Sun Jun 21 2026

Logo

બાંગ્લાદેશની ચૂંટણી : એના પ્રોક્સી વોરમાં ભારતે કઈ રીતે પાકિસ્તાનને પછાડ્યું...?

2026-02-15 10:12:00
Author: Mumbaisamachar Team
Article Image

 

સતત 15 વર્ષના એકધારા શાસન પછી શેખ હસીના સામે જુલાઈ- ઓગસ્ટ -2024ના બળવામાં એમણે સત્તા ગુમાવી. એ બળવા બાદ અરાજકતામાં ધકેલાયેલા બાંગ્લાદેશમાં સંસદની ચૂંટણી પણ થઈ ગઈ અને બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP)ના તારીક રહેમાનના વડપણ હેઠળ નવી સરકાર પણ રચાઈ ગઈ. આ સત્તાપલટા પછી કેવા પડશે એના ભારત પર પ્રત્યાઘાત? 

કવર સ્ટોરી - વિજય વ્યાસ

તારિક રહેમાન 

‘જમાત’ની હારથી હિંદુઓને  રાહત ને ફફડાટ બંને... 

બાંગ્લાદેશનાં ચૂંટણી પરિણામોથી હિંદુઓને એક તરફ રાહત થઈ છે તો બીજી તરફ ફફડાટ વધ્યો પણ છે. રાહત એ વાતની છે કે કટ્ટરવાદી ‘જમાત-એ-ઈસ્લામી’ સત્તામાં નથી આવી. શેખ હસીના સામેના બળવા પછી જમાતે હિંદુઓનું જીવવું હરામ કરી નાખ્યું હતું. 
ઉપરાછાપરી હુમલા અને હત્યાઓના કારણે હિંદુઓ ત્રસ્ત હતા ને બાંગ્લાદેશ છોડીને ભાગી રહ્યા હતા. જમાત સત્તામાં આવી ગઈ હોત તો આ હુમલા વધી ગયા હોત તેથી હિંદુઓએ BNP   ને મત આપીને તેને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

હવે હિંદુઓમાં ફફડાટ છે કે, જમાતની હારમાં નિમિત્ત બન્યા તેથી ઉશ્કેરાયેલા કટ્ટરવાદીઓ હુમલા વધારી દેશે. આ ડરના કારણે હિંદુ સંગઠનોએ હિંદુઓને હમણાં થોડા દિવસો લગી ટોળાં બનાવીને સાથે રહેવા અને ઘરોમાં જ  રહેવાની સૂચના આપી છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા અને હત્યા કરાયેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પુત્ર રહેમાન 18 વર્ષના દેશનિકાલ પછી લગભગ પોણા બે મહિના પહેલાં જ બાંગ્લાદેશ પાછા ફરેલા અને 9 જાન્યુઆરીએ જ  BNP ના ચેરમેન નિમાયા.

જો કે તારિક રહેમાને ટૂંકા ગાળામાં જ ઉગ્ર પ્રચાર કરીને પોતાના પક્ષ અને તેના સાથી પક્ષોને ભવ્ય જીત અપાવી છે. બાંગ્લાદેશની સંસદની 299 બેઠકોમાંથી BNP અને તેના સાથી પક્ષોને 212 બેઠકો મળી છે, જ્યારે તેના હરીફ ‘જમાત-એ-ઇસ્લામી’ અને તેના સાથી પક્ષોને માત્ર 70 બેઠકો મળી છે. લગભગ બે દાયકા પછી સત્તામાં પાછી ફરેલી BNP એ શેખ હસીનાની ‘અવામી લીગ’ની ગેરહાજરીમાં થયેલી ચૂંટણીમાં કટ્ટરવાદી ‘જમાત-એ-ઈસ્લામી’ને કારમી પછડાટ આપીને સોપો પાડી દીધો છે.
‘બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’ (BNP) છેલ્લાં 18 વર્ષથી સત્તાની બહાર હતી એ જોતાં આ પક્ષે ભવ્ય પુનરાગમન કર્યું છે. 

બળવાને કારણે શેખ હસીના ભાગીને ભારત આવી ગયાં પછી બાંગ્લાદેશની મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ‘અવામી લીગ’ અને તેની વિદ્યાર્થી પાંખ સહિતનાં સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો તેથી આ ચૂંટણી શેખ હસીનાની ‘અવામી લીગ’ની ગેરહાજરીમાં લડાઈ હતી.

BNPને તેનો ભરપૂર ફાયદો મળ્યો છે કેમ કે યુનુસની વચગાળાની સરકાર કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા હિંદુઓ સહિતની લઘુમતીઓ પરના હુમલા અને અત્યાચારોને રોકવામાં નિષ્ફળ ગઈ હતી. તેના કારણે પરંપરાગત રીતે શેખ હસીનાની ‘અવામી લીગ’ને મત આપતા હિંદુ મતદારોએ BNPને મત આપ્યા. અવામી લીગના સમર્થકોએ પણ  BNP ને મત આપ્યા, કેમ કે જમાત સત્તામાં આવે તો અવામી લીગને સાવ સાફ કરી નાખે તેની તેમને ખબર છે.

આમ જુવો તો BNP અને અવામી લીગ રાજકીય હરીફ છે, પણ BNP લોકશાહીમાં માને છે. તારીક રહેમાનનાં માતા બેગમ ખાલિદા ઝિયાએ તો બાંગ્લાદેશમાં લોકશાહીની પુનર્સ્થાપના માટે સરમુખત્યાર જનરલ ઈરશાદ સામે જોરદાર જંગ ખેલ્યો હતો તેથી તેમના દીકરા પર ભરોસો મૂકી શકાય. બીજી તરફ ‘જમાત-એ-ઈસ્લામી’ કટ્ટરવાદી પાર્ટી છે અને બાંગ્લાદેશને મુસ્લિમ રાષ્ટ્ર બનાવી દેવાની વાતો કરે છે તેથી જમાત સત્તામાં ના આવે એ માટે અવામી લીગના સમર્થકોએ પૂરી તાકાત લગાવી દીધી હતી. તારીકની પાર્ટીને તેનો ફાયદો મળ્યો છે.
બાંગ્લાદેશની ચૂંટણીનાં પરિણામો પાકિસ્તાન માટે જોરદાર તમાચા સમાન છે કેમ કે પાકિસ્તાનની આર્મી અને જાસૂસી સંસ્થા આઈએસઆઈની પાલતુ જમાતની ભૂંડી હાર થઈ છે. બાંગ્લાદેશની ચૂંટણીમાં ભારત અને પાકિસ્તાન પણ પડદા પાછળ લડતાં હતાં. આ જંગ કોઈને દેખાતો નહોતો, પણ બંને પૂરી તાકાત લગાવીને ઊતરી પડેલાં ને તેમાં ભારતની જીત થઈ છે. બંને દેશ વચ્ચે ત્રીજા જ દેશમાં લડાયી પ્રોક્સી વોરમાં ભારત ફરી એક વાર બળિયું સાબિત થયું છે. ‘જમાત-એ-ઈસ્લામી’ ને સત્તામાં બેસાડીને ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં બેઠાં બેઠાં બાંગ્લાદેશ પર રાજ કરવાના પાકિસ્તાનના મનસૂબા પર ભારતની વ્યૂહરચનાએ પાણી ફેરવી દીધું છે.

ભારત માટે શેખ હસીના ઘરનાં હતાં કેમ કે શેખ હસીનાના પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના આખા પરિવારને બાંગ્લાદેશમાં થયેલા 1975ના બળવામાં સાફ કરી દેવાયો ત્યારે ભારતે હસીનાને રાજ્યાશ્રય આપીને સાચવેલાં. હસીના આ અહેસાનને માથે ચડાવીને ભારતને વફાદાર રહ્યાં ને પાકિસ્તાન તથા તેના પાલતુઓને બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારત વિરુધ્ધ કરવાની કોઈ તક ના આપી. 

શેખ હસીનાના બે દાયકાના એકહથ્થુ શાસનમાં બાંગ્લાદેશમાંથી પાકિસ્તાન સાફ થઈ ગયું હતું. શેખ વીણી વીણીને પાકિસ્તાની પીઠ્ઠુઓને સાફ કરી નાખેલા ને જે બચી ગયેલા એ દરમાં છૂપાઈ ગયેલા.

શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું એટલે પાકિસ્તાનને ફરી બાંગ્લાદેશમાં પગપેસારો કરવાની તક મળી ગઈ હતી. મોકે પે ચોક્કા મારીને શાહબાઝ શરીફની સરકારે બાંગ્લાદેશ પર અઢળક હેત વરસાવવા માંડેલું. પાકિસ્તાન પોતે ભિખારી થઈ ગયું છે ને ચપણિયું લઈને આખી દુનિયામાં ભીખ માગતું ફરે છે, છતાં બાંગ્લાદેશને આર્થિક સહાય જાહેર કરી દીધેલી. કશું કર્યા વિના મળતા રૂપિયા કોને વહાલા ના લાગે? બાંગ્લાદેશની આર્મી અને મુહમ્મદ યુનુસને પણ વહાલા લાગતા હતા તેથી તેમણે જાજમ પાથરીને પાકિસ્તાનને આવકારેલું.
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સહકાર વધારવાના બહાને પાકિસ્તાન આર્મી તથા આઈએસઆઈના અધિકારીઓના આંટાફેરા પણ વધી ગયેલા. બાંગ્લાદેશના આર્મીને ટ્રેનિંગના બહાને પાકિસ્તાને બાંગ્લાદેશમાં ભારતની સરહદની નજીક લશ્કરી છાવણીઓ પણ ઊભી કરી દીધી હતી. પાકિસ્તાનની પાલતુ ‘જમાત-એ-ઈસ્લામી’ને જીતાડવા માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશની આર્મી તથા આઈએસઆઈ ત્રણેય કામે લાગી ગયેલાં, પણ ભારતના નેટવર્કને ના ભેદી શક્યાં.

એક વાત આપણે અહીં સમજી લેવી પડશે કે તારીક રહેમાનની પાર્ટી ભારત તરફી નથી પણ ભારતવિરોધી પણ નથી જ્યારે ‘જમાત’ તો હળાહળ ભારત વિરોધી-હિંદુ વિરોધી છે. આ સંજોગોમાં ભારત પાસે BNPની તરફેણ કર્યા વિના કોઈ વિકલ્પ નહોતો. ‘જમાત’ જીતીને પાકિસ્તાનને બાંગ્લાદેશમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે મોકળું મેદાન આપી દે તેના કરતાં બીએનપી કમ સે કમ પાકિસ્તાનને ખોળામાં તો નહીં જ બેસે તેની ભારતને ખબર છે તેથી ભારતે હોહા કર્યા વિના બાજી ગોઠવીને હિંદુ મતદારો અને શેખ હસીનાના સમર્થકોની મદદથી પાકિસ્તાનનો આખો  ગેમ પ્લાન ઊંધો વાળી દીધો.

આ બધા વચ્ચે તારીક અનવર સત્તા પર તો આવી ગયા પણ તેમના માટે સ્થિતિ બહુ કપરી છે. છેલ્લા લગભગ બે વર્ષથી રાજકીય અસ્થિરતામાં ધકેલાયેલા બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સાવ ખાડે ગઈ છે. કટ્ટરવાદી મુસ્લિમો ફાટીને ધુમાડે ગયા છે અને પાકિસ્તાની પીઠ્ઠુઓની ઘૂસણખોરી વધી છે. હસીનાની ગેરહાજરીમાં સત્તા પર હાવી થઈ ગયેલી બાંગ્લાદેશની આર્મીએ કટ્ટરવાદીઓની હિંસા સામે આંખ આડા કાન કર્યાં તેમાં હિંદુઓ સહિતના લઘુમતી સમુદાયનાં લોકો ડરેલાં છે. સતત ચાલતાં આંદોલનો અને હિંસાના કારણે આર્થિક પ્રવૃત્તિઓને પણ ફટકો પડ્યો છે. બાંગ્લાદેશનો ગારમેન્ટ ઉદ્યોગ બહુ મોટો છે અને ચીનને ટક્કર આપી રહ્યો હતો, પણ રાજકીય અસ્થિરતાના કારણે તેને પણ ફટકો પડ્યો છે. રોકાણકારો બાંગ્લાદેશમાં આવવા તૈયાર નથી કેમ કે સલામતી નથી. પાકિસ્તાનની ઘૂસણખોરીના કારણે બાંગ્લાદેશ આતંકવાદનો નવો અડ્ડો બની જશે એવો પણ ડર છે તેથી રોકાણકારો દૂર ભાગી રહ્યા છે.

તારીક રહેમાને આ બધા મોરચે લડવાનું છે. અમેરિકાએ બાંગ્લાદેશ સાથે કરેલા ટ્રેડ ડીલમાં બાંગ્લાદેશનો ગારમેન્ટ ઉદ્યોગ અમેરિકા પાસેથી કાચો માલ લઈને પ્રોસેસ કરીને પાછો અમેરિકાને આપશે એવી મહત્ત્વની જોગવાઈ છે. તેના કારણે બાંગ્લાદેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચડી જશે પણ એ માટે રહેમાને બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવી પડશે. ને એ માટે કટ્ટરવાદીઓને નાથવા પડશે, પાકિસ્તાનના પાલતુઓને સાફ કરવા પડશે.

આશા રાખીએ કે તારીક રહેમાન સફળ થાય કેમ કે રહેમાનની સફળતા ભારત માટે ફાયદાકારક જ પુરવાર થશે.