Fri May 01 2026

Logo

ઈરાન પર હુમલા બાદ અમેરિકા બેકફૂટ પર, ડોનાલ્ડ ટ્રમ્પ શોધી રહ્યા છે સમાધાનનો માર્ગ

Washington   2026-03-10 16:19:36
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કર્યાનો આજે 11 મો દિવસ છે. જોકે, 10 દિવસના યુદ્ધ બાદ ઈરાન ઝુકવાનું નામ નથી લઈ રહ્યું. તેમજ ઇઝરાયલ અને આસપાસના દેશો પર સતત હુમલા કરી રહ્યું છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલાના 10 દિવસ બાદ હવે સમાધાનનો રસ્તો શોધી રહ્યા છે. ટ્રમ્પના સલાહકારોએ પણ કહ્યું છે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો અમેરિકાને પણ નુકસાન થશે. તેથી સમાધાનનો રસ્તો અપનાવવો જરૂરી છે. 

ટ્રમ્પે પણ જણાવ્યું છે કે યુદ્ધ ઝડપથી સમાપ્ત થશે

આ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે યુદ્ધ ઝડપથી સમાપ્ત થશે.ટ્રમ્પના સલાહકારોએ કહ્યું છે કે અમેરિકાને હાલમાં ઈરાન યુદ્ધથી કોઈ આર્થિક કે લશ્કરી લાભ મળે તેવું લાગતું નથી. તેમજ યુદ્ધ વધુ વધવાથી રિપબ્લિકન મતદારો ગુસ્સે થઈ શકે છે. જે આ વર્ષના અંતમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

અમેરિકાનો ઉદ્દેશ ઈરાનમાં બળવો કરાવવાનો  હતો

અમેરિકાનો ઉદ્દેશ યુદ્ધની શરૂઆતમાં  ઈરાનમાં બળવો કરાવવાનો  હતો. તેમજ અમેરિકાએ યુદ્ધના બીજા દિવસે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરી. ઈરાનના ચાલીસ ટોચના કમાન્ડરો માર્યા ગયા. રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીની પણ હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ છતાં,ઈરાને યુદ્ધમાં અમેરિકા સામે લડવાનું ચાલુ રાખ્યું.

ઈરાની જનતા રસ્તાઓ પર નથી ઉતરી 

આ ઉપરાંત મીડિયા મુજબ, યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ કાઉન્સિલે તેના મૂલ્યાંકનના આધારે સરકારને એક અહેવાલ સુપરત કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હુમલાઓની રીત બળવા તરફ દોરી જવાની શક્યતા ઓછી છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ટોચના નેતૃત્વના મૃત્યુ પછી પણ  ઈરાની જનતા રસ્તાઓ પર નથી ઉતરી. 

 અમેરિકાએ 10 બિલિયન ડોલરથી વધુનો ખર્ચ કર્યો

આ હુમલાને કારણે અમેરિકાનો ખર્ચ સતત વધી રહ્યો છે.  મીડિયા અહેવાલ મુજબ ઈરાન પર હુમલાના પહેલા બે દિવસમાં અમેરિકાએ 5.6 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.  યુદ્ધના 10 દિવસમાં અમેરિકાએ 10 બિલિયન ડોલરથી વધુનો ખર્ચ કર્યો છે. 

ઈરાને કહ્યું અમેરિકા નિષ્ફળ ગયું 

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે,  અમેરિકાને એવો ભ્રમ હતો કે યુદ્ધ  શરૂ થતાં જ ઈરાનમાં બળવો થશે, પરંતુ તેઓ તેમની યોજનાને અમલમાં મૂકવામાં નિષ્ફળ ગયા. હવે અમેરિકા પ્લાન બી અમલમાં મુકવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તે તેમાં પણ સફળ નહી થાય.