Mon Jul 27 2026

Logo

સાયબર ઠગોને મ્યુલ સિમ કાર્ડ્સ વેચનારા પીઓએસ ઑપરેટર વિરુદ્ધ ગુનો

2026-07-27 19:28:02
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ: સિમ કાર્ડ ખરીદનારા ગ્રાહકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી પ્રાપ્ત કરાયેલાં મ્યુલ સિમ કાર્ડ્સ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી ટોળકીને વેચનારા પૉઈન્ટ ઑફ સેલ (પીઓએસ) ઑપરેટર વિરુદ્ધ સાયબર પોલીસે ગુનો નોંધ્યો હતો.ઘોસ્ટ સિમ તરીકે ઓળખાતાં આ મ્યુલ સિમ કાર્ડ્સનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરવામાં આવે છે. સાયબર ઠગોને આવાં સિમ કાર્ડ વેચનારા પ્રથમેશ ચોરટ વિશે વેસ્ટ રિજન સાયબર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 112(2), 3(5), 318(4) અને 319(2) તેમ જ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. અધિકારીઓ પ્રથમેશની વધુ માહિતી મેળવી રહ્યા છે.

સાયબર ઠગો દ્વારા શૅર માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ, ડિજિટલ અરેસ્ટ, ટાસ્ક ફ્રોડ સહિત વિવિધ માર્ગે લાલચ આપી અથવા ધમકાવીને નાગરિકો પાસેથી નાણાં પડાવતાં હોય છે. આ માટે મ્યુલ બૅન્ક ખાતાં અને મ્યુલ સિમ કાર્ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવાં ખાતાં અથવા સિમ કાર્ડ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ વ્યક્તિની જાણબહાર તેના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલાં બૅન્ક ખાતાં અને સિમ કાર્ડની માહિતી નૅશનલ સાયબર રિપોર્ટિંગ પ્લૅટફોર્મ (એનસીઆરપી) પર મૂકવામાં આવે છે. તેની તપાસ દરમિયાન અધિકારીઓને જાણ થઈ હતી કે સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલાં સિમ કાર્ડ પીઓએસ ઑપરેટર પ્રથમેશ ચોરટે પ્રાપ્ત કરીને ઠગ ટોળકીને વેચ્યાં હતાં.કહેવાય છે કે પ્રથમેશે જાન્યુઆરી, 2025થી મે, 2026 દરમિયાન આ રીતે મ્યુલ સિમ કાર્ડ્સ મેળવીને વેચ્યાં હતાં. સાયબર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.