Mon Jun 01 2026

Logo

‘મને રોકવાનો એક જ રસ્તો છે, મારી હત્યા કરી દો’ ક્લીનચીટ મળ્યા બાદ ગરજ્યા કેજરીવાલ

2026-02-27 19:52:56
Author: Savan Zalaria
Article Image

દિલ્હી: એક સ્પેશિયલ કોર્ટે કથિત લિકર પોલિસી કૌભાંડ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને રાહત આપી છે. કોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા છે. આજે સાંજે કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી, જેમાં તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર પ્રહાર કર્યા હતાં.

કોર્ટના ચુકાદાની ઉજવણી કરવા આજે કેજરીવાલના નિવાસસ્થાનથી આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલય સુધી રોડ શો કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં AAP કાર્યકર્તા હાજર રહ્યા હતાં. AAPનાં કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો. તેમણે કહ્યું કે AAP વિરુદ્ધ એક મોટું કાવતરું રચવામાં આવ્યું છે. 

‘મોદીએ માફી માંગવી જોઈએ’

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે તેમણે ખ્યાલ આવી ગયો કે તેઓ દિલ્હી ચૂંટણીમાં AAPને હરાવી નહીં શકે, ત્યારે તેમણે આ કાવતરું રચ્યું હતું. કોર્ટે લગભગ 600 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે કેસ ચલાવવા માટે પણ પૂરતા પુરાવા નથી. આજે, વડાપ્રધાન મોદી અને અમિત શાહે સમગ્ર રાષ્ટ્રની માફી માંગવી જોઈએ.

ભાજપને પડકાર:

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે વડાપ્રધાન મોદીને પડકાર ફેંકતા કહ્યું, "હું મોદીને પડકાર ફેંકું છું કે દિલ્હીમાં ફરીવાર ચૂંટણી કરાવવામાં આવે, હું ખાતરી સાથે કહું છું કે ભાજપ 10 થી વધુ બેઠકો જીતે, તો હું રાજકારણ છોડી દઈશ. મને રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે મારી હત્યા કરવામાં આવે."

દિલ્હી સરકારને વખોડી:

કેજરીવાલે દિલ્હીની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, "આજે દિલ્હીની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. અમે દિલ્હીમાં 5,000 શાળાઓ બનાવી, આ સરકાર 500 શાળાઓ બનાવીને બતાવે. આજે દિલ્હીના રસ્તાઓની હાલત ખરાબ છે, દરેક જગ્યાએ ખાડા પડેલા છે. મેં દિલ્હી માટે જેટલું કામ કર્યું ફક્ત તેટલું કામ કરીને બતાવો, બાદમાં તમારે ચૂંટણી જીતવા માટે કેજરીવાલને જેલમાં નાખવાની જરૂર નહીં પડે."


કોંગ્રેસને આડે હાથે લીધી:

ભાજપ સાથે સાથે કેજરીવાલે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા કેજરીવાલે કહ્યું, "કેજરીવાલ જેલ ગયા,  શું રોબર્ટ વાડ્રા જેલ ગયા? સંજય સિંહ જેલ ગયા, શું રાહુલ ગાંધી જેલ ગયા? મનીષ સિસોદિયા જેલ ગયા, શું સોનિયા ગાંધી જેલ ગયા? કોંગ્રેસીઓ આટલા ઘમંડ સાથે કેવી રીતે બોલી શકે? તેમને શરમ આવવી જોઈએ?"