અકોલા: જમીનના ઝઘડામાં એક વ્યક્તિએ ઘર પર વારંવાર ગાડી ચઢાવી દેતાં ૭૦ વર્ષના એક વૃદ્ધાનું મોત અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના નાગપુરથી ૨૫૦ કિમીથી વધુ દૂર આવેલા બાર્શિતળકી તાલુકાના જામવાસુ ગામમાં શુક્રવારે સવારે લગભગ ૮.૩૦ વાગ્યે બની હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતક વૃદ્ધાની ઓળખ સોનીબાઈ જાદવ (૭૦) તરીકે થઈ છે.
જાદવ પરિવાર ૧૦ સપ્ટેમ્બરના રોજ 'પોળા' ઉત્સવ નિમિત્તે ભેગો થયો હતો, ત્યારે તેમના અને પડોશમાં રહેતા આરોપી બાબન ઘુગે (૪૨)ના પરિવાર વચ્ચે જમીનને લઈને સામાન્ય બાબતમાં વિવાદ થયો હતો. બંને પરિવારો બાર્શિતળકી પોલીસ સ્ટેશને પણ ગયા હતા.
બીજી સવારે, જ્યારે સોનીબાઈ જાદવ અને તેમના પરિવારના સભ્યો ઘરમાં હતા, ત્યારે બાબન ઘુગેએ પોતાની બોલેરો પિક-અપ વાન સોનીબાઈના ઘર પર ઓછામાં ઓછી ચાર વખત ચઢાવી દીધી હતી.
અધિકારીએ જણાવ્યું કે, ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું અકોલાની એક ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પરિવારના અન્ય બે સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. આરોપી બાબન ઘુગે (૪૨) ને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની અકોલા જિલ્લા સામાન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.