અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના એક નાના ગામનો રહેવાસી 18 વર્ષીય આર્યન આજે તેના ગામ અને આસપાસના વિસ્તારમાં 'એરોપ્લેન બૉય' તરીકે જાણીતો છે. એક વર્ષ પહેલા તે સામાન્ય સ્કૂલનો વિદ્યાર્થી હતો, તેણે કયારેય પ્લેન આટલું નજીકથી જોયું નહોતું. પરંતુ 12 જૂન 2025ના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ તેની ઓળખ હંમેશાં માટે બદલી દીધી હતી. આર્યને અજાણતાં જ તેના મોબાઈલ ફોનથી વિમાનની અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં અકાળે 260 લોકોના મૃત્યુ થયા હતા.
શું કહ્યું આર્યને
આર્યને એક વર્ષ પહેલાની ગોઝારી ઘટનાને યાદ કરતાં જણાવ્યું, પ્રથમ વખત અમદાવાદ ગયો હતો. હું મારા પિતા સાથે થોડો સમય પસાર કરવા આવ્યો હતો. પિતા સેનામાંથી નિવૃત્ત થયા બાદ અહીંયા એક મેટ્રો સ્ટ્રેશન પર સુરક્ષા ગાર્ડની નોકરી કરતા હતા. મારે 12મા ધોરણના પુસ્તકો ખરીદવા હતા. હું એરપોર્ટ પાસે મેઘાણીનગરમાં પિતાના ભાડાંના ઘરની છત પર ઊભો હતો ત્યારે મેં ખૂબ નજીકથી પ્લેન ઉડતું જોયું. મેં જિંદગીમાં આટલી ઓછી ઊંચાઈએ વિમાન જોયું નહોતું, તેથી ઉત્સાહમાં આવીને અને મિત્રોને બતાવવાના હેતુથી ફોનથી વીડિયો બનાવવા લાગ્યો.
થોડીવારમાં વિમાન એકદમ નીચે આવી ગયું અને ક્રેશ થઈને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. હું ખૂબ ડરી ગયો હતો. મારી નજર સમક્ષ જ આવું થશે તેવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. આ વીડિયો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં ખૂબ વાયરલ થયો હતો.
દુર્ઘટના બાદ આર્યન તેના ગામ પરત ફર્યો અને અભ્યાસ શરૂ કર્યો હતો. તેને 12મું પાસ કરી લીધું છે અને હવે કોલેજમાં એડમિશન લેવા માંગે છે. ગામમાં અને લગ્ન સમારંભમાં લોકો તેને ઓળખી જાય છે અને શું તું જ 'એરોપ્લેન બૉય' છે તેમ પૂછે છે. તેને વીડિયોની મોટી કિંમત પણ ચૂકવવી પડી છે.
આર્યન હવે કોઈપણ વિમાનનો વીડિયો નથી બનાવતો. તેને વીડિયો બનાવીશ તો પ્લેન ફરીથી ક્રેશ થશે તેવો ડર લાગી રહ્યો છે. તે વિદેશ જવાનું સપનું જુએ છે, પરંતુ હાલ તેની પ્લેનમાં બેસવાની હિંમત નથી. તે ઘટના આજે પણ મને ડરાવે છે તેમ કહીને આર્યને હાલ પ્લેનમાં બેસવાની યોજના ન હોવાનું જણાવ્યું હતું.