Mon Jul 27 2026

Logo

સાયબર ક્રાઇમ સામે ગુજરાતમાં  'ઈ-ઝીરો એફઆઈઆર' સિસ્ટમ લોન્ચ

2026-07-27 19:07:51
Author: Devayat Khatana
Article Image

હવે ઘરે બેઠા જ નોંધાવી શકશે ફરિયાદ; પ્રથમ કેસમાં જ રૂ. 15.76 લાખ બચાવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડના કિસ્સાઓમાં ભોગ બનેલા નાગરિકોને ત્વરિત ન્યાય અપાવવા અને નાણાકીય નુકસાન અટકાવવાની તકો વધારવાના હેતુથી ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ પહેલ કરી છે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગરથી 'સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ ઇ-ઝીરો એફઆઈઆર' સેવાનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો હતો.  આ નવી વ્યવસ્થા હેઠળ, નાગરિકોએ હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર નોંધાતી ફરિયાદોના આધારે આપોઆપ 'ઈ-ઝીરો એફઆઈઆર' જનરેટ થશે, જે ઈલેક્ટ્રોનિક માધ્યમથી તુરંત જ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના સહયોગથી શરૂ કરાયેલી આ વ્યવસ્થાથી તપાસની પ્રાથમિક પ્રક્રિયામાં થતો વિલંબ અટકાવી શકાશે.

આ લોન્ચિંગ પ્રસંગે સંઘવીએ જણાવ્યું હતું કે, પીડિતો પોતાના ઘરે બેઠા જ ફરિયાદ નોંધાવી શકશે, જેથી સમયસર કાર્યવાહી કરીને ઠગાઈની રકમ બચાવવાની શક્યતા વધી જશે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે તમામ પોલીસ યુનિટોને આવી ફરિયાદો પ્રત્યે સંવેદનશીલતા અને ગંભીરતા દાખવી ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના વડા અને આઈજીપી બિપિન આહિરે સ્પષ્ટ કર્યું હતું કે 1930 પરથી જનરેટ થયેલી ઈ-ઝીરો એફઆઈઆર મળ્યા બાદ પોલીસ અધિકારીઓ સામેથી ફરિયાદીનો સંપર્ક કરશે, જરૂરી વિગતો મેળવી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તાત્કાલિક તપાસ હાથ ધરશે.

આ નવી સિસ્ટમનો અમલ શરૂ થતાં જ તેનો પ્રથમ સફળ કેસ અમદાવાદમાં નોંધાયો હતો, જ્યાં 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સાયબર ફ્રોડનો શિકાર બનેલા એક નાગરિકે રાજ્યની પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે ત્વરિત કાર્યવાહી કરીને રૂ. 15.76 લાખથી વધુની રકમ ઠગોના હાથમાં જતાં બચાવી લીધી હતી.