નવી દિલ્હીઃ દિલ્હીના પોશ વિસ્તાર માલવીય નગરમાં બુધવારે સવારે હૌજ રાનીમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી જેમાં 21 લોકોના મોત થયા છે. આગ એટલી ભયાનક હતી કે ગણતરીની મિનિટોમાં આખી ઈમારતને લપેટમાં લઈ લીધી અને અંદર ફસાયેલા લોકો જીવ બચાવવા માટે બારીઓ અને બાલ્કની તરફ દોડવા લાગ્યા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સ્થિતિ એટલી ડરામણી હતી કે કેટલાય લોકોએ નીચે કૂદીને પોતાનો જીવ બચાવ્યો. આ અકસ્માતે ફરી એકવાર રાજધાનીની ઈમારતોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ પર મોટા સવાલો ઊભા કરી દીધા છે. પ્રાથમિક માહિતી મુજબ આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને સંભાળવાની તક પણ ન મળી. આ અકસ્માતમાં 20-25 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
દિલ્હી ફાયર સર્વિસને સવારે લગભગ 9.15 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. આ પછી તરત જ ફાયર ફાઈટરની ઘણી ગાડીઓ, વોટર બાઉઝર અને ક્વિક રિસ્પોન્સ વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ માલવીય નગરની 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ'માં લાગી હતી, જે જોતજોતામાં ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બેઝમેન્ટ સહિતના ભાગોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને તરત જ CATS એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલમાં આગ લાગવાના સાચા કારણોની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ પ્રાથમિક આશંકા શોર્ટ સર્કિટની સેવાઈ રહી છે.
દિલ્હીના માલવીય નગરમાં આવેલી હોટેલમાં લાગેલી ભયાનક આગ અંગે એસડીએમ (SDM) જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ પ્રશાસન અને તમામ સંબંધિત એજન્સીઓને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ઇમારતના નીચેના ભાગમાં એક હોટેલ ચલાવવામાં આવી રહી હતી અને પ્રાથમિક તપાસમાં આગ એ જ હોટેલમાંથી ફેલાઈ હોવાની વાત સામે આવી રહી છે.
એસડીએમના જણાવ્યા અનુસાર, મૃતદેહોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ પણ એક તપાસનો વિષય છે કે હોટેલ કોઈ બીજા લાયસન્સના આધારે ચલાવવામાં આવી રહી હતી કે કેમ. બીજી તરફ, સમયસર બીએસઈએસ (BSES) દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાને કારણે આગને કાબૂમાં લેવામાં મદદ મળી હતી.
માલવીય નગરના ધારાસભ્યનું નિવેદન
માલવીય નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે જણાવ્યું કે, "આ ખૂબ જ દુઃખદ ઘટના છે. અમને સવારે 9.00 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળી હતી. અમે તરત જ સમગ્ર તંત્રને સક્રિય કર્યું અને પોતે પણ અહીં ઘટનાસ્થળે પહોંચ્યા. આગ લાગવાના કારણોની ખબર હવે પછી પડશે. કેટલાક લોકોના મોત પણ થયા છે અને ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. મુખ્યમંત્રી સાથે પણ મારી ઘણી વખત વાતચીત થઈ છે. અમે તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવશે."