Sun Sep 13 2026

Logo

અમૃતસર-જામનગર એક્સપ્રેસવે બન્યો 'ડેથ-વે'! લોકસભામાં રજૂ થયા ચોંકાવનારા આંકડા

2026-08-06 17:07:00
Author: Devayat Khatana
અમૃતસર-જામનગર એક્સપ્રેસવે બન્યો 'ડેથ-વે'! લોકસભામાં રજૂ થયા ચોંકાવનારા આંકડા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ/નવી દિલ્હી:
દેશના વિવિધ એક્સપ્રેસવે પર અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર છેલ્લા ત્રણ વર્ષોમાં અકસ્માતો અને મૃત્યુઆંક સતત વધ્યો હોવાની માહિતી લોકસભામાં રજૂ કરવામાં આવી છે.
 
લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ દેશના એક્સપ્રેસવે પર અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર છેલ્લા કેટલાક વર્ષોમાં અકસ્માતો અને મૃત્યુઆંક સતત વધ્યા છે. 

ઇ-ડીએઆર પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, વર્ષ 2023માં આ હાઇવે પર 41 અકસ્માતોમાં 30 લોકોના મોત અને 50 લોકો ઘાયલ થયા હતા. વર્ષ 2024માં 53 અકસ્માતોમાં 55 મોત અને 42 ઇજાગ્રસ્ત નોંધાયા હતા. જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને 97 અકસ્માતોનો થયો હતો, જેમાં 99 લોકોના મોત અને 90 લોકો ઘાયલ થયા હતા. ચાલુ વર્ષે 31 જુલાઈ 2026  સુધીમાં 57 અકસ્માતો નોંધાયા છે, જેમાં 67  લોકોએ જીવ ગુમાવ્યા છે અને 82 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ હાઇવે પર અકસ્માતો રોકવા અને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર સુરક્ષા અને બચાવ કામગીરી માટે 32 એમ્બ્યુલન્સ, 32 ક્રેન અને 32 રૂટ પેટ્રોલિંગ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત, ટ્રાફિક અને ઘટનાઓ પર નજર રાખવા માટે 752 પીટીઝેડ કેમેરા, 610 એએનપીઆર કેમેરા, 155 રડાર અને 238 વીડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ પણ લગાવવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.