Fri May 01 2026

Logo

ભારત-પાકિસ્તાન વચ્ચે સેમિ ફાઈનલમાં ટક્કર સંભવ છે: જાણો આખુ ગણિત...

2026-02-20 12:08:00
Author: Ajay Motiwala
Article Image

મુંબઈ: ટી-20 વર્લ્ડ કપમાં ભારતે લીગ મૅચોમાં અપરાજિત રહીને સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે અને પાકિસ્તાને જોરદાર વાપસી સાથે ટોચના આઠ દેશના રાઉન્ડમાં એન્ટ્રી કરી છે એટલે હવે ક્રિકેટપ્રેમીઓના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે શું ફરી એક વાર ચેમ્પિયન બનવા માટે ફેવરિટ ગણાતા ભારત (India) અને ‘બી' ગ્રેડની ટીમ લઈને વર્લ્ડ કપમાં ઊતરેલા પાકિસ્તાન (Pakistan) વચ્ચે આ ટૂર્નામેન્ટમાં ફરી એક વખત મુકાબલો થશે કે નહીં?

શનિવારથી સુપર-એઇટ રાઉન્ડ

સુપર-એઇટ (Super Eight) રાઉન્ડ શનિવાર, 21મીએ શરૂ થશે જેમાં એ દિવસે પાકિસ્તાન અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે. આ રાઉન્ડમાં ચાર-ચાર ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે અને ભારત-પાકિસ્તાન અલગ ગ્રુપમાં છે. એ જોતાં સુપર-એઇટ રાઉન્ડમાં બંને વચ્ચે જંગ શક્ય નથી, પરંતુ સેમિ ફાઇનલમાં ફરી આ બંને દેશ સામસામે આવી શકે અને એ સેમિ ફાઈનલ કોલંબોમાં રમાશે.

ભારતની કોની સામે કસોટી?

સુપર-એઈટ રાઉન્ડના બંને ગ્રૂપમાંથી ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે. ભારતે સુપર-એઇટ રાઉન્ડમાં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ત્રણેય મજબૂત ટીમનો સામનો કરીને સેમિ ફાઇનલમાં પહોંચવું પડશે. એવી જ રીતે, બીજા ગ્રૂપમાં પાકિસ્તાને સેમિ ફાઇનલમાં જવા ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ અને શ્રીલંકા જેવી પડકારરૂપ ટીમો સામે અગ્નિપરીક્ષા આપવી પડશે.

સેમિમાં ભારત-પાકિસ્તાન ટક્કર કેવી રીતે સંભવ?

જો ભારત પોતાના ગ્રૂપમાં પ્રથમ સ્થાન પર અને પાકિસ્તાન પોતાના ગ્રૂપમાં બીજા સ્થાન પર રહેશે તો આ બંને દેશ વચ્ચે સેમિ ફાઇનલમાં ટક્કર થઈ શકે. ભારત જો પોતાના ગ્રૂપમાં બીજા ક્રમે રહેશે અને પાકિસ્તાન પોતાના ગ્રૂપમાં અવ્વલ રહેશે તો પણ ભારત-પાકિસ્તાન વચ્ચે સેમિ ફાઇનલ થઈ શકે.

ફાઈનલમાં પણ આમનેસામને આવી શકે 

જો ભારત અને પાકિસ્તાન અલગ અલગ સેમિ ફાઇનલમાં પહોંચશે અને પોતપોતાની સેમિ જીતશે તો ફાઇનલમાં બંને વચ્ચે મુકાબલો થઈ શકે અને એવું થશે તો 2007ના પ્રથમ વર્લ્ડ કપનું એ પુનરાવર્તન કહેવાશે.