Sat Apr 18 2026

Logo

ગોલ્ડ પેસ્ટ કેપ્સ્યુઅલ્સ ગળી ગયેલા બે પ્રવાસી અમદાવાદ એરપોર્ટ પર પકડાયા

2026-02-21 18:53:21
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અબુ ધાબીથી આવતા બે પ્રવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એટપોર્ટ પરથી પકડી લેવામાં આવ્યા હતા. પ્રવાસીઓની શંકાસ્પદ વર્તણૂકના પગલે તેમની પૂછપરછ કરતા તેમણે ગોલ્ડ પેસ્ટ કેપ્સ્યુઅલ્સ ગળી લીધી હોવાનું બહાર આવ્યું હતું. 

અબુધાબીથી અમદાવાદ આવેલા બન્ને પ્રવાસીને એર ઈન્ટેલિજન્સ યુનીટે રોક્યા હતા અને તેમની સઘન પૂછપરછ કરી હતી. તેમના સામાનના ચેકિંગમાં કંઈ જ બહાર આવ્યું ન હતું, પરંતુ તેમના શરીરનું ચેકઅપ કરતા તેમના પેટમાં કોઈ વસ્તુ હોવાનું જણાયું હતું. સઘન પૂછપરછ બાદ તેમણે સ્વીકાર્યું હતું કે ગોલ્ડ પેસ્ટવાળી કેપ્સ્યુઅલ્સ તેમણે ગળી હતી. 

પ્રાથમિક ખુલાસાઓ સૂચવે છે કે બંનેએ સામૂહિક રીતે લગભગ 250 ગ્રામ સોનાની પેસ્ટનું સેવન કર્યું હતું. એક મુસાફરે આશરે 150 ગ્રામ સોનાની પેસ્ટ ગળી હોવાનું માનવામાં આવે છે, જ્યારે બીજાએ લગભગ 90 ગ્રામ સોનાની પેસ્ટનું સેવન કર્યાનું સ્વીકાર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

કસ્ટમ્સ અધિકારીઓએ બંને વ્યક્તિઓની અટકાયત કરી છે અને કેપ્સ્યુલ્સને સુરક્ષિત રીતે મેળવવા માટે તબીબી પ્રક્રિયાઓ શરૂ કરી છે. જપ્ત કરાયેલ સોનાની પેસ્ટની ચોક્કસ માત્રા અને શુદ્ધતા જાણવા માટે વિગતવાર તપાસ ચાલી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.