પહેલગાંવઃ આસ્થા, ઉત્સાહ, શ્રદ્ધા અને શિવભક્તિના ભાવ સાથે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાનો શુભારંભ થઈ ગયો છે. આ વર્ષેની યાત્રાને લઈને ગત સોમવારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પહેલા જ ગ્રૂપમાં દર્શન કરવા માટે ભાવિકો અનેક રાજ્યમાંથી જમ્મુ કાશ્મીર પહોંચી ગયા હતા.
યાત્રા શરૂ થતા પહેલા જ કેટલાક શ્રદ્ધાળુઓ શ્રીનગર સુધી પહોંચી ગયા હતા.જમ્મુના ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ પાસે બેઝ કેમ્પ પાસેથી શ્રદ્ધાળુઓનું પહેલું ગ્રૂપ હર હર મહાદેવના નાદ સાથે રવાના થયું હતું. અહીંયાથી પદયાત્રા શરૂ થઈ હતી અને પછી ચઢાણ સુધી પહોંચી હતી. જમ્મુ કાશ્મીર રાજ્યના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ લીલી ઝંડી દેખાડીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
ગાઈડલાઈન્સનું પાલન કરવા અપીલ
રાજ્યના વહીવટી તંત્ર એ યાત્રાળુઓને ફક્ત માન્ય નોંધણી અને RFID કાર્ડ સાથે જ મુસાફરી કરવા, સુરક્ષિત-વ્યવસ્થિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું કડક પાલન કરવાની અપીલ કરી છે. દર વર્ષે, દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ હિમાલયની ઊંચાઈએ સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં કુદરતી રીતે રચાયેલા બરફ શિવલિંગના દર્શન કરવા માટે આવે છે.
આ વર્ષે ફરી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવાની અપેક્ષા રાખીને, વહીવટીતંત્રે સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ વ્યવસ્થા કરી છે.પ્રથમ બેચને બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં રવાના કરવામાં આવી છે. યાત્રાળુઓ 3 જુલાઈથી આ બે રૂટ દ્વારા પવિત્ર અમરનાથ ગુફાની યાત્રા શરૂ કરશે. આ વર્ષે યાત્રા 3 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી ચાલશે.આ 57 દિવસ સુધી ચાલેલી ધાર્મિક યાત્રા રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે.

કેવી છે આ વખતે સુરક્ષા વ્યવસ્થા?
આ વખતે યાત્રાના માર્ગ પર મલ્ટીલેયર સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. યાત્રાના સમગ્ર માર્ગ પર સેના, CRPF, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા જવાનોને ડ્યૂટી સોંપી દેવામાં આવી છે. છેક અમરનાથ ગુફા સુધી આ પ્રકારે સિક્યોરિટી વ્યવસ્થા કરવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન, CCTV કેમેરા, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને અન્ય આધુનિક મોનિટરિંગ ડિવાઈસના ઉપયોગ કરીને ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રએ યાત્રા દરમિયાન યાત્રાળુઓ માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. જમ્મુથી પવિત્ર ગુફા સુધી વિવિધ સ્થળોએ રહેવાની વ્યવસ્થા, રસોડા, તબીબી સેવાઓ, એમ્બ્યુલન્સ, સ્વચ્છ પીવાનું પાણી, શૌચાલય અને હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ વખતે યાત્રાળુઓના ચહેરા પર 'બાબા બર્ફાની' ના દર્શન કરવાનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

સુરક્ષા સાથે યાત્રાળુઓ રવાના
રાજસ્થાનના જયપુરના 'જેન્ઝ ગ્રુપ' ના સભ્યોએ કહ્યું કે જ્યારે લોકો ઘણીવાર રજાઓ અથવા ફરવા માટે વિવિધ સ્થળોએ મુસાફરી કરે છે, ત્યારે તેમના માટે સૌથી મોટો લહાવો એ છે કે બાબા અમરનાથના દર્શન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા.યાત્રા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
યાત્રાળુઓના પહેલા ગ્રૂપને CRPF સુરક્ષા હેઠળ રવાના કરવામાં આવ્યો હતો. યાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે માટે સુરક્ષા દળના વાહનો સમગ્ર કાફલાના આગળ અને પાછળ ગોઠવવામાં આવ્યા હતા. યાત્રામાં ભાગ લેનારા દરેક સરકારી અને ખાનગી વાહનનું અગાઉથી સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાહનોને કાફલામાં સમાવવામાં આવ્યા હતા અને નિરીક્ષણ પૂર્ણ થયા પછી જ તેમના પર ખાસ ચકાસણી ટેગ લગાવવામાં આવ્યો હતો.