Tue Apr 21 2026

Logo

આયુષ મ્હાત્રે સાથે એક અઠવાડિયામાં બે `અન્યાય'

2026-04-21 18:22:45
Author: અજય મોતીવાલા
Article Image

PTI


દિલ્હી સામે અચાનક રિટાયર હર્ટ કરી દેવાયો અને હૈદરાબાદ સામે ઈજા છતાં રમવા મોકલવામાં આવ્યોઃ સીએસકેની ટીકા થઈ રહી છે

અજય મોતીવાલા

મુંબઈઃ ઝિમ્બાબ્વેના પાટનગર હરારેમાં છઠ્ઠી ફેબ્રુઆરીએ 18 વર્ષના આયુષ મ્હાત્રેની કૅપ્ટન્સીમાં ભારતની અન્ડર-19 ટીમે ઇંગ્લૅન્ડને ફાઇનલમાં 100 રનથી પરાજિત કરીને અન્ડર-19 વર્લ્ડ કપ જીતી લીધો હતો ત્યારે આયુષે કલ્પના પણ નહીં કરી હોય કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બીજી સીઝનમાં તેણે એક મૅચમાં ઇચ્છા ન હોવા છતાં રિટાયર આઉટ થઈ જવું પડશે અને અઠવાડિયા પછીની મૅચમાં પરાણે રમવા મોકલવાને પગલે ઈજાનો શિકાર થઈ જતાં ટૂર્નામેન્ટની જ બહાર થઈ જવું પડશે. વાત એવી છે કે આ અન્ડર-19 વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટનની બીજી આઇપીએલ સીઝન અધવચ્ચે જ ખોરવાઈ ગઈ છે અને તેણે છથી આઠ અઠવાડિયા માટે પથારીવશ થઈ જવું પડ્યું છે.

મૂળ મુંબઈ શહેરનો આયુષ મ્હાત્રે હૅમ્સ્ટ્રીન્ગ (સાથળ તથા ઘૂંટણના પાછળના ભાગમાં દુખાવો)ની ઈજાનો શિકાર થયો છે. પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર ક્િંગ્સ (સીએસકે)ની ટીમ આ વખતે છમાંથી ચાર મૅચ હારી છે અને એના વતી 177.87ના સ્ટ્રાઇક-રેટ સાથે સૌથી વધુ 201 રન કરનાર આયુષ હવે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે. સીએસકેને તો મોટો ઝટકો લાગ્યો જ છે, આયુષની કારકિર્દીને પણ વિપરીત અસર થઈ રહી છે, કારણકે 18મી એપ્રિલે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં તેને પગમાં ગંભીર ઈજા હતી એમ છતાં તેને રમવાની ફરજ પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિને આયુષની ઈજા બાબતમાં સીએસકેના વલણની સખત ટીકા કરી છે.

સીએસકે આયુષને 75 લાખ રૂપિયા આપે છે

સીએસકે તરફથી આયુષ મ્હાત્રેને આઇપીએલ (IPL)ની એક સીઝન રમવાના 75 લાખ રૂપિયા મળે છે. આ તેની બીજી સીઝન હતી. કોઈ પણ ખેલાડી ટૂર્નામેન્ટમાં જેટલી મૅચ રમે અને જેટલી મૅચ રમવા માટે ઉપલબ્ધ હોય એટલી મૅચોના જ તેને પૈસા મળતા હોય છે. તે ઉપલબ્ધ ન હોય એટલી મૅચના પૈસા તેને નથી અપાતા. આયુષ આ વખતે છ મૅચ રમ્યો છે એટલે તેને બાકીની મૅચોના પૈસા નહીં મળે એવું માનીને ચાલીએ તો આયુષ (Ayush)ને ઈજા હોવા છતાં હૈદરાબાદ સામેની 18મી એપ્રિલની મૅચમાં તેણે રમવું પડ્યું અને તેની ઈજા વકરી જતાં હવે તે આખી સીઝનની બહાર થઈ ગયો તો શું સીએસકે (CSK) તેને બાકીની મૅચોના પણ પૈસા આપશે? એવી ચર્ચા ક્રિકેટપ્રેમીઓમાં થઈ રહી છે.

આયુષ અસહ્ય દુખાવા છતાં 29 મિનિટ રમ્યો

હૈદરાબાદ સામેની 18મી એપ્રિલની મૅચમાં સીએસકેનો માત્ર 10 રનથી પરાજય થયો હતો. 195 રનના લક્ષ્યાંક સામે સીએસકેની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 184 રન કરી શકી હતી અને એમાં મૅથ્યૂ શૉર્ટના 34 રન પછી સેકન્ડ-હાઇએસ્ટ રન આયુષના હતા જે તેણે માત્ર 13 બૉલમાં એક સિક્સર અને પાંચ ફોરની મદદથી કર્યા હતા. મુખ્ય વાત એ છે કે તે પગના અસહ્ય દુખાવા છતાં 29 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને ચેન્નઈને જિતાડવા 100 ટકા ક્ષમતાથી પ્રયત્ન કર્યો હતો.

ઘૂંટણમાં પાટા બંધાવેલા, અશ્વિને સીએસકે પર ગુસ્સો કાઢ્યો

આયુષ ઘૂંટણ પર પાટા બંધાવીને રમવા આવ્યો હતો. તે રમી જ નહોતો શકતો. પગમાં દુખાવાની સીધી અસર તેના ચહેરા પર અને બૉડી-લૅન્ગવેજ પરથી જણાતી હતી. ફિઝિયોથેરપિસ્ટ એકથી વધુ વખત તેની સારવાર માટે મેદાન પર દોડી આવ્યા હતા. તે હૈદરાબાદના નીતીશ રેડ્ડીના બૉલમાં ક્લાસેનના હાથમાં કૅચઆઉટ થઈને પાછો આવી ગયો, પણ તેની ઈજા વિશેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અશ્વિને પોતાની યુટ્યૂબ ચૅનલ પર જણાવ્યું, `આયુષના પગના સ્નાયુઓ માત્ર ખેંચાઈ નહોતા ગયા, તેના પગમાં ગંભીર ઈજા જણાતી હતી. ફિઝિયો એક કરતાં વધુ વખત તેની મદદે દોડી આવ્યા એના પરથી જ ખ્યાલ આવી જવો જોઈતો હતો કે તેને રિટાયર હર્ટ તરીકે પાછો બોલાવી લેવાની જરૂર હતી. આઇપીએલ જેવી ટોચની પ્રોફેશનલ ઇવેન્ટમાં ખેલાડીની શારીરિક સલામતી અગ્રસ્થાને હોવી જોઈએ.'

સારું રમ્યો છતાં રિટાયર આઉટ કરી દેવાયો!

અશ્વિનના મતે ચેન્નઈની ટીમમાં ઈજાગ્રસ્ત ખેલાડી સાથેના અભિગમની બાબતમાં બધુ ઠીક નથી, કારણકે તેના મતે અગાઉ દીપક ચાહર સાથે પણ આવું જ વલણ અપનાવાયું હતું. 11મી એપ્રિલે ચેન્નઈમાં આયુષ મ્હાત્રે સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો એ બદલ પણ સીએસકેના ટીમ મૅનેજમેન્ટની ટીકા થઈ છે. સીએસકે ત્યારે દિલ્હી સામેની એ મૅચ ઓપનર સંજુ સૅમસન (115 અણનમ)ની સેન્ચુરી બદલ જીતી ગયું હતું. સીએસકેના 2/212ના જવાબમાં દિલ્હીએ 189 રન કર્યા હતા અને સીએસકેનો 23 રનથી વિજય થયો હતો. એ જીતમાં આયુષ (59 રિટાયર્ડ આઉટ)નું પણ મોટું યોગદાન હતું. ત્યારે આયુષ ત્યારે 36 બૉલમાં ચાર સિક્સર અને ત્રણ ફોરની મદદથી બનાવેલા 59 રને સારું રમી રહ્યો હતો એમ છતાં તેને ઇનિંગ્સની છેલ્લી ક્ષણોમાં પાછા આવી જવા કહેવામાં આવ્યું હતું. તે ઝડપથી રન બનાવી રહ્યો હતો. તેણે સૅમસન સાથે બીજી વિકેટ માટે માત્ર 67 બૉલમાં 113 રનની ભાગીદારી કરી હતી. ઊલટાનું, સૅમસન ધીમું રમતો હતો એટલે તેને સદી બાદ રિટાયર આઉટ કરવાની જરૂર હતી, પરંતુ આયુષને બૅટિંગ છોડીને પાછા આવી જવા કહેવામાં આવ્યું હતું. ત્યારે આયુષ આઇપીએલ-2026નો પ્રથમ `રિટાયર્ડ આઉટ' ખેલાડી બન્યો હતો.