અમદાવાદઃ અમદાવાદની કોન્સ્ટેબલ યુવતી પર મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. આટલું જ નહીં રૂ. 17 લાખ પણ પડાવ્યા હતા અને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવામાં આવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલે મુસ્લિમ યુવકના ઘરે તપાસ કરતાં તે પરિણીત હોવાનું અને એક બાળકનો બાપ હોવાનો ઘટસ્ફોટ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ મહિલા કોન્સ્ટેબલે મુસ્લિમ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો
શહેરના ગોમતીપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલને મુસ્લિમ યુવકે અપરિણીત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ શેરબજારમાં રોકાણના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. તેમજ દુષ્કર્મ આચરીને અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર, હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક એસઆરપી (SRP) જવાન મારફતે મહિલા કોન્સ્ટેબલનો પરિચય પાટણના કુંભરમઢના મુલ્લાવાડ ખાતે રહેતા માજીદખાન ચૌહાણ સાથે થયો હતો. પોતે શેરબજારનો મોટો ટ્રેડર હોવાનું અને 65થી વધુ પોલીસકર્મીઓના નાણાંનું રોકાણ કરાવ્યું હોવાનું કહી આરોપીએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી. આરોપીની વાતોમાં આવી જઈને મહિલા કોન્સ્ટેબલે ક્રેડિટ કાર્ડ અને બેંક લોન દ્વારા ટુકડે-ટુકડે કુલ રૂ.17 લાખનું રોકાણ કરવા માટે તેને સોંપ્યા હતા.
આ દરમિયાન આરોપીએ પોતે કુંવારો હોવાનું કહી મહિલા સાથે નિકટતા વધારી હતી અને નોકરી છોડી લગ્ન કરી લેવા લાલચ આપી હતી. આરોપીએ મહિલા પર હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ સ્વીકારવા માટે સતત માનસિક દબાણ કર્યું હતું. એટલું જ નહીં, લગ્નની ખોટી બાંહેધરી આપી કાર તેમજ અન્ય સ્થળોએ મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. એક તબક્કે મહિલા સાથે બોલાચાલી થતાં આરોપીએ ધાર્મિક ટિપ્પણીઓ કરી તેનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો.
દરમિયાન આરોપીએ મહિલાના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા શંકાના આધારે મહિલા પાટણ ખાતે તેના ઘરે પહોંચી હતી. ત્યાં પહોંચ્યા બાદ આરોપી પહેલેથી પરિણીત હોવાનો અને એક બાળકનો પિતા હોવાનો પર્દાફાશ થયો હતો. પોતાની સાથે થયેલી છેતરપિંડી, વિશ્વાસઘાત અને બળજબરી અંગે મહિલા કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.