Mon Aug 31 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-08-26 07:58:42
Author: Henry Shastri
અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી  

ના ઉમ્ર કી સીમા હો, ના ચોકલેટ કા હો બંધન...

...‘જબ લંબા જિએ કોઈ તો દેખે કેવલ ફન’ એવું ગીત (ગીતકાર ઈન્દીવરની ક્ષમાયાચના સાથે) લખવું પડે એવું ઉદાહરણ 106 વર્ષનું દીર્ઘાયુ ભોગવી રહેલા દાદીમાએ પૂરું પાડ્યું છે. આજે 70 વર્ષની આસપાસના લોકોમાં ઘૂંટણની તકલીફ, પીઠનો પ્રોબ્લેમ, ગેસ - કબજિયાત જેવી સમસ્યાઓ સામાન્ય બની રહી છે. 

યુવાવર્ગમાં પણ સતત ભાગદોડ, સ્ટ્રેસ અને કવેળાના ભોજનને કારણે વ્યાધિ જોવા મળે છે. આવા માહોલમાં યુકેની યોર્કશાયરમાં જન્મેલાં એડિથ હિલ નામનાં દાદીમાએ આયુષ્ય બળવાનનું રહસ્ય છતું કરતા અનેક લોકોને આશ્ર્ચર્ય થયું છે. દાદીમાએ કહ્યું છે કે સેન્ચુરી દરમિયાન તેમણે ખૂબ પાર્ટી એન્જોય કરી છે, ફન (મોજમજા) કર્યો છે અને ચોકલેટ ખાવામાં કોઈ રેશનિંગ નથી રાખ્યું. 

1919માં જન્મેલાં ને સ્વતંત્ર જીવન જીવનારાં દાદીમાનું આ હેલ્થ સિક્રેટ છે, બોલો. જોકે, દીર્ઘાયુ માટેના તેમણે આપેલાં કારણોમાં ક્યારેય ધુમ્રપાન નહીં તેમજ જવલ્લેજ અને માપસર શરાબ સેવનને પણ ગણાવ્યાં છે. યુકે જેવા દેશમાં તો મહિલા વાઈન અને વ્હિસ્કી પીવે એ સહજ અને સ્વાભાવિક ગણાતું હોવા છતાં એડિથ દાદી એના ગુલામ ન બન્યાં એ વાત મહત્ત્વ ધરાવે છે. બે વર્લ્ડ વોર અને જીવનમાં અનેક ઉતાર-ચડાવ જોઈ ચૂકેલાં દાદીમા મન સ્વસ્થ તો શરીર તંદુરસ્ત એવી માન્યતાનું મજબૂત પ્રમાણ છે.

70 વર્ષના જુવાનની 35 વર્ષના ઘરડા સાથે ટક્કર

ના, હેડિંગમાં કોઈ ભૂલ નથી કે નથી કોઈ ટીખળ કે રમૂજ. બલકે છેલ્લા આઠેક વર્ષથી લંડનમાં આયોજિત ‘વિન્ડોક્લિનીંગ વર્લ્ડ કપ’ (ઝરૂખો ઝાપટવાની વૈશ્વિક સ્પર્ધા)ની સફાઈ છે. આપણે ત્યાં કમ સે કમ દિવાળીના આગમન પહેલાના સફાઈ અભિયાન વખતે ઘરનાં બારી બારણાં ઝાપટવાની અને એના પર ભીના પોતાં મારવાનું કામ ઘણા પરિવારમાં સ્વબળે હોંશે હોંશે કરવામાં આવે છે. 

એમાં બારીની સફાઈનું કામ સરખામણીમાં આસાન હોય છે, ખાસ કરીને ‘સ્કવીજી’ જેવાં ઉપકરણને લીધે આ કામ ડાબા હાથનો ખેલ લાગે છે. જોકે,‘વિન્ડો ક્લિનીંગ વર્લ્ડ કપ’માં વડીલોની સફાઈ કમાલ જોયા પછી જુવાનિયાઓને ખ્યાલ આવી ગયો કે કામ આસાન ભલે હોય પણ એમાં પ્રાવીણ્ય મેળવવું આસાન નથી. સઘન તાલીમ જરૂરી છે. 

17 વર્ષથી ઝરુખા ઝાપટવાની સ્પર્ધામાં સહભાગી થતા યુકેના 71 વર્ષના મિસ્ટર ટેરી બરોઝ કહે છે કે ‘હું જે કુશળતાથી સફાઈ કરી શકું છું એ આવડત મારી અડધી ઉંમરના યુવાનોમાં પણ નજરે નથી પડતી. બારી સાફ કરવાના કામમાં નિપુણ થવા ટ્રેનિંગ લેવી જરૂરી છે. મેં લીધી છે. આજકાલના જુવાનિયા એને માટે તૈયાર નથી.’

મિસ્ટર ટેરી વિન્ડો ક્લિનિંગના ઉસેન બોલ્ટ (100 મીટર દોડનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતો એથ્લીટ) કહેવાય છે, કારણ કે 2009માં તેમણે 45 ઈંચ ડ્ઢ 45 ઈંચની વિન્ડો માત્ર 9.14 સેક્ધડમાં ચોખ્ખીચણાક કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો જે આજ સુધી અકબંધ છે. દરેક સ્પર્ધકે ચાંપતી નજરે જોતા ત્રણ જજની હાજરીમાં સ્કવીજીની મદદથી એસ આકારમાં બારીની સફાઈ કરી કોઈ ડાઘ ન રહી જાય એની તકેદારી રાખવાની હોય છે. 

કામ પૂરું થઈ ગયું હોય ત્યારે ‘સ્ટોપ’ એમ બૂમ પાડવાની હોય છે. જેથી ટાઇમર અટકાવી દેવામાં આવે. આ કામમાં ઝડપ જરૂરી અને મહત્ત્વની છે, પણ કોઈ ડાઘ કે નિશાની રહી જાય તો પ્રતિ ડાઘ માટે અડધી સેક્ધડની પેનલ્ટી લાગે છે. ઝીણી આંખે જોવામાં પાવરધા ત્રણ જજની નજર નાની અમથી ભૂલ શોધી દંડ કરે છે. વિજેતાને એક હજાર પાઉન્ડ (આશરે સવા લાખ રૂપિયા) ઈનામ પેટે મળે છે. સફાઈમાં ચીવટનો આગ્રહ જોતા 70 વર્ષના વડીલ કેમ 35 વર્ષના જુવાનિયાને હંફાવે છે એ સમજાય છે. 

107 વર્ષમાં 30 ધ્વજ બદલાયા

15 ઓગસ્ટ આપણા દેશમાં સુવર્ણઅંકિત દિવસ છે. બ્રિટિશ ગુલામીમાંથી આપણને સ્વતંત્રતા મળી. જોકે, આ જ દિવસ અફઘાનિસ્તાન માટે કથીર દિવસ છે, કારણ કે પાંચ વર્ષ પહેલા એટલે કે 2021ની 15 ઓગસ્ટે અત્યાચારી તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્જો જમાવી દેશને ફરી અસ્થિર યુગમાં મોકલી દીધો. તાલિબાનો આ દિવસને ‘વિજય દિવસ’ તરીકે ઉજવે છે. પાકિસ્તાન સાથે એકથી વધુ વાર યુદ્ધજન્ય પરિસ્થિતિ અને અન્ય વિચિત્રતાને કારણે દેશના નાગરિકોને અસ્થિર અફઘાનિસ્તાનમાં વસવાટ કરવો પડે છે. 
હેરત પમાડે એવી વાત એ છે કે દેશના ધ્વજનું અસ્તિત્વ પણ અસ્થિર રહ્યું છે. હાલ જે ધ્વજ છે એ 2021માં તાલિબાન શાસન સત્તારૂઢ થયું ત્યારે બદલવામાં આવ્યો હતો. ચોંકી જવાય એવી વાત એ છે કે 19 ઓગસ્ટ 1919માં સ્વતંત્રતા મળ્યા પછી છેલ્લાં 107 વર્ષમાં અફઘાનિસ્તાનનો ધ્વજ ત્રીસ વાર બદલાઈ ચુક્યો છે.1919માં જ છ વાર ફેરફાર થયા હતા. જોકે, આ બદલાવમાં ધ્વજના ત્રણ રંગ કાળો, લાલ અને લીલાની હાજરી સાતત્યપણે જોવા મળી છે. 
તાલિબાનનું શાસન શરૂ થયા પછી અફઘાનિસ્તાનમાં સફેદ રંગનો ધ્વજ જોવા મળે છે જેમાં કેલિગ્રાફિક સ્ક્રિપ્ટમાં ‘મોહમ્મદ ભગવાનના દૂત છે’ તેમજ પશ્તો ભાષામાં ‘ઈસ્લામિક એમિરેટ્સ ઓફ અફઘાનિસ્તાન’ લખવામાં આવ્યું છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે - યુનાઈટેડ નેશન્સમાં કાળો, લાલ અને લીલા રંગનો ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનનો ફ્લેગ લહેરાવવામાં આવે છે.

મેરેજ: ડોક્ટર ઈઝ ઓલવેઝ ઓન ડ્યુટી

અક્ષય કુમારની 2014માં આવેલી ફિલ્મનું ટાઈટલ હતું ‘હોલિડે: અ સોલ્જર ઈઝ નેવર ઑફ ડ્યુટી’. મતલબ કે સૈનિકે 24ડ્ઢ7 ચૌક્ધના રહેવાનું હોય છે. હાકલ પડે ને રક્ષા કાજે સરહદે દોડી જવાનું. આગબંબાવાળા, પોલીસ ઓફિસર તેમ જ ડોક્ટર -નર્સના કેસમાં પણ એવું જ હોય છે. 

તાજેતરમાં સૌથી દેશના શિક્ષિત ગણાતા કેરળ રાજ્યના ક્ધનુર શહેરમાં લગ્નનો માંડવો સારવાર કેન્દ્ર બની ગયો. ‘ડોક્ટર ઈઝ ઓલવેઝ ઓન ડયૂટી’નું બેમિસાલ ઉદાહરણ ત્યાં જોવા મળ્યું. થયું એવું કે વ્યવસાયે ડોક્ટર એવી એક કોડીલી ક્ધયાને એના દિલનો ‘દરદી’ મળી ગયો અને શુભ મુહૂર્ત જોઈ બંનેએ સપ્તપદીના ફેરા ફરવાનો નિર્ણય લીધો. ભારતીય લગ્નમાં અને એમાંય જો બંને પક્ષ મોભાદાર હોય તો ખાણીપીણીની વરાયટીમાં કોઈ કસર બાકી ન રહે. 
કેટરિંગ સર્વિસને ભાવતા ભોજન સાથે શાનદાર સર્વિસનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. મહેમાનો લગ્ન માણી રહ્યા હતા એ દરમિયાન કેટરિંગ સર્વિસની એક મહિલા કર્મચારીના નાકમાંથી લોહી નીકળ્યું. અન્ય એક મહિલાને ચક્કર આવ્યા. લગ્નસ્થળે હોહા થઈ ગઈ અને ‘ક્ધયા પધરાવો સાવધાન’ પછી ‘ડોક્ટર પધારવો સાવધાન’ની બૂમ પડી. 
પાનેતર પહેરીને જસ્ટ માંડવે આવેલી ડોકટર દુલ્હન ગોર મહારાજને ‘ઘડીક ખમો’ કહી તરત ઈમરજન્સીના નિયમને અનુસરી સારવાર માટે દોડી. બંને મહિલાનો પ્રાથમિક ઈલાજ કરી પાછી વરરાજા સામે ગોઠવાઈ ગઈ અને લગ્નવિધિ પૂર્ણ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો અને અનેક લોકો ક્ધયા પર ઓવારી ગયા.

લ્યો કરો વાત 

‘મહાભારત’ના સમયકાળમાં ‘સ્વર્ણપ્રસ્થ’ (સોનાની નગરી) તરીકે ખ્યાતિ મેળવનારા આજના ભારતના હરિયાણાના સોનીપત શહેરમાં હીરા જેવા મૂલ્યવાન મનુષ્ય જોવા મળી રહ્યા છે. તાજેતરમાં આ શહેર એક અનોખો વિક્રમ સ્થાપવામાં સફળ રહ્યું છે. 1998માં મહિલા વિશ્વકપ હોકી સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરી કેપ્ટનની જવાબદારી પણ પાડનારી પ્રીતમ રાની સિવાચનો પુત્ર યશદીપ સિવાચ પુરુષોની વિશ્વ કપ હોકી સ્પર્ધામાં ભારતીય ટીમમાં પસંદ થયો છે. 
હોકીની રમતના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વતી રમનારી આ પ્રથમ માતા-પુત્રની જોડી બની છે. એક મજેદાર વાત એ પણ છે કે પ્રીતમ જે મહિલા વિશ્વ કપમાં રમી એનું આયોજન નેધરલેન્ડ્સમાં થયું હતું અને આ વર્ષનો મેન્સ વર્લ્ડ કપ પણ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં સંયુક્તપણે રમાઈ રહ્યો છે.