Wed Jun 10 2026

Logo

અલખનો ઓટલોઃ લખિયા નહીં તો મટે, જવ તલ નહીં તો ઘટે...

2026-05-25 16:00:24
Author: Mumbai Samachar Team
Article Image

ડૉ. નિરંજન રાજ્યગુરુ

ભારતીય સનાતન ધર્મમાં કોઈ એક જ શાસ્ત્રગ્રંથ-દર્શન-ક્રિયાકાંડ-આચારસંહિતા-વિધિ વિધાનોનું બંધન નહોતું. વૈદિક ૠષિ-મુનિઓ દ્વારા પ્રકૃતિનાં ગ્રહો, નક્ષત્રો, તારાઓ, અગ્નિ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી, વૃક્ષો, પહાડો, પશુ-પક્ષીઓ  ઉપરાંત તમામ ચીજો-પદાર્થોનું પૂજન અને અર્ચન કરવામાં આવતું. એ પછીના ગાળામાં ઉપનિષદ્કાળમાં જ્ઞાન-તત્ત્વચિંતન- બ્રહ્મચિંતન-સાધના-ઉપાસનાનો યુગ શરૂ થયો. પછી બ્રાહ્મણગ્રંથો- દર્શનો- સંહિતાઓ સાથે યજ્ઞ-યાગ-હવનનો પ્રવાહ શરૂ થયો અને ત્યા2બાદ આવ્યાં વિવિધ પુરાણો. 

જેમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત, સૌર, ગાણપત્ય જેવી ધારાઓનાં અનેક પુરાણો રચાયાં. પણ ભારતીય સંસ્કૃતિમાં તો તમામ વિચારધારાઓને- વેદમાન્ય હોય કે વેદબાહ્ય... સમાન સ્વીકૃતિ મળતી રહી. આ વિકાસયાત્રામાં જુદાજુદા વિચારકો, તત્ત્વચિંતકો, સાધુઓ, સંતો, યોગીઓ, કર્મ કે સેવામાર્ગીઓ એ પોતપોતાની રીતે સમગ્ર સમાજનું કલ્યાણ થાય એવી કેડીઓ કંડારી આપી. 

સંપૂર્ણ સૃષ્ટિની માનવજાતને માટે સત્ય, અહિંસા, દયા, કરૂણા, પ્રેમ, ભ્રાતૃભાવ, ત્યાગ,વિદ્યાઉપાસના જેવાં તત્ત્વોથી આપણો ભારતીય સનાતન ધર્મ વિકસતો રહ્યો. એણે બહારથી આવનારી વિવિધ ધર્મ-સંસ્કૃતિઓનો પણ આદર કરીને એનાં સારાં તત્ત્વોનો પોતાના ધર્મમાં સ્વીકાર ર્ક્યો.

આજે ધર્મ તથા સાહિત્યને સર્વજન સુલભ બનાવનારાં સાધનો-પુસ્તકો, સામયિકો, વર્તમાનપત્રો, રેડિયો, ટીવી, ફિલ્મ, કેસેટ્સ, સીડી, ઈન્ટરનેટ, જાહેર કાર્યક્રમો વધતાં જ રહ્યાં છે એટલે સત્ત્વશીલ સાહિત્યની સાથે રાજસી અને તામસી પ્રકૃતિના સાહિત્યનો પણ બહોળો પ્રચાર-પ્રસાર થયા કરે છે. 

કેટલાક અપવાદોને બાદ કરતાં સ્થાયી મૂલ્ય ધરાવનારા, શાશ્વત ટકી શકે એવા, ભવિષ્યના સમસ્ત માનવજાતના હિતનો વિચાર કરનારા અને જેને પ્રશિષ્ટ કે સાત્ત્વિક કહી શકીએ એવા સાહિત્યનો અંશમાત્ર નજરે નથી ચડતો એ જોઈને કોઈપણ વિચારશીલ મનુષ્યને ચિંતા થાય. એટલે તો મૂળદાસજીએ ગાયેલું-

વૈરાગ્યના પદને વિઘન આડા ઘણાં, કઠણ બંધ કામના કોક છૂટે, 
કનક ને કામિની ચોકી આડી શ્યામની, રામની રમતને એ જ લૂંટે...
એવા વૈરાગ્યના પદને વિઘન આડા ઘણાં, કઠણ બંધ કામના કોક છૂટે....0 
પ્રવૃત્તિને વળગિયો ભગતિ ભૂલી ગિયો, નારીએ નેણને બાણ માર્યો,
જોગ લીધા પછી ભોગ ઈચ્છા ધરે, હાથ આવેલ બાજી એમ હાર્યો ...
એવા વૈરાગ્યના પદને વિઘન આડા ઘણાં, કઠણ બંધ કામના કોક છૂટે....0 
કામનું મૂળ તો જાણવી કલપના, કરમ ને ભરમની ગાંઠ બાંધે,
શીલ સંતોષના ચોબા દીધા વિના, જનમ ને મરણના રોગ વાધે...
એવા વૈરાગ્યના પદને વિઘન આડા ઘણાં, કઠણ બંધ કામના કોક છૂટે....0 
મૂળ વૈરાગ્યમાં મન જેનું ગળી ગિયું, અચળ એ વાસનામાં નહીં ડોલે,    
મૂળદાસ કહે જે સંત સમજ્યા ખરું, વેદના વાક્યમાં ઈ ચિત્ત જોડે    ...
એવા વૈરાગ્યના પદને વિઘન આડા ઘણાં,કઠણ બંધ કામના કોક છૂટે....0 
બધું જ પરમાત્માને આધિન છે, એ વાત મોરારસાહેબ આ રીતે કહે છે...
લખિયા નહીં તો મટે, જવ તલ નહીં રે ઘટે, સાધુ ભાઈ રે, લખિયા નહીં તો મટે..
દશ રથ ચોકી તળાવની, સરવર પાણીડાં ભરે,
તાકી માર્યો તિરડો, પછી આંધળાં રૂદન કરે ..
સાધુ ભાઈ રે, લખિયા નહીં તો મટે...0
રામ ને લખમણ દોનું બાંધવા, વનમાં ગમન કરે,
કાળમુખો એક આવ્યો રાવણો, સતી સીતાને હરે..
સાધુ ભાઈ રે, લખિયા નહીં તો મટે...0
લાખ રે ઘોડારની સાયબી રે, માથે ચમર ઢળે ,
હરિશ્ચંદ્ર સરિખા રાજીયા, નીચ ઘેર પાણીડાં ભરે..
સાધુ ભાઈ રે, લખિયા નહીં તો મટે...0
પારાધી  એ બાંધ્યો ફાંસલો, હરણી વનમાં ફરે,
પૂરવના પાપ આવી મળ્યાં, તે આવી ફંદમાં પડે..
સાધુ ભાઈ  રે, લખિયા નહીં તો મટે...0
દાસ રે મોરારની  વિનતી, કોક ગુરુજીનું ધ્યાન ધરે,
દોહ્યલી વેળાનાં આવજો સ્વામી  બિરુદ તુમ વડે..
સાધુ ભાઈ રે, લખિયા નહીં તો મટે...