લાહોરઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ ઘણા મહિનાઓથી બૅટિંગમાં ફૉર્મ ગુમાવી બેઠો છે, પણ બિરયાની (Biryani) હંમેશની જેમ સ્વાદિષ્ટ બનાવી શકે છે અને એટલે જ તેણે શનિવારે ઇદ-ઉલ-ફિત્રના અવસરે ઘરમાં બિરયાની બનાવીને પરિવારજનોને ખવડાવી હતી.
31 વર્ષના બાબરે (Babar) બિરયાની ઉપરાંત સેવઇયાં અને શીર ખુરમા પણ બનાવ્યા હતા. તે ઘરમાં આ સ્પેશ્યલ ભોજન બનાવવામાં મશગૂલ હતો ત્યારનો વીડિયો તથા ફોટોગ્રાફ વાઇરલ થયા છે. સોશ્યલ મીડિયા પર ચાહકોએ બાબરના આ બાવર્ચી-લુકને તેમ જ ફૅમિલી માટે ભોજન બનાવવાના ઉત્સાહને વખાણ્યો હતો.
Babar Azam showcasing his cooking skills for Eid al-Fitr. ✨ pic.twitter.com/OhSqGri1ye
— Sheri. (@CallMeSheri1_) March 21, 2026
બાબર તાજેતરના ટી-20 વર્લ્ડ કપ વખતે પૂરો ફિટ નહોતો અને હવે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) માટે પણ પૂરો ફિટ ન હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર બાબર તેમ જ ફખર ઝમાન વર્લ્ડ કપ વખતે ઈજાગ્રસ્ત હતા છતાં રમ્યા હતા જેને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ટીકા થઈ રહી છે.
નૅશનલ સિલેક્ટર અકીબ જાવેદે તાજેતરમાં મિસબાહ-ઉલ-હક, સરફરાઝ અહમદ, અસદ શફીકની હાજરીમાં પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે બાબર આઝમ તથા ફખર ઝમાન વર્લ્ડ કપ પહેલાં ફિટ નહોતા જેની જાણ સિલેક્ટરોને ટૂર્નામેન્ટ પછી કરવામાં આવી હતી.