પિથૌરાગઢઃ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ચોમાસું સીઝન બરોબરની જામી છે. હિમાલયના ક્ષેત્ર ગણાતા આ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ કારણે કેટલાક રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને લાહોલ, સ્પિતિ અને મનાલીના કેટલાક રૂટ પણ બંધ કરવાની ફરજ પડી છે. સતત વરસાદ અને હવામાનની સ્થિતિને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્રએ કૈલાશ યાત્રા અટકાવી દીધી છે.
પિથૌરાગઢ જિલ્લાના વહીવટી અધિકારીઓ તરફથી આદેશ આપવામાં આવ્યા છે કે, ઈન લાઈન પરમીટમાં આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી પ્રસ્થાનો સ્થગિત કરવામાં આવ્યા છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે મુસાફરો અને વાહનોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તંત્ર તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવી?
વહીવટી તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હવામાન સામાન્ય થતા થોડો સમય લાગશે. હવામાન સામાન્ય થશે અને રસ્તાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ જે તે યાત્રીઓને આગળ વધવા દેવામાં આવશે. આ પછી જ પરમીટ આપવામાં આવશે. તંત્રએ યાત્રીઓને સાથ સહકાર આપવા પણ અપીલ કરી છે. આ ઉપરાંત કુદરતી રીતે વિકટ સ્થિતિને લઈને અસુવિધા પર ખેદ વ્યક્ત કર્યો છે.
બુધવાર સુધી યાત્રા માટે 52441 ઈનર લાઈન પરમીટ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 52441 શ્રદ્ધાળુઓ કૈલાશયાત્રા કરી ચૂક્યા છે અને ઓમકાર પર્વતના દર્શન કરી ચૂક્યા છે. બુધવારે (1.7.2026) સૌથી ઓછી પરમીટ આપવામાં આવી હતી. 103 શ્રદ્ધાળુઓને જ પરમીટ આપવામાં આવી હતી.આ વર્ષે કૈલાશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા છે. ગત વર્ષે સમગ્ર સત્ર દરમિયાન 36,256 શ્રદ્ધાળુઓએ કૈલાશયાત્રા કરી હતી. જ્યારે આ વર્ષે આંકડો ગત વર્ષ કરતા વધી ગયો છે.
યાત્રામાં સુરક્ષાને પ્રાથમિકતા
કૈલાશ માનસરોવર યાત્રા મે મહિનામાં શરૂ થઈ હતી. બુદ્ધ પૂર્ણિમાથી કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. દર વર્ષે કૈલાશ માનસરોવર યાત્રમાં ભાવિકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, ટ્રેકર્સ તથા પ્રકૃતિ પ્રેમીઓમાં કૈલાશયાત્રાને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, બેસ્ટ રોડ ક્નેક્ટિવિટી, રહેવા માટેની સુવિધા, ઓનલાઈન ઈનર લાઈન પરમીટ વ્યવસ્થા અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સુરક્ષા જેવા કારણોસર યાત્રા પહેલા કરતા વધારે સરળ અને સુરક્ષિત બની રહી છે. યાત્રામાં સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે 1 જુલાઈથી 4 જુલાઈ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે 'યલો' અને 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યુ છે. ભારે વરસાદની અસર પહાડી જિલ્લાઓમાં પહેલાથી જ દેખાઈ રહી છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં, ભારે વરસાદને કારણે ગૌરી કુંડ ખાતે રાહદારીઓના માર્ગ પર કાટમાળ ધસી પડ્યો હતો, જે દરમિયાન એક દુકાન પર પટકાઈ હતી.
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેવી જ રીતે, ઋષિકેશ-કેદારનાથ હાઇવે પર વિવિધ સ્થળોએ પથ્થરો પડી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે, જેના કારણે યાત્રામાં વિક્ષેપ પડ્યો છે. ગઢવાલ અને કુમાઉ બંને પ્રદેશોમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે; પરિણામે, વહીવટીતંત્રે આદિ કૈલાશ યાત્રા સ્થગિત કરી દીધી છે.