Mon Jul 13 2026

Logo

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે ચાંદીનો એકતા રથ અર્પણ કર્યો

2026-07-13 20:07:21
Author: Mumbai Samachar Team
Article Image

(મુંબઈ સમાચાર ટીમ )

અમદાવાદ : અમદાવાદમાં 16 જુલાઈ ગુરૂવારે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોમી એકતા અને સૌહાર્દની વર્ષો જુની પરંપરાને આગળ વધારતા મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીને "એકતા રથ" અર્પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદના જાણીતા સામાજિક કાર્યકર રઉફ બંગાળી દ્વારા તૈયાર કરાયેલા આ વિશેષ રથને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને વિધિવત અર્પણ કરવામાં આવ્યો હતો. 

ચાંદીના રથ પર સોનાની વરખ ચઢાવવામાં આવી

આ વર્ષે પ્રથમ વખત ચાંદીના રથ પર સોનાની વરખ ચઢાવવામાં આવી છે. અંદાજે 300 ગ્રામથી વધુ ચાંદીથી બનેલા રથ પર 5 ગ્રામ સોનાની વરખ લગાવી તેને વિશેષ આકર્ષક બનાવવામાં આવ્યો છે. રૌફ બંગાળીએ જણાવ્યું કે એકતા રથ તૈયાર કરવામાં લગભગ 15 દિવસનો સમય લાગ્યો હતો. ચાંદીના વધતા ભાવને કારણે સમય સાથે રથનું વજન ઘટાડવામાં આવ્યું છે. ત્રણ ઘોડા સાથે તૈયાર કરાયેલો આ રથ ભગવાન પ્રત્યેની અતૂટ આસ્થા અને સામાજિક એકતાનો સંદેશ આપે છે. 

સમાજમાં સૌહાર્દ જળવાઈ રહે તે માટે પ્રયાસો જરૂરી

ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ સમાજમાં ભાઈચારો અને એકતા જળવાય તે હેતુથી રૌફ બંગાળીએ એકતા રથ અર્પણ કરવાની પરંપરાની શરૂઆત કરી હતી, જે આજે પણ અવિરત ચાલુ છે. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢીએ કોમી રમખાણો કે કર્ફ્યૂનો સમય જોયો નથી, તેથી સમાજમાં સૌહાર્દ જળવાઈ રહે તે માટે આવા પ્રયાસો જરૂરી છે.

વર્ષોથી પરંપરા પ્રમાણે રથ અર્પણ કરવામાં આવ્યો 

આ અંગે દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રાના પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીના રથને અર્પણ કરવામાં આવતો હોય છે. શાંતિ, ભાઈચારા અને આ લોકોત્સવ દરેક ધર્મના, દરેક સંપ્રદાયના, દરેક સમાજના વર્ગો આ ભગવાન જગન્નાથજીની યાત્રા સૌ આનંદથી, આસ્થા અને શ્રદ્ધાથી મનાવે, એ હેતુથી વર્ષોથી પરંપરા પ્રમાણે રથ અર્પણ કરવામાં આવતો હોય છે. 

મંગલ કામના કરવામાં આવી

આ વર્ષે પણ 149મી રથયાત્રાના પાવન અવસર પર રથ અર્પણ કરી ભગવાન જગન્નાથજીની આ યાત્રાની શુભેચ્છા એ લોકો દ્વારા જે વ્યક્ત કરવામાં આવી છે, એમનો ભાવ સમર્પિત કરવામાં આવ્યો છે અને આવો અનન્ય ભાવ સદાયને માટે બની રહે એવી મંગલ કામના કરવામાં આવી છે.