Sat Sep 05 2026

Logo

કચ્છી ચોવકઃ આકાશને આંબતી ઇચ્છા સામે લાલબત્તી!

2026-08-26 08:06:31
Author: Kishor Vyas
કચ્છી ચોવકઃ આકાશને આંબતી ઇચ્છા સામે લાલબત્તી!

કિશોર વ્યાસ

કહેવતો પરથી કચ્છી કિસ્સાઓ બન્યા કે, કચ્છી કિસ્સાઓ પરથી કહેવતો (ચોવકો) બની? એ સવાલને કોરણે મૂકીએ અને એક કહેવત સાથે બનેલો કિસ્સો માણીએં: કહેવત છે: "મુલાં મારે મુઠસેં, નેં અલ્લા મારે ઉઠ સેં” એ ચોવક સાથે સંલગ્ન કિસ્સો એવો છે કે, "એક ગામમાં એક મુલ્લાજી ઘાણીમાં તલ પીલવાનો ધંધો કરતા હતા, થતું એવું કે, એ દરેક ગ્રાહકના પીલાવા માટે આવેલા તલમાંથી એક મૂઠી ભરીને તલ ચોરી લઈ પોતાના માટે રાખી દેતા! એ રીતે તલની ચોરી કરતાં કરતાં મુલ્લાજી ખૂબ જ પૈસાદાર થઈ ગયા. 

કોથળીમાં નાણાંનો વધારો થતાં તેણે ઘાણીમાં જોડેલા બળદને વેચી નાખીને એક અલમસ્ત ઊંટની ખરીદી કરી ઘાણીમાં જોતરી દીધો. પોતે બેઠાબેઠા ગીતો ગાતો રહે અને મૂછને તાવ દેતો રહે. ઘાણી ઘુમતી રહે. તલ પીલાતા રહે, પણ અચાનક એવું થયું કે તેનો એ ઊંટ મરી ગયો. મુલ્લાની જાહોજલાલીને થપ્પડ લાગી.

એ લોકોના તલ ચોરીને ‘મૂઠે’ મારતો, તો અલ્લાએ તેને ‘ઊંટ’થી માર્યો! બસ ત્યાંથી ચોવક ચાલી "મુલાં મારે મુઠસેં, અલ્લા મારેં ઉઠસે”! ખેર! બે વ્યક્તિ વચ્ચેની અસમાનતા બતાવવા માટે એવી એક ચોવક પ્રચલિત છે કે, "હિક઼ડો રાણૂં, ત બ્યોકાંણૂં” મતલબ કે બે વ્યક્તિઓ વચ્ચે આસમાન જમીન જેટલો ફરક! 

કોઈ એક કામ માટે જ્યારે બિનજરૂરી વધારે માણસો જોડાયા હોય ત્યારે વપરાતી ચોવક છે: "હિક઼ડો હકલે બ્યો હૂં હૂં કરે” અર્થાત્ કામ તો કરનારા કરતા રહે પણ વધારાના માણસો કાંતો તેને પોરસાવવાનું કામ કરે અને કાંતો નવરા બેઠા નખ્ખોદ વાળે (હૂં હૂં કરે!) જ્યારે એક ખોટું કામ છુપાવવા માટે બીજાં કેટલાંય ખોટાં કામ કરવાં પડે ત્યારે ચોવક કહે છે કે, "હિક઼ડો કુ઼ડ લિકાયલા બ્યા સો કુ઼ડ કેંણાં પે” ‘કુ઼ડ’ એટલે ખોટું અને ‘લિકાયલા’ એટલે છુપાવવા. આવું છુપાવવા કરતાં તરત જ ખુલાસો કરવો સારો નહીં? વાતનો છેડો ફાટે. "હિક઼ડો ઘા નેં બ ટુકર” એક ઘાને બે ટુકડા!

એક જરા વધારે રસપ્રદ ચોવક માણીએં. કોઈ વ્યક્તિને તેની જરૂરિયાતથી વધારે ધન મળે, તો, તેના માટે ચોવક છે: "આંમરી મેં આમાં પકા” અનુવાદ એવો થાય કે, આંબલીનાં વૃક્ષમાં આંબા પાક્યા! ‘આંમરી’ એટલે આંબલી અને ‘આમાં’ એટલે આંબા. પણ ભાવાર્થ તો એ જ થાય કે, ‘જરૂરિયાતથી વધારે ધન મળી રહેવું.’

ઘણી વખત લોકો બહુ વધારે પડતી આશામાં જીવતા હોય છે ત્યારે એમ કહેવાય કે, "અણકમાઉ નેં ઉનાં  પાણી” ‘અણકમાઉ’ એટલે કમાણી કોડીની ન હોય પણ ઈચ્છા-અપેક્ષા-આશાઓ આકાશને આંબતી હોય! વળી, ઘણા લોકો સારો સમય આવે તે પહેલાં જ સોનેરી સપનાં જોવા લાગી જાય છે. એવા લોકો પર કટાક્ષ કરતી એક ચોવક છે: "આમેં મોર નેં કલાણેં લેખો” મતલબ કે આંબાના વૃક્ષ પર હજુ મોર લાગ્યા જ હોય, પણ કેટલી કેરી પાકશે તેનાં હરખભેર લેખાં શરૂ થઈ જાય! 

કોઈ પણ વ્યક્તિના દેખાવ પરથી તેનામાં રહેલા ગુણોનો અંદાજ ન લગાવી શકાય. આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ ને કે, "ચળકે એ બધું સોનું ન હોય.”! એ જ રીતે કચ્છીમાં ચોવક કહે છે કે, "અછો મ઼િડે ખીર ન વે” સફેદ પ્રવાહી બધાં દૂધ જેવાં લાગે ખરાં પણ ખરેખર એ બધાં દૂધ ન હોય! દેખાવ કરતાં તેના ગુણની મહત્તા આ ચોવક દર્શાવે છે.