(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદના રિવરફ્રન્ટ પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે જતું મોપેડ સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાતા સગીરનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાલડીના રહીશ કાવ્ય મહેતા (ઉ.વ. ૧૭) અને તેની બહેન જૈના (ઉ.વ. ૧૪) તેમની માતાની ઓફિસેથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, રિવરફ્રન્ટ નજીક તેમનું મોપેડ થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ભાઈ-બહેન જમીન પર પટકાયા હતા અને મોપેડ 50 ફૂટ દૂર જઈને પડ્યું હતું. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી કાવ્યનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત જૈનાને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ સમગ્ર ગોઝારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માત બાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતક સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે પરિવારજનોને આ દુઃખદ બનાવની જાણ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા હવે કાયદાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.