જયપુરઃ કોંગ્રેસના મોટા નેતા સમયાંતરે એવા નિવેદન કરે છે જેના કારણે પ્રાદેશિક રાજકારણમાં એકાએક ગરમાવો આવી જાય છે. એ પછી ચૂંટણીનો સમય હોય કે અન્ય કોઈ. જૂની વાતને નવા મુદ્દામાં રજૂ કરીને પક્ષની એવી વાત કરે છે જેમાં નેતાની ઈચ્છાશક્તિ સ્પષ્ટ વર્તાતી હોય. આવું ચિત્ર ઉપસ્યું જ્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મોટાનેતા અશોક ગેહલોતે અધ્યક્ષ બનવા પર પોતાની વાત મૂકી. અશોક ગેહલોતને ફરી એકવાર પોતાનો જૂનો મુદ્દો ઊઠાવીને ચર્ચાને જન્મ આપી દીધો છે. વાત એ સમયની છે જ્યારે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બનતા બનતા રહી ગયા હતા.
તૈયારી પૂરી હતી, પણ છેલ્લી ઘડીએ બાજી પલટાઈ!
તેમના નામનો નિર્ણય પણ થઈ ગયો હતો બસ એલાન થવાનું બાકી હતું પણ આ ક્ષણ આવે એ પહેલા જ ખેલ ખેલાઈ ગયો અને કોઈ ચોક્કસ યોજનાને કારણે પરિણામ પલટી ગયું. એવું એમનું કહેવું છે. થોડા વર્ષો પહેલા કોંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી માટેની વાતને વેગ મળ્યો હતો, એ સમયે અનેક એવા નામ ચર્ચામાં હતા પણ સૌથી વધારે રેસમાં જે નામ હતું એ રાજસ્થાનના કોંગ્રેસના કદાવર નેતા અશોક ગેહલોતનું હતું. સોનિયા ગાંધી અને પક્ષના હાઈકમાન્ડ ગણાતા નેતાઓએ અશોક ગેહલોત પર પસંદગી ઊતારી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અશોક ગેહલોત ફાઈનલ થઈ ચૂક્યા હતા. ગેહલોતે પણ આ પદ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.તેઓ મનોમન ગૌરવ અનુભવતા.

સુપરવાઈઝરની એન્ટ્રી થઈ અને પરિણામ બદલાયું
પણ જેવી રાજસ્થાનમાં સુપરવાઈઝરની ટીમ ઊતરી ત્યારે પરિણામ પલટી ગયું. આ સુપરવાઈઝરની ટીમને રાજસ્થાનની સ્થિતિ અંગે નિરિક્ષણ કરવાના આદેશ હતા. આ પછી રાજકીય સમીકરણ રાતોરાત બદલી ગયા. ગેહલોતે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ એક ચોક્કસ યોજના હતી, જેના કારણે અધ્યક્ષ બની શકાયું નહીં. પછી સમગ્ર દેશમાં વાત એવી ફેલાઈ ગઈ કે, અશોક ગેહલોતે અધ્યક્ષ પદ માટે નકારો કર્યો છે. પણ હકીકત કંઈક અલગ હતી. આ પાછળનું કારણ એવું દર્શાવાયું કે, તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે પદ છોડવા નથી માગતા. લોકોને એવું લાગ્યું કે, ગેહલોતની આ પોતાની પસંદ હોઈ શકે છે જ્યારે હકીકત એવી હતી કે, અધ્યક્ષ તરીકે બિરાજમાન થવાની ઈચ્છા ગેહલોતની પણ હતી.
મેં કોઈ પીછેહઠ કરી નહોતી
પક્ષના કેટલાક લોકો અને પદાધિકારીઓએ પણ આ વાત સ્વીકારી લીધી હતી. ચોક્કસ સમયગાળા બાદ ગેહલોતે સ્પષ્ટતા કરી હતી કે, આ વાત ખોટી હતી. એ સમયે અને અત્યારે પણ. હું એ સમયે પણ અધ્યક્ષ બનવા માટે તૈયાર હતો. મેં કોઈ રીતે આ પદ માટે પીછેહટ કરી જ ન હતી.
આ કોઈ યોજનાને કારણે પોલિટિકલ ઈમેજને નુકસાન થયું અને સમગ્ર દેશમાં ખોટી ધારણાએ આકાર લઈ લીધો. હું કોઈ અભણ કે પ્રદેશની રાજનીતિથી અજાણ્યો નેતા નથી. કોંગ્રેસમાં અધ્યક્ષ પદ હંમેશા એક સન્માનનું પદ છે. અધ્યક્ષ બનવા માટે કોઈએક ચોક્કસ પરિવારમાંથી હોવું કે કોઈ ચોક્કસ પૃષ્ઠભૂમિના હોવું એ જરૂરી નથી. સોનિયા ગાંધી અને અન્ય પક્ષના પદાધિકારીઓએ અધ્યક્ષ તરીકે મારા નામ પર પસંદગી ઊતારી હતી.એ વિકટ સ્થિતિમાં હું જવાદારી માટે પણ તૈયાર હતો.

નામ લીધા વગર કોના તરફ ઈશારો?
પણ કેટલીક ઘટના એવી બની જેનાથી રાજકીય ચિત્ર પાયાથી બદલી ગયું. આ સમગ્ર કેસની હકીકત ઘણા ઓછા લોકો જાણે છે. હવે જે ધારણા બની છે એને દૂર કરવી સરળ નથી. હવે ચોક્કસ સમય બાદ એમના આ નિવેદનથી કોંગ્રેસમાં જ ફરી ચર્ચાનો પવન ફૂંકાયો છે. માત્ર રાજસ્થાન કોંગ્રેસ જ નહીં દિલ્હી કોંગ્રેસ સુધી એમની આ વાતની નોંધ લેવાય એવું લાગી રહ્યું છે.
કોંગ્રેસના પીઢ અને અનુભવી નેતા તરીકે અશોક ગેહલોતની ગણના થાય છે. વાત એ સમયની છે જ્યારે સચીન પાયલટનું નામ મુખ્યમંત્રીની રેસમાં રહ્યું હતું. આ વાત પરથી એ વાત નક્કી થઈ કે, ગેહલોત અને પાયલટ વચ્ચેનો આંતરિક કલહ આખરે સપાટી પર આવી ગયો છે. ગેહલોતે એવી પણ વાત કરી કે, જો હું હાઈકમાન્ડની વિરોધમાં હોત તો મુખ્યમંત્રી તરીકે એ મને શા માટે રાખે? આરોપ લગાવનારા સમજ્યા વગર જ કહે છે પણ તેમણે દરેક મુદ્દાને પહેલા સમજવા જોઈએ.