભાષા સરળ છે. એમની ગઝલ સામાન્ય વાચકને તરત સ્પર્શે છે. ભારે ફારસી શબ્દોની જગ્યાએ સરળ બોલચાલની ભાષાનો ઉપયોગ તેમણે કર્યો છે.
બશીરની શાયરીમાં માનવીય લાગણીઓનું સુંદર ચિત્રણ છે. પ્રેમ, એકલતા, વિરહ અને પ્રિયજનની યાદોને એમણે અત્યંત અસરકારક રીતે વ્યક્ત કર્યાં છે. જેમ કે :
તુઝે ભૂલ જાને કી કોશિશે કભી
કામયાબ ન હો સકીં
તિરી યાદ શાખે- ગુલાબ હૈ,
જો હવા ચલી તો લચક ગઈ
તેરે હાથ સે મેરે હોંઠ તક વહી
ઈન્તિજાર કી પ્યાસ હૈ
મેરે નામ કી જો શરાબ થી,
કહી રાસ્તે મેં છલક ગઈ
કભી હમ મિલે તો ક્યા મિલે,
વહી દૂરિયાં વહી ફાસિલે
ન કભી હમારે કદમ બઢે, ન કભી તુમ્હારી ઝિઝક ગઈ
મેરી દાસ્તાં કા ઉરજુ થા તેરી નર્મ પલકોં કી છાંવ મેં
મેરે સાથ થા તુજે જાગના તેરી આંખ કૈસે ઝપક ગઈ
બશીરસાહેબ આધુનિક ઉર્દૂ ગઝલના આગેવાન કવિ છે. એમણે પરંપરાગત ગઝલને આધુનિક સંવેદનાઓ આપી. તેઓ ‘નવી ગઝલ’ આંદોલનના મહત્ત્વના શાયર ગણાય છે.
એમણે ક્યારેય રાવ-ફરિયાદ નથી કરી. ધીરજથી બધી જ સ્થિતિઓનો સામનો કર્યો હતો. માનવતા અને સહિષ્ણુતા એમની વિશેષતા કહી શકાય. મેરઠ રમખાણોમાં બધું ગુમાવ્યા છતાં તેમની શાયરીમાં દ્વેષ જોવા મળતો નથી.
ભારત- પાકિસ્તાના યુદ્ધ પછી સીમલામાં મંત્રણા થઈ ત્યારે ઈન્દિરા ગાંધીએ બશીરસાહેબના શેરને ટાંકયો હતો એ વાત અવિસ્મરણીય છે. શેર છે:
દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે
જબ કભી હમ દોસ્ત હો જાએં તો શર્મિદા ન હોં
એમણે ઉર્દૂ ગઝલને માત્ર સાહિત્યિક ઊંચાઈ જ નથી આપી, પરંતુ તેને સામાન્ય માણસના હૈયે અને હોડે ચઢાવી છે. તેમની ગઝલોમાં કળાત્મકતા અને લોકપ્રિયતા બંનેનું અદ્ભુત સંમિશ્રણ જોવા મળે છે. આમ તેમની શાયરીમાં સંવેદનાની ઊંડાઈ, ભાષાની સરળતા, લય અને લહેજો, મૌસિકી- સંગીતાત્મકતા, માનવીય મૂલ્યો અને આધુનિક જીવનની વ્યથા છે.
મહત્ત્વની ખૂબી છે શબ્દોની અને અર્થની અસરકારકતા. આજના યુગના સૌથી વધુ વંચાતા અને ઉદ્ધુત થતા ઉર્દૂ શાયરોમાં તેઓ અગ્રગણ્ય છે. એમના યશસ્વી પ્રદાનમાંથી થોડુંક આચમન કરીને અંજલી આપીએ:
કભી યૂંભી આ મિરી આંખો મેં, કે મિરી નઝર કો ખબર ન હો
મુઝે એક રાત નવાઝ દે, મગર ઉસકે બાદ સહર ન હો
વો બડા રહીમો- કરીમ હૈ, મુઝે યે સિફત ભીઅતા કરે
તુઝે ભૂલને કી દુઆ કરું, તો મેરી દુઆં મેં અસર ન હો
મેરે પાસ મેરે હબીબ આ ઝરા ઔર દિલ સે કરીબ આ,
તુઝે ધડકનોં મેં બસા લૂં મૈં કિ બિછડને કા કોઈ ડર ન હો
***
બારિશ છત પે ખુલી જગહો પે હોતી હોગી
ગમ તો સાવન હૈં જો ઈન કમરોં કે અંદર બરસે
કોઈ બાદલ હો તો થમ જાએ, મગર અશ્ક મેરે
એક રફ્તાર સે દિન રાત બરાબર બરસે
***
અગર તલાશ કરું, કોઈ મિલ હી જાએગા,
મગર તુમ્હારી તરહ, મુઝ કો કૌન ચાહેગા.
તુમ્હેં જરૂર કોઈ ચાહતોં સે દેખેગા,
મગર વો આંખે હમારી, કહાં સે લાયેગા
તુમ્હારે સાથ યે મૌસમ, ફરિશ્તોં જૈસા હૈ,
તુમ્હારે બાદ યે મૌસમ, બહુત સતાયેગા
***
હમ ભી દરિયા હૈં, હમેં અપના
હુનર માલૂમ હૈ
જિસ તરફ ભી ચલ પડેંગે,
રાસ્તા, હો જાયેગા.
મૈં ખુદા કા નામ લેકર પી રહા હૂં દોસ્તોં
ઝહર ભી ઉસમેં અગર હોગા,
દવા હો જાયેગા
***
ઔર જામ ટૂટેંગે ઈસ શરાબખાને મેં
મૌસમોં કે આને મેં મૌસમોં કે જાને મેં.
***