Sun May 17 2026

Logo

સુનેત્રા પવારના પત્રને કારણે ઝીશાન સિદ્દીકીને વિધાનસભ્યપદ ગુમાવવું પડશે?

2026-05-17 18:09:44
Author: Vipul Vaidya
Article Image

ટેક્નિકલ ક્ષતિને કારણે સિદ્દિકીનું ઉમેદવારીપત્ર બાદ કરવામાં આવે એવી લટકતી તલવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રાષ્ટ્રીય કારોબારીને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર જૂથમાં મૂંઝવણની સ્થિતિનું ચિત્ર છે. પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને રાષ્ટ્રીય કારોબારીમાં નિયુક્ત કરવામાં આવ્યા ન હતા. તે પછી શરૂ થયેલો વિવાદ વધુ વધી ગયો છે. હવે, નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીનાં પ્રમુખ સુનેત્રા પવારનાં પત્રને કારણે વિધાન પરિષદમાં ચૂંટાયેલા વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી શક્યતા છે.મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાંથી એક ખૂબ જ સનસનાટીભર્યા અને આઘાતજનક સમાચાર બહાર આવી રહ્યા છે. અજિત પવાર જૂથના યુવા નેતા અને વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીની વિધાન પરિષદની બેઠક ટેકનિકલ મુશ્કેલીમાં હોવાની પ્રબળ શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પક્ષની અંદર એક મોટી ટેકનિકલ ભૂલ આનું કારણ બની છે.

સમગ્ર મામલાનું મૂળ એનસીપી નેતા સુનીલ તટકરેની પ્રદેશ પ્રમુખ પદ પર અને ઝીશાન સિદ્દીકીના ‘એઆઈ ફોર્મ’ પર સહીમાં રહેલું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 29 એપ્રિલે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનેત્રા પવાર દ્વારા સહી કરાયેલ એક સત્તાવાર પત્ર ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પાર્ટી તરફથી થયેલા આ પત્રને અંતિમ ગણવો. ચોંકાવનારી વાત એ છે કે આ પત્રમાં ‘પ્રદેશ પ્રમુખ’નો કોઈ ઉલ્લેખ નહોતો. આ કારણે, તટકરેના પ્રદેશ પ્રમુખ પદ અંગે રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા થઈ છે.

બીજી તરફ, આ પત્રના બીજા જ દિવસે એટલે કે 30 એપ્રિલે ઝીશાન સિદ્દીકીએ પાર્ટીનું જે એઆઈ ફોર્મ જોડ્યું હતું, તેમાં ‘પ્રદેશ પ્રમુખ’ તરીકે સુનિલ તટકરેની સહી છે. એક તરફ, ચૂંટણી પંચને આપવામાં આવેલા પત્રમાં તટકરેના પદનો ઉલ્લેખ ન હતો અને તેમણે બીજા જ દિવસે પ્રદેશ પ્રમુખ તરીકે એઆઈ ફોર્મ પર સહી કરી હતી, તેનાથી તેની કાયદેસરતા પર મોટો પ્રશ્ર્નાર્થ ઊભો થયો છે.

એનસીપીમાં કારોબારી સમિતિની નિમણૂકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ, હસન મુશ્રીફ, દિલીપ વળસે-પાટિલ જેવા દિગ્ગજ નેતાઓને એનસીપીની કારોબારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું નથી તે વાત પ્રકાશમાં આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનેત્રા પવારે 29 એપ્રિલે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં નવી કારોબારી સમિતિની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયામાં આ પત્ર પ્રકાશમાં આવ્યા પછી તરત જ સુનેત્રા પવારે કહ્યું હતું કે આ એક ટેકનિકલ ભૂલ છે અને સુધારેલી યાદી મોકલવામાં આવશે, જોકે હવે આ યાદીને કારણે ઝિશાન સિદ્દિકીનું વિધાનસભ્યપદ સંકટમાં છે.