રવિ નાયક
હા, એક મહિલાને આવ્યો છે...
અદ્ધર આકાશમાં આ રીતે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં બેટી બ્રોમેજ નામના એક મહિલાએ ઊડતા વિમાનની પાંખ પર મુસાફરી કરીને વિશ્વવિક્રમ પણ સ્થાપ્યો છે. !
સામાન્ય સમજ એવી છે કે વિમાન હવામાં ઊડતું હોય ત્યારે દરવાજો ખોલીને બહાર લટાર મારવા જઈ શકાતું નથી. જોકે કેટલાક સાહસિકો ચાલુ વિમાને પાંખ પર ચઢવાના કરતબ કરી દેખાડે છે. આવા કરતબ માટે ‘વિન્ગ વોકિંગ’ શબ્દ વપરાય. વિન્ગ વોકિંગ એ કોઈ સ્પોર્ટ નથી, પણ કેટલાક સાહસિકોએ એને એડવેન્ચર્સ એક્ટિવીટી તરીકે અપનાવી લીધું છે.
હવે પેલા બેટી બહેને એવું તે શું પરાક્રમ કર્યું કે વિશ્વવિક્રમ બની ગયો? 4 ઓગસ્ટ 2026ના રોજ ગ્લોસ્ટરશાયર ખાતે બેટીએ જ્યારે વિંગ વોકનો કરતબ કરી દેખાડ્યો, ત્યારે એમની ઉંમર હતી પૂરા 97 વર્ષની! આ ઉંમરે કોઈ વ્યક્તિ જીવિત હોય તો ય મોટે ભાગે પથારીવશ હોય. એટલે સૌથી મોટી ઉંમરે વિંગ વોક કરવાનો વિશ્વવિક્રમ બેટી બ્રોમેજના નામે નોંધાઈ ગયો.
આ અગાઉનો રેકોર્ડ 87 વર્ષની ઉંમરે વિન્ગ વોક કરવાનો હતો અને એ રેકોર્ડ પણ દસ વર્ષ પહેલા બેટીએ જ બનાવેલો! સૌથી મજેદાર વાત તો એ છે કે ગયા વર્ષે બેટીને સ્ટ્રોકનો એટેક આવ્યો, એમાંથી સાજા થયા બાદ બેટીએ સ્ટ્રોક પેશન્ટ્સની સારવાર કરતી હોસ્પિટલ માટે ફંડ ભેગું કરવા વિક્રમી વિંગ વોક કર્યું.
એક સમયે નર્સ રહી ચૂકેલાં એવાં આ ‘ખતરો કે ખિલાડી’ એવાં બેટી બ્રોમેજ વીતેલા દાયકા દરમિયાન છ વખત વિન્ગ વોક કરી ચૂક્યાં છે.
પ્રશ્ન એ છે કે ઊડતા વિમાનની પાંખ પર ચઢવાનો અને ત્યાં જ ઊભા ઊભા મુસાફરી કરવાનો વિચાર સૌથી પહેલા કોને આવ્યો હશે?
ઓર્મર લેસ્લી લોકલિયર અમેરિકન ડેરડેવિલ સ્ટંટ પાઈલટ અને સાયલન્ટ ફિલ્મના અભિનેતા હતા. 1891માં ટેક્સાસના ગ્રીનવિલ ખાતે એનો જન્મ. મૂર્ખામીની હદ વળોટી જાય એવી બહાદુરી દેખાડવાનો શોખ બાળપણથી જ.
મોટરસાઈકલ પર જોખમી સ્ટંટ કરવા અને ભાઈઓ સાથે ગ્લાઈડર બનાવીને છત પરથી કૂદવાની રમત એને બહુ ગમતી. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું પછી ઓર્મરને બહાદુરી બતાવવાનો ખરો મોકો મળ્યો. એણે યુએસ આર્મીની એર સર્વિસમાં જોડાઈને ફ્લાઈટ ઇન્સ્ટ્રકટર બનવાની તાલીમ લીધી.
એક વાર ચાલુ ફ્લાઇટે રેડિએટર કેપ ઢીલી પડી ગઈ. આને કારણે ગરમ પાણી અને વરાળનો છંટકાવ શરૂ થઇ ગયો. આવા સંજોગોમાં લેન્ડિંગ કરવું મુશ્કેલ હતું. બચવાનો એક જ માર્ગ હતો, કોઈક રીતે રેડિયેટર કેપ સુધી પહોંચીને એને સરખી બેસાડવી, પણ આ માટે તો વિમાનની કોકપિટમાંથી બહાર નીકળીને પાંખ પર જવું પડે. અહીં બાળપણમાં કરેલી સ્ટન્ટબાજી કામ આવી.
કહેવાય છે કે ઊડતા વિમાને ઓર્મર કોકપિટ ખોલીને બહાર નીકળ્યો અને વિમાનની પાંખ પર જઈને કેપ ફરીથી બેસાડી દીધી. આ ઘટનાને વિશ્વનું પહેલું વિન્ગ વોક ગણી શકાય. એ પછી તો દરેક પાઈલટને ટ્રેનિંગના ભાગરૂપે વિન્ગ વોકિંગ શીખવવાની શરૂઆત થઇ.
જો કે ખરો રસપ્રદ ઘટનાક્રમ તો પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયા પછી સર્જાયો. સૌથી પહેલા તો એ સમજી લેવું જોઈએ કે વિન્ગ વોકિંગ માટે કોઈ પણ વિમાન પસંદ કરો એ ન ચાલે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અમેરિકન હવાઈદળ જે કર્ટિસ જેએન-4 વિમાનો વાપરતું, એની રચના જ એવી હતી કે ચાલુ ફ્લાઇટે કોકપિટ ખોલીને બહાર જઈ શકાય.
આજે પણ વિન્ગ વોક માટે એ પ્રકારની રચના ધરાવતાં વિમાનો જ વપરાય છે. હવે થયું એવું કે પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ સંખ્યાબંધ કર્ટિસ વિમાનો અને પાઈલટ્સ નવરાધૂપ હતા. પાઈલટ્સને તો સરકારે નોકરીમાંથી છૂટા કર્યા, પણ વિમાનોનું શું કરવું? અમેરિકન સરકારે કર્ટિસ વિમાનો બહુ સસ્તા દામે વેચવા કાઢ્યા, પણ આ વિમાનો ખરીદે કોણ?
સિમ્પલ, જેમને સરકારે નોકરીમાંથી છૂટા કરેલા એવા બેકાર પાઈલટ્સ. આ પાઈલટ્સ આજીવિકા રળવા માટેના સાધન તરીકે વિમાનોનો ઉપયોગ કરવા માંડ્યા. જેમ સર્કસમાં ટિકિટ ખરીદીને ચકડોળમાં બેસી શકાય એમ ટિકિટ ખરીદીને લોકો કર્ટિસની હવાઈ રાઈડ માણતા. કેટલાક પાઈલટ્સે વળી વિમાન આડા-તેડા ઉડાડીને કરતબ દેખાડવાનું શરૂ કર્યું.
એક રીતે જોઈએ તો આ એક પ્રકારની સ્ટન્ટબાજી જ હતી. અંગ્રેજીમાં આવા ખેલ માટે ‘બાર્નસ્ટોર્મિંગ’ શબ્દ વપરાય છે. ગામ કે નાનકડા કસબાના લોકો ખુલ્લી જગ્યામાં ભેગા થાય અને પાઈલટ ત્યાંથી વિમાન ઉડાડીને વિન્ગ વોક સહિતના કરતબ દેખાડે. ઘણા વળી અધ્ધર આકાશે એક વિમાનમાંથી બીજા વિમાનમાં જઈ બતાવે. લોકો આ બધું જોઈને મોઢામાં આંગળા નાખી જતા.
સ્વાભાવિક છે કે આવા કરતબો અનેક દુર્ઘટનાઓને સીધું આમંત્રણ આપનારા નીવડે. ખુદ ઓર્મર લેસ્લી લોકલિયર પણ એક ફિલ્મ માટે હવાઈ સ્ટન્ટ કરવા જતા મોતને ભેટ્યા. આખરે 1926માં એવિયેશન અંગેના કડક કાયદાઓ દ્વારા બાર્નસ્ટોર્મિંગ પર પ્રતિબંધ મુકાયો.
જો કે એ પછી પણ સુરક્ષાના કડક નિયમોના પાલન સાથે વિન્ગ વોકની પ્રવૃત્તિ વિકસતી રહી. આજની તારીખે સુરક્ષાનાં અનેક ઉપકરણો અને નિયમો હોવા છતાં બહુ થોડા લોકો વિન્ગ વોકર બનવાનું સાહસ ખેડે છે. એવામાં બેટી બ્રોમેજનું સાહસ વિરલ ગણાય. વિશ્વવિક્રમ સ્થાપી લીધા પછી બેટીએ જાહેર કર્યું છે કે જો એ સો વર્ષ પૂરા કરશે તો એની ઉજવણી માટે ફરીથી આવું જ કોઈક સાહસ કરશે.
બ્રેવો... 97 વર્ષની ‘યુવાન’ બેટી બ્રોમેજ !